Video/ Surendranagar માં મધરાતે 'GoGo' સ્ટીક વેચતા પાન પાર્લર પર દરોડા
સુરેન્દ્રનગરમાં યુવા પેઢીને નશાના રવાડે ચડાવતા નશીલા પદાર્થો સામે સુરેન્દ્રનગર પોલીસ
સુરેન્દ્રનગરમાં યુવા પેઢીને નશાના રવાડે ચડાવતા નશીલા પદાર્થો સામે સુરેન્દ્રનગર પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગના કડક જાહેરનામા બાદ, સુરેન્દ્રનગર SOG (Special Operations Group) ની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાન પાર્લરો પર ત્રાટકીને ગેરકાયદેસર રીતે વેચાતી GoGo સ્ટીકનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જિલ્લામાં GoGo વેચાણ સામે તંત્ર દ્વારા આ પ્રથમ મોટી કાર્યવાહી છે.
જાણીતા પાન પાર્લરો પર પોલીસના દરોડા
SOGની અલગ-અલગ ટીમોએ બાતમીના આધારે શહેરના પ્રતિષ્ઠિત ગણાતા ત્રણ પાન પાર્લર પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. જેમાં
-
રાજ પાન પાર્લર
-
સ્મોક લાઈટ પાન પાર્લર
-
ડિલક્ષ પાન પાર્લર
તપાસ દરમિયાન આ પાર્લરોમાંથી પોલીસને પ્રતિબંધિત335 જેટલી GoGo સ્ટીક મળી આવી હતી, જેને તાત્કાલિક અસરથી જપ્ત કરવામાં આવી છે.
ગૃહ વિભાગના જાહેરનામા બાદ કડક કાર્યવાહી
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં યુવા વર્ગમાં વધતા નશાના ચલણને રોકવા માટે GoGo સ્ટીક અને તેના જેવા અન્ય નશીલા સાધનોના વેચાણ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાના અમલીકરણ માટે સુરેન્દ્રનગર પોલીસે ઝુંબેશ શરૂ કરી છે.
યુવાધનને બચાવવા માટેની પહેલ
GoGo સ્ટીકનો ઉપયોગ ખાસ કરીને યુવા વર્ગમાં નશા માટે વધી રહ્યો છે, જે શારીરિક અને માનસિક રીતે અત્યંત નુકસાનકારક છે. શહેરમાં પ્રથમ વખત થયેલી આ કાર્યવાહીથી પાન પાર્લર સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારો અને પાન પાર્લરો પર તપાસ તેજ કરવામાં આવશે.






