વાઇબ્રન્ટમાં કાર કોન્ટ્રાક્ટ : 100 ઇનોવા લેટેસ્ટ મોડેલની હોય તો જ મળશે કોન્ટ્રાક્ટ

પાટનગર ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ થઇ રહી છે. વીવીઆઇપી, રાજકીય મહાનુભાવો માટે લક્ઝુરિયસ કારોનો કોન્ટ્રાક્ટ આપવા ઇન્ડેક્સ્ટ- બી દ્વારા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. જોકે, ગુજરાતના કેબ ઓનર્સે એવો આક્ષેપ કર્યો છે કે, ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી આ કાર કોન્ટ્રાક્ટ દિલ્હીની એક કંપનીને આપવા કારસો ઘડાઇ ચૂક્યો છે. એટલુ જ નહીં, કોન્ટ્રાક્ટ આપવા માટે મોટી લેતીદેતી થઇ છે. વાયબ્રન્ટ ગુજરાતમાં દેશવિદેશથી આવનારા રાજકીય મહાનુભાવો,વિવિધ કંપનીઓના સીઇઓ સહિતના આમંત્રિતોને એરપોર્ટથી હોટલ, મહાત્મા મંદિર સુધી લાવવા લઇ જવા લેટેસ્ટ મોડલની કારો ભાડે લેવા નક્કી કરાયુ છે.

આ કાર કોન્ટ્રાક્ટ લેવા ભારે હરિફાઇ જામી છે. ઇન્ડેક્સ્ટ બીએ ટેન્ડરમાં એવી જોગવાઇ કરી છે કે, જેની પાસે પોતાની ૧૦૦ ઇનોવા કાર હોય, લેટેસ્ટ મોડલની કારો હોય તે જ આ ટેન્ડર ભરી શકશે. ગુજરાતમાં એકેય કેબ કંપની કે કાર કોન્ટ્રાક્ટર એવો નથી જેની પાસે ૧૦૦ ઇનોવા કાર હોય. આ સંજોગોમાં આ ટેન્ડરમાં ગુજરાતનો કોઇ કાર કોન્ટ્રાક્ટર ભરી શકે તેમ નથી.

અંદાજે એક કરોડના કાર કોન્ટ્રાક્ટ આપવા નક્કી કરાયુ છે.વાયબ્રન્ટ ગુજરાતમાં ૫૦૦ કારોની જરુરિયાત છે જેમાં ઓડી, બીએમડબલ્યુ, મર્સિડિઝ, ફોર્ચ્યુનર સહિત ઇનોવા જેવી કારોનો સમાવેશ કરાયો છે. ગુજરાત કેબ ઓનર્સ એસોસિએશને આ મામલે ભારે વિરોધ નોંધાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે, વાયબ્રન્ટ સમિટ થકી ગુજરાતના ટ્રાન્સપોર્ટરોને રોજગારી મળી શકે પણ ભ્રષ્ટ અધિકારીઓએ દિલ્હીની એક કંપની સાથે મોટી લેતીદેતી કરી કોન્ટ્રાક્ટ આપી દેવા તખતો ઘડયો છે. કેબ ઓનર્સોએ ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને મળીને ટેન્ડરને રદ કરવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત ઇન્ડેક્સ્ટ-બીના એમડીને પણ રજૂઆત કરવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter