VIDEO: બાળકો અને સગર્ભા મહિલાઓનું અનાજ અધિકારીઓ ઓહિયા કરી ગયા, SIT તપાસમાં 4 ની ધરપકડ
મધ્ય પ્રદેશમાં ઇથેનોલ ઉત્પાદનના નામે એક મોટું કૌભાંડ (Scandal) પ્રકાશમા

મધ્ય પ્રદેશમાં ઇથેનોલ ઉત્પાદનના નામે એક મોટું કૌભાંડ (Scandal) પ્રકાશમાં આવ્યું છે. સરકારી અધિકારીઓ, રાઇસ મિલર્સ અને ઇથેનોલ પ્લાન્ટ ઓપરેટરોની મિલીભગતથી અંદાજે ૧૧૬૦ કરોડ રૂપિયાના સરકારી ચોખા ગાયબ કરી દેવામાં આવ્યા છે. આ મામલે પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને અત્યાર સુધીમાં ૪ લોકોની ધરપકડ કરી છે.
શું છે સમગ્ર મામલો?
મીડિયા રિપોર્ટ અનુસાર, મધ્ય પ્રદેશમાં ઇથેનોલ ઉત્પાદન (Ethanol production) માટે ૫ લાખ મેટ્રિક ટન (૫૦ લાખ ક્વિન્ટલ) સરકારી ચોખા ફાળવવામાં આવ્યા હતા, જેની કિંમત આશરે ૧,૧૬૦ કરોડ રૂપિયા છે. આંચકાજનક બાબત એ છે કે, આ સામાન્ય ચોખા નહોતા, પરંતુ ફોર્ટિફાઇડ (Fortified - પોષણયુક્ત) ચોખા હતા. કુપોષણ અને એનિમિયા સામે લડવા માટે આ ચોખા ગરીબ બાળકો, સગર્ભા મહિલાઓ અને કિશોરીઓને વિતરણ કરવાના હતા.
કેવી રીતે થયો પર્દાફાશ?
ગયા મહિને બાલાઘાટના એક સરકારી ગોડાઉનમાંથી (Government warehouse) ચોખા ભરેલી ટ્રકો ઇથેનોલ પ્લાન્ટ માટે રવાના થઈ હતી. સરકારી રેકોર્ડ મુજબ આ જથ્થો ઇથેનોલ બનાવવા માટે જઈ રહ્યો હતો, પરંતુ તપાસ દરમિયાન આ ટ્રકો પ્લાન્ટ પર પહોંચવાને બદલે એક ખાનગી રાઇસ મિલમાં ઉભેલી મળી આવી હતી. આ સુરાગ મળતા જ પોલીસે એસઆઈટી (SIT) ની રચના કરીને બાલાઘાટ, છિંદવાડા અને સિવનીમાં દરોડા પાડી ૧૨ ટ્રકો જપ્ત કરી છે અને ૪૦ થી વધુ લોકોની પૂછપરછ હાથ ધરી છે.
આવી રીતે થતો હતો આખો 'ખેલ'
આ કૌભાંડનું નેટવર્ક (Network) અત્યંત શાતિરાના હતું. ઇથેનોલ પ્લાન્ટ સંચાલકોને સરકાર તરફથી ફોર્ટિફાઇડ ચોખા ૨,૩૨૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના સબસિડી દર (Subsidy rate) પર મળતા હતા. પ્લાન્ટ સંચાલકો આ ચોખામાંથી ઇથેનોલ બનાવવાને બદલે તેને ૨,૮૦૦ રૂપિયાના ભાવે રાઇસ મિલર્સને (Rice millers) વેચી દેતા હતા.
ત્યારબાદ રાઇસ મિલર્સ આ જ ચોખાને નવી ગુણીઓમાં ભરીને કસ્ટમ-મિલ્ડ ચોખા (Custom-milled rice) તરીકે પાછા સરકારી ગોડાઉનોમાં જ જમા કરાવી દેતા હતા. આનાથી મિલર્સને ડબલ ફાયદો થતો હતો; એક તો ચોખા બનાવવાનો મિલિંગ ખર્ચ (Milling cost) બચી જતો અને ઉપરથી સરકાર પાસેથી મિલિંગ ચાર્જ પણ વસૂલતા હતા. આ સિવાય, જે ડાંગર (Paddy) તેમને ખરેખર મિલિંગ માટે મળી હતી, તેને તેઓ ઓપન માર્કેટમાં (Open market) વેચીને મોટો નફો કમાતા હતા.
નિયમો નેવે મુકાયા, મોનિટરિંગ સિસ્ટમ ફેઈલ
સરકારી નિયમો (FIFO - First In First Out) મુજબ ગોડાઉનમાં રહેલો જૂનો ચોખા ઇથેનોલ માટે આપવાનો હતો, પરંતુ ભ્રષ્ટ અફસરોએ નિયમોનું ઉલ્લંઘન કરીને નવો ફોર્ટિફાઇડ ચોખા ફાળવી દીધો. દલાલો (Brokers) દ્વારા આ ચોખાના એલોટમેન્ટની ગુપ્ત માહિતી મિલર્સ સુધી પહેલેથી પહોંચાડી દેવાતી હતી. સમગ્ર મામલામાં સરકારી તંત્ર અને મોનિટરિંગ સિસ્ટમ (Monitoring system) પૂરી રીતે નિષ્ફળ રહી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ આ મામલે કડક પગલાં લેવાના આદેશ આપ્યા છે.








