મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટમાં અધધ...140 કિલો ચાંદીની ચોરી, મિત્રના ઘરે રાખેલી વેપારીની કિંમતી ધાતુ પર હાથફેરો

રાજકોટ શહેરના રણછોડનગર શેરી નંબર-૧માં 140 કિલો ચાંદીની ચોરીની ઘટના સામે આવી છ

રાજકોટ શહેરના રણછોડનગર શેરી નંબર-૧માં 140 કિલો ચાંદીની ચોરીની ઘટના સામે આવી છે. રાત્રીના સમયે તસ્કરો પટેલ વેપારીના ઘરમાં ઘૂસીને અંદાજે ૧૪૦ કિલો ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થયા હતા. ચોરાયેલ ચાંદી અતુલભાઈ પટેલની હોવાનું જાણવા મળ્યું છે, જેમને ચાંદી પોતાના મિત્ર બિપિન પટેલના ઘરે રાખી હતી.

ડીસીપી સહિતનો કાફલો ઘટનાસ્થળે 

વેપારીઓએ ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ધારાસભ્ય દ્વારા ઘટનાની ત્વરિત જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ ઘટનાસ્થળે ડીસીપી ક્રાઇમ, એસીપી, બી ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પહોંચી તપાસ શરૂ કરી છે. 

રાત્રે 2 થી 2.30 વાગ્યા આસપાસ ચોરી

પ્રાથમિક વિગતો મુજબ તસ્કરો રાત્રે 2 થી 2.30 વાગ્યા આસપાસ ફોર વ્હીલર લઈને આવ્યા હતા. વેપારીના મિત્ર બિપિનભાઈનું ઘર ટાર્ગેટ હતું. ઘરમાં ઘૂસીને 120 થી 125 કિલોગ્રામ, કિંમતે 1 કરોડથી વધુની ચાંદી ચોરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ બિપિનભાઈએ વેપારી અતુલભાઈ પટેલને કરી હતી, તેમણે તાત્કાલિક પોલીસ અને ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી હતી. જે પછી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસ તપાસ શરૂ 

પોલીસે ઘટનાની માહિતી આપતા જણાવ્યું કે, ફરિયાદી અતુલ લિંબાભાઈ ગુસા તેઑ ચાંદીના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમના પરિચિત બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલી છે ત્યાં 120થી 125 કિલોગ્રામ ચાંદીની ચોરી થઈ છે. પોલીસે ઘટનાની ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. હાલ આસપાસના વિસ્તારોના CCTV કેમેરાની ફૂટેજની ચકાસણી થઈ રહી છે. 

પોલીસ પેટ્રોલિંગ પર સવાલ

મોટી ચોરીના પડઘા પોલીસના ઉચ્ચ અધિકારીઓના કાને પણ પડ્યા હતા. આ કેસમાં  ઇન્ચાર્જ પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઈમ, ડીસીપી ઝોન-વન, બી ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સંયુક્ત રીતે તમામ દિશામાં સંયુક્ત તપાસનો ધમધમાટ કર્યો છે. બીજી તરફ ચોરોએ આટલી મોટી ચોરીને અંજામ આપી ભાગી જતાં પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે. આખા વિસ્તારમાં ડર અને રોષનો માહોલ છે. 

આ સમાચાર શેર કરો