મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli: માતાની નજર સામે જ સાડા પાંચ વર્ષના માસૂમને ઉઠાવી ગયો દીપડો

અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ધારી તાલુકાના ગોપાલગ્રામ-સરંભડા

અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ધારી તાલુકાના ગોપાલગ્રામ-સરંભડા રોડ પર આજે વહેલી સવારે એક કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. સીમ વિસ્તારમાં રમી રહેલા સાડા પાંચ વર્ષના માસૂમ બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. 

મળતી માહિતી મુજબ, ધારીના ગોપાલગ્રામમાં બાવચંદભાઈ પ્રેમજીભાઇ વાઘેલાની વાડીએ રહીને મજૂરી કરતા પરપ્રાંતિય મજૂર રાકેશભાઈ કટારાનો પુત્ર સાહિલ સવારે 9 વાગ્યાના અરસામાં વાડીમાં રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તુવેરના પાકમાંથી ધસી આવેલા દીપડાએ તેની માતાની નજર સામે જ બાળક પર હુમલો કર્યો હતો અને તેને પકડીને ઉઠાવી ગયો હતો. જે બાદ આસ-પાસના ખેડૂતોએ ભેગા થઈને દીપડાને ખદેડી બાળકને તાત્કાલિક ચલાલા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

ઘટનાની જાણ થતા જ ધારી એસીએફ (ACF) સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગે આ  દીપડાને પકડવા માટે અલગ-અલગ ત્રણ જગ્યાએ પાંજરા ગોઠવી  દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી છે. તેમજ બાળકના મૃતદેહને પીએમ માટે ચલાલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો