VIDEO: રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ બેદરકારીનાં લીધે મહિલાનાં મોતનો આક્ષેપ, છુટ્ટાહાથની મારામારી

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મહિલા દર્દીના મોત બાદ તેમના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ડોક્ટર અને સ્ટાફની બેદરકારીને કારણે જ દર્દીનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરી હોસ્પિટલના ડોક્ટર તેમજ સ્ટાફ સાથે મારામારીનો પ્રયાસ કરતા મામલો ગરમાયો હતો. બનાવના પગલે પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે મૃતક દર્દીના પરિવારજનોની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ હોસ્પિટલ તંત્રએ દર્દીની સારવારમાં કોઇ બેદરકારી ન રખાઇ હોવાનો દાવો કર્યો છે.

જયશ્રીબેન પરમાર નામના દર્દીને વાલ્વની બિમારી હોવાથી તેને પ્લેક્ષસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટર તેમજ સ્ટાફ દ્વારા દવાનો ઓવરડોઝ આપવાને કારણે દર્દીની બંને કિડની ફેલ થતા તે બ્રેઇન ડેડ થયા હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો. હાથમાં બેનરો અને સુત્રોચ્ચાર સાથે હોસ્પિટલમાં ધસી આવી પરિવારજનોએ ઉગ્ર અને આક્રમક વિરોધ કર્યો.

પરિવારજનોનાં કહેવા મુજબ, દર્દીની હાલત ખરાબ થતા અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવારમાં મોત થયું હતું. તબીબ દિનેશ રાજે દર્દીની ફાઇલમાં દર્દીની ઉંમર ખોટી દર્શાવી હતી અને વેન્ટીલેટર પર રાખવા છતાં વેન્ટીલેટરનો બિલમાં ઉલ્લેખ કર્યો નહોતો અને દર્દીનાં સબંધીઓને 2 લાખનું બિલ આપી ડિસ્કાઉન્ટ કરી આપ્યું હોવાનું કહિને દર્દીને રીફર કરી દીધું હતું.

તો બીજી તરફ તબીબ દિનેશ રાજે પણ પોતાનો બચાવ કર્યો હતો અને સ્ટાફની કોઇ બેદરકારી ન હોવાનો બચાવ કર્યો હતો. સાથે સાથે દર્દીને પૂરતી સારવાર આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલમાં હોબાળો થયો હતો અને તબીબ દિનેશ રાજ પર આક્રોષમાં દર્દીનાં સબંધીઓએ હાથ ઉપાડ્યો હતો. જેને પગલે માલવીયાનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકનાં પરિવારજનોની ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter