Video: મૃગીકુંડમાં સ્નાન કરવાના વિવાદમાં કીર્તિ પટેલની રાજસ્થાનથી કરાઈ ધરપકડ
વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલને લઈને મોટા સમાચાર સામે આવ્

વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કીર્તિ પટેલને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. તેની ધરપકડ રાજસ્થાનથી કરાઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ભવનાથ મેળામાં મૃગીકૂંડમાં સ્નાન કરવા મામલે શરૂ થયેલા વિવાદ બાદ સાધુ-સંતો અને કીર્તિ પટેલ વચ્ચે વિવાદ વકર્યો હતો અને કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુ પર સણસણતા આક્ષેપો કર્યા હતા.
આ સાથે કીર્તિ પટેલ સામે મહિલા પીઆઈની ફરજમાં રૂકાવટ, સાધુઓની ધાર્મિક લાગણી દુભાવી અને ૨૦ લાખની ખંડણી માંગી બળાત્કારના કેસમાં ફિટ કરવાની ધમકી આપવાનો ગુનો નોંધાયો હતો. ભવનાથ પોલીસ સ્ટેશનમાં બે અને જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક એમ કુલ ત્રણ ગુનામાં તેની ધરપકડ કરાઈ છે. પોલીસ દ્વારા કીર્તિ પટેલને ક્યાંથી અને કેવી રીતે પકડવામાં આવી તે અંગે અનેક અટકળો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ ફરાર હતી ત્યારે પણ અનેક વિડીયો જાહેર કર્યા હતા.
ત્રીજી FIR નોંધાઈ
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ ખાતે યોજાયેલા મહા શિવરાત્રી મેળા દરમિયાન કીર્તિ પટેલે મૃગી કુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો હતો. આ ઘટનાના વીડિયોનો વિરોધ કરવા જૂનાગઢના યુ-ટ્યુબર અબજલ સીડાએ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું હતું. અબજલના આ વીડિયો બાદ કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટવા લાગ્યા હતા, જેનો ખાર રાખી કીર્તિ અને તેની ટોળકીએ અબજલને નિશાન બનાવ્યો હતો. જેના કારણે કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હોવાનું કહી અબજલ પાસે 20 લાખ રૂપિયાની ખંડણી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી, જેના કારણે અબજલ સીડાએ બેવાર ફિનાઈલ ગટગટાવી લીધુ હતું. આરોપીઓના ત્રાસથી કંટાળી અબજલ સીડાએ પહેલા પોતાના ઘરે ફિનાઈલ પીધું હતું. ત્યારબાદ જેતપુર નવાગઢ પાસે ભાદરના પુલ નજીક બીજી વાર ફિનાઈલ ગટગટાવ્યું હતું. હાલમાં યુવક સારવાર હેઠળ છે અને તેની હાલત પર નજર રાખવામાં આવી રહી છે.
5 આરોપીઓ સામે ગુનો દાખલ
આ ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢના ઉદ્યોગનગર પોલીસ મથકે કીર્તિ પટેલ સહિત દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ તમામ સામે ખંડણી, ધમકી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાના પ્રયાસ હેઠળ તપાસ તેજ કરી હતી.






