મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામ સહિત બે જેલભેગા, જમીન વિવાદમાં લાકડીઓથી હુમલો અને ૩ રાઉન્ડ ફાયરિંગનો ગંભીર આરોપ!

મધ્ય પ્રદેશના છતરપુ

તસવીર: gstv

મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. અહીં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાગેશ્વર મહારાજ) ના ભાઈ શાલિગ્રામ ગર્ગની જમીન વિવાદ સાથે જોડાયેલા એક ગંભીર મામલામાં પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે આ કેસમાં અન્ય એક આરોપી અંકિત મિશ્રાની પણ અટકાયત કરી છે, જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ હજુ ચાલુ છે. બંને આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમને રાજનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

તલવાર-લાકડીઓથી હુમલો અને ફાયરિંગનો આરોપ

મળતી માહિતી મુજબ, આ ઘટના 14મી જુલાઈની બપોરે આશરે 3 વાગ્યાની આસપાસ બની હતી. રાજનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કોંડા ગામના રહેવાસી મોતીલાલ કુશવાહાએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેઓ પોતાના સાથીઓ સાથે ગામમાં હાજર હતા, ત્યારે જ શાલિગ્રામ ગર્ગ પોતાના સાથીદારો સતીષ, આશિષ અને અન્ય એક અજાણ્યા વ્યક્તિ સાથે ત્યાં ધસી આવ્યા હતા.

પીડિત પક્ષનો આરોપ છે કે આરોપીઓએ આવતાની સાથે જ ગાળો આપવાનું શરૂ કર્યું હતું અને લાકડી-ડંડાથી જીવલેણ મારપીટ કરી હતી. એટલું જ નહીં, હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે. આ મારામારી અને હોબાળાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાયરલ થઈ રહ્યા છે, જેને આધારે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.

વિવાદો સાથે જૂનો નાતો

આ સમગ્ર મામલે એડિશનલ એસપી આદિત્ય પટલેએ જણાવ્યું કે, શાલિગ્રામ ગર્ગ અને અંકિત મિશ્રાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને રાજનગર પોલીસ આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન જે પણ નવા તથ્યો સામે આવશે તેના આધારે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે.

નોંધનીય છે કે, બાગેશ્વર મહારાજના ભાઈ શાલિગ્રામ ગર્ગનું નામ આ પહેલા પણ અનેક વિવાદોમાં ઉછળી ચૂક્યું છે. અગાઉ પણ તેમના પર જાહેરમાં પિસ્તોલ લહેરાવવા, લોકોને ધમકી આપવા, મારપીટ કરવા અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે બબાલ કરવા જેવા ગંભીર આરોપો લાગી ચૂક્યા છે.

આ સમાચાર શેર કરો