GSTV
Home » News » VIDEO : ગુજરાતભરમાં ટ્રાફિક પોલીસે આ પ્રયોગ કરવાની જરૂર, નવસારીમાં પોલીસે જ ગિફ્ટ આપ્યા હેલમેટ

VIDEO : ગુજરાતભરમાં ટ્રાફિક પોલીસે આ પ્રયોગ કરવાની જરૂર, નવસારીમાં પોલીસે જ ગિફ્ટ આપ્યા હેલમેટ

ભારતમાં 1લી સપ્ટેમ્બર 2019થી નવા મોટર વ્હિકલ્સ એક્ટ-2019નું અમલીકરણ શરૂ થયું છે જેમાં દર્શાવેલા નિયમભંગ બદલ નાણાંકીય દંડ સહિતની અન્ય કડક જોગવાઇઓ સામે પ્રજા દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો છે. જો કે આ નવો મોટર વ્હિકલ એક્ટ સરકાર માટે હવે આવકનું મોટું સાધન બન્યું હોય તેવું લાગી રહ્યું છે. ટ્રાફિક પોલીસના દંડના ડરથી લોકોમાં ભયના માહોલ વચ્ચે સેફ્ટી વધી છે. વાહન ચાલકો હેલમેટ પહેરતા થઈ ગયા છે. બીઆરટીએસના ટ્રેકમાં વાહન હંકારતા પણ લોકો ડરવા લાગ્યા છે. ઓવર સ્પીડમાં વાહન ચલાવતા કે નિયમોનો ભંગ કરતા ચાલકોને દંડ થવો જોઈએ પણ આ દંડના નિયમોમાં પણ ફેરફાર થાય તો વાહન ચાલકોમાં જાગૃતિ આવવાની સાથે તેઓ નિયમનું ભંગ કરતાં ખચકાશે. નવસારીમાં હમણાં પોલીસે એક પાયલટ પ્રોજેક્ટ કર્યો. જેમાં પોલીસે હેલમેટ ન પહેરનાર ચાલકને દંડની પાવતી આપવાને બદલે હેલમેટ જ ખરીદી આપવાનું નક્કી કર્યું . આ દિવસે હેલમેટ ન પહેરનાર વાહનચાલકોને પોલીસે હેલમેટની ગિફ્ટ આપી. આ અંગે સોશિયલ મીડિયામાં પણ ઘણી વાર પોલીસના કડક વલણની આકરી ટીકાઓ થાય છે. વાહન ચાલકો ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવા તૈયાર છે પણ સરકારી ઓફિસોનાં ધાંધિયાથી કંટાળી નિયમોનું ભંગ કરે છે. લાયસન્સ, આરસીબુક કે વીમો લેવામાં વાહન ચાલકોને આડોડાઈ નથી પણ આ માટે લગાવવી પડતી લાઈનોથી વાહન ચાલકો ભાગી રહ્યાં છે. નવસારી પોલીસે હેલમેટનો ભંગ કરતા વાહનચાલકો માટે એક શરૂઆત કરી છે કે આ પ્રયોગ રાજ્યભરમાં પોલીસે અમલમાં મૂકવાની જરૂર છે. પોલીસે ગિફ્ટમાં હેલમેટ આપ્યાનો મતલબ એ છે કે, દંડના રૂપિયાથી વાહનચાલકોને હેલમેટ આપવામાં આવ્યા હતા.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રોડ પ્રધાન નીતિન ગડકરીએ દેશમાં નવા મોટર વ્હિકલ એક્ટ લાગુ થયા બાદ કેટલાં ચલણ બજાવવામાં આવ્યો અને કેટલા રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે જેની માહિતી લોકસભામાં રજૂ થઈ છે. જેમાં સમગ્ર દેશમાં ઉત્તરપ્રદેશના વાહનો ચાલકોને સૌથી વધુ દંડ કરાયો છે તો આ મામલે ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાતમાં પોલીસ કાયદાનો કડકથી અમલ કરતાં વાહનચાલકોના રોષનો પણ ભોગ બની રહી છે. પોલીસે દંડની જગ્યાએ વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાની સૌથી પહેલાં જરૂર છે. નવસારી પોલીસે કરેલી આ કામગીરી સરાહનીય છે. જેનો પ્રયોગ રાજ્યભરમાં કરવાની જરૂર છે. ટ્રાફિક પોલીસ આ નવતર પ્રયોગ કરશે તો વાહન ચાલકો સેફ્ટીનું મહત્વ વધારે સારી રીતે સમજી શકશે.

થોડા દિવસ પહેલાં જ લોકસભામાં માહિતી આપતા નીતિન ગડકરીએ કહ્યું કે, નવા મોડલ વ્હિકલ એક્ટ અમલમાં આવ્યા બાદ કુલ 38 લાખ ચલણ બજાવવામાં આવ્યા છે અને આ ચલણ મારફતે કુલ 577.5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું કે, કેટલાંક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રોડ અકસ્માત અને તેમાં મૃત્યુદરના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે.

દેશભરમાં 38.39 લાખ ચલણ બજાવવામાં આવ્યા

નવા મોટર વાહન કાયદો અમલમાં આવ્યા બાદ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને ચલણ બજાવવામાં આવે છે જેમાં તેમને નિર્ધારિત નાણાંકીય દંડ કરાય છે. નીતિન ગડકરીએ જણાવ્યું કે, નવા મોટલ વ્હિકલ એક્ટના અમલીકરણ બાદ અત્યાર સુધીમાં વાહન ચાલકોને 38,39,406 ચલણ બજાવવામાં આવ્યા છે. જેમાં 577.51 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કોઇ પણ રાજ્ય તરફથી એવી સૂચના પ્રાપ્ત થઇ નથી કે તેઓ નવા મોટર વાહન કાયદાનું અમલ કરશે નહીં. 

નવા મોટર વ્હિકલ એક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં માર્ગ સુરક્ષાની સ્થિતિ સુધારવાનો, નાગરિકોને સુવિધા, પારદર્શિતા લાવવી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની મદદથી ભ્રષ્ટચાર ઘટાડવાનો અને વચેટિયાઓને દૂર કરવાનો છે.  

ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ દંડ ફટકારાયો, બીજાક્રમે ગુજરાત

નવા મોટર વ્હિકલ એક્ટ હેઠળ સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન દેશભરના વાહન ચાલકોને કુલ રૂ. 577.51 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ દંડ ઉત્તરપ્રદેશના વાહન ચાલકોને કરાયો છે. ટ્રાફિક પોલિસે ઉત્તરપ્રદેશના વાહન ચાલકોને રૂ. 201 કરોડનો દંડ ફટકાર્યો છે. જો કે ચલણની સંખ્યા 9.83 લાખ જ છે.

તો ગતિશિલ ગુજરાત ટ્રાફિક દંડના મામલ સમગ્ર દેશમાં બીજા ક્રમે આવે છે. ગુજરાતમાં ટ્રાફિક પોલિસે વાહન ચાલકોને રૂ. 101.27 કરોડનો દંડ ફટકાર્યો છે. ચલણની વાત કરીયે તો 2,22,945 ચલણ ફાડવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે. ત્યારે મોટું રાજ્ય હોવાના કારણે ત્યાં દંડની રકમ મોટી હોવી સ્વાભાવિક છે, જ્યારે ગુજરાત ઉત્તર પ્રદેશની સરખામણીએ બહુ નાનું રાજ્ય હોવા છતાં અહીં બીજા ક્રમે ગુજરાતનો નંબર આવે છે.

આ રાજ્યમાં સૌથી ઓછા ચલણ અને દંડ

નવા મોટર વ્હિકલ એક્ટ હેઠળ સમગ્ર દેશમાં સૌથી ઓછા ચલણ અને દંડ ગોવામાં ફટકારવામાં આવ્યા છે. ગોવામાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન માત્ર 58 ચલણ ફાડવામાં આવ્યા છે અને દંડની રકમ માત્ર રૂ. 7,773 કરોડ જ છે.

Related posts

હોસ્ટેલમાં ફરજ બજાવતા રેક્ટર પર ઘાતકી હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્, આ જિલ્લાઓમાં અચાનક વાતાવરણ પલટાતા ખેડૂતો ચિંતિત

Bansari

ગુજરાતના ખેડૂતોને સૌરભ પટેલ આપી શકે છે ખુશખબર, રાતના ઉજાગરા જશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!