Video/ બોડેલીનું જોજવા સિંચાઈ રેસ્ટ હાઉસ જર્જરિત હાલતમાં, રજવાડી સ્થાપત્ય વેરાન
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સ્થિત જોજવા ગામ ખાતે સિંચાઈ વિભાગના રેસ્ટ હાઉસ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સ્થિત જોજવા ગામ ખાતે સિંચાઈ વિભાગના રેસ્ટ હાઉસ અને અન્ય રહેણાંક બિલ્ડીંગો હાલ અત્યંત જર્જરિત અને ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે. દેખરેખના અભાવે આ ઐતિહાસિક બાંધકામો દિવસેને દિવસે ધરાશાયી થઈ રહ્યા છે.
રજવાડી વખતનું બાંધકામ, જાળવણીનો અભાવ
જોજવા ખાતે આવેલ આ રેસ્ટ હાઉસ અને રહેણાંક મકાનો જોજવા આડબંધ અને કેનાલોની દેખરેખ માટે રહેતા કર્મચારીઓ અને અધિકારીઓના રાત્રિ રોકાણ માટે બનાવવામાં આવ્યા હતા. આ બાંધકામો રજવાડી શાસન સમયના છે, જે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. આ બાંધકામોની જાળવણીની જવાબદારી સિંચાઈ વિભાગ, વડોદરા કચેરીની હોવા છતાં, કચેરી દ્વારા કોઈ દેખરેખ લેવામાં ન આવતા આ સંકુલો આજે વેરાન પડી રહ્યા છે.
સંચાલન વડોદરાથી થતું હોવાથી સ્થાનિક કક્ષાએ કોઈ દેખરેખ રાખતું નથી. અધિકારીઓને આ વિસ્તારને વિકસાવવામાં રસ ન હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.
પ્રવાસન સ્થળ તરીકે વિકાસની સંભાવના
જોજવા આડબંધ પણ રજવાડી શાસન સમયનો જ છે, અને આ વિસ્તારમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી શકે તેવી ઉજ્જવળ સંભાવનાઓ રહેલી છે. જોકે, અધિકારીઓ દ્વારા આ વિસ્તારનો વિકાસ કરવા માટે કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી.
પ્રથમ તો, સિંચાઈ વિભાગે પોતાના જ કર્મચારીઓ અને અધિકારીઓ માટે બનાવેલા જર્જરિત મકાનોની જાળવણી કરવી જરૂરી છે, જેથી આ ઐતિહાસિક બાંધકામોને નાશ થતા બચાવી શકાય અને ત્યારબાદ પ્રવાસનના વિકાસ તરફ ધ્યાન આપી શકાય.







