GSTV

ગુજરાતને મળશે 1 લાખ કિલોમીટરનું રોડ નેટવર્ક, વાસદ-બગોદરા 6 લેન રોડ ટૂંક સમયમાં વાહન ચાલકો માટે ખુલ્લો મુકાશે

Last Updated on July 31, 2021 by Pritesh Mehta

ગુજરાતના માર્ગ અને મકાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોને જોડતા એક લાખ કિલોમીટરથી વધુ લંબાઈના અદ્યતન રસ્તાઓનું નેટવર્ક તૈયાર કર્યું છે. નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગ મંત્રી નીતિન પટેલે વાસદ થી બગોદરા વચ્ચે બંધાઈ રહેલા અતિ અદ્યતન ૬(છ) માર્ગી રસ્તાના તારાપુર થી વાસદ સેક્શનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તથા આ આખા ગુજરાત માટે ચાવીરૂપ અગત્યના રસ્તાનું નિર્માણ વેગીલું બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું. નીતિન પટેલે ૪૮ કિ.મી.ના આ રોડ પેકેજનું ૯૫ ટકા કામ પૂરૂં થઈ ગયું છે અને એકાદ મહિનામાં આ રસ્તો બંધાઈ જશે. દેશ માટે નમૂનેદાર બની રહેનાર આ રસ્તાના લોકાર્પણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને આમંત્રણ આપવામાં આવશે તેમ કહ્યું હતું.

ગુજરાત

નાયબ મુખ્‍યમંત્રીએ આ રસ્તા પર થી પસાર થનારા પેસેન્જર વાહનો, ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાસેથી ટોલ ટેકસ નહિ લેવાય તેવી જાહેરાત કરી હતી. જ્યારે માલવાહક ટ્રકો, ટેન્કર, ટ્રેલર, કન્ટેનર ઇત્યાદિએ ટોલ ચૂકવવાનો રહેશે તેમ જણાવ્‍યું હતું. નીતિન પટેલે ગુજરાતના માર્ગ અને મકાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોને જોડતા ૧(એક) લાખ કિલોમીટરથી વધુ લંબાઈના અદ્યતન રસ્તાઓનું નેટવર્ક તૈયાર કર્યું છે અને રાજ્યના લગભગ તમામ ગામોને પાકા રસ્તાઓથી જોડ્યા છે જે અભિનંદનને પાત્ર હોવાની લાગણી વ્યક્ત કરી નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતના બંદરોએ લાખો ટન માલ ઉતરે છે અને ભારે વાહનો દ્વારા દેશના ખૂણે ખૂણે પહોંચે છે. ગુજરાતના નાગરિકો હજારોની સંખ્યામાં વાહનોમાં રાજ્યના એકથી બીજા વિસ્તારમાં પ્રવાસ કરે છે. ત્યારે સમગ્ર રાજ્યને આવરી લેતાં રસ્તાઓનું આ મજબૂત નેટવર્ક વિકાસને વેગ આપનારૂં પુરવાર થશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.

આ રસ્તો વાસદ થી તારાપુર ૪૮ કિમી અને બગોદરા થી વટામણ ૫૩ કિમી ના બે પેકેજમાં બનાવવામાં આવી રહ્યો છે તેવી જાણકારી આપતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તારાપુર-વાસદનું કામ પૂર્ણતાને આરે છે અને બગોદરા વટામણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ માર્ગ નિર્માણ આડે આવેલા અવરોધો ની વિગતવાર જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે પહેલા કોન્ટ્રાકટરની નિષ્ફળતા પછી માર્ગ અને મકાન વિભાગે દરેક સ્તરે સંકલન અને નવેસરથી નાણાંકીય વ્યવસ્થા અને પેકેજ બનાવી ને બે ઇજારદારને આ જવાબદારી સોંપી છે. કામ પૂરું થયા પછી ૧૫ વર્ષ સુધી તેની જાળવણી ઇજારદાર કરે એવી વ્યવસ્થા આ પેકેજમાં કરવામાં આવી છે. આ ૬ માર્ગી હાઇવે અનેક રીતે દેશમાં અજોડ બની રહેશે એવો વિશ્વાસ વ્યકત કરતાં તેમણે જણાવ્યું કે આ રસ્તા પર દૈનિક ૩૦ થી ૩૫ હજાર વાહનોની અવર જવર રહે છે. સુરત થી સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના જોડાણમાં તેની ખૂબ અગત્યતા પૂરવાર થશે.

નાયબ મુખ્‍યમંત્રી પટેલે વાહન વ્યવહાર સરળ અને અવિરત ચાલે તે માટે આ આખા રસ્તા પર અંદાજે ૨૧ કિલોમીટરની લંબાઈમાં ફ્લાય ઓવર બનાવવામાં આવ્યા છે. ઇજારદારે ચાર રસ્તાના જંકશન, ઓવરબ્રિજ જેવા સ્થળોએ મળીને લગભગ અર્ધા રસ્તા પર સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરી છે. સલામતીના ધોરણોને અનુસરીને સર્વિસ રોડનું નેટવર્ક રચવામાં આવી રહ્યું છે.તમામ રીતે આ રસ્તો દેશમાં નમૂનેદાર બનવાનો છે. ગુજરાતનું માર્ગ નિર્માણ અન્ય રાજ્યો માટે પ્રેરક અને માર્ગદર્શક બન્યું હોવાનું કહ્યું હતું. તેમણે આ રસ્તાનું નિર્માણ સરળ બનાવવામાં સાંસદ, ધારાસભ્યઓ અને પદાધિકારીઓએ સતત ઉમદા સહયોગ આપ્યો છે. ખેડૂતોએ પણ જરૂરી જમીન સંપાદનની સરળતા કરી આપી તે માટે આ સહુ ધન્યવાદને પાત્ર હોવાનું કહ્યું હતું.

નાયબ મુખ્‍ય મંત્રી નીતિનભાઇ પટેલે માર્ગમાં ચાલી રહેલ કામનું બારીકાઇથી નિરીક્ષણ કરી કરવામાં આવી રહેલ કામગીરી સંબંધી તેમજ માર્ગ પર પાથરવામાં આવી રહેલ ડામર અને કપચીના મિશ્રણની વિગતવાર જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. તેમણે તારાપુર-બોચાસણ વચ્‍ચે રેલ્‍વે લાઇન પર બની રહેલ ઓવરબ્રીજ ઉપરથી નિરીક્ષણ કરી માર્ગ ઉપર કેટલું વાયબ્રેશન આવે છે તેની પણ જાણકારી મેળવી હતી. તારાપુર થી વાસદ જતાં માર્ગમાં આસોદર ચોકડી પાસે બની રહેલ ઓવરબ્રીજની નીચે ઉભા રહીને નીતિનભાઇ પટેલે ચોકડી પાસેથી પસાર થઇ રહેલા વાહનો વિશે જાણકારી મેળવી નાગરિકો સાથે સંવાદ પણ કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રી તારાપુર-વાસદ માર્ગના નિરીક્ષણ અર્થે આવી પહોંચતા તારાપુર ચોકડી પાસે તેઓનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. જયારે માર્ગમાં ગોકુલધામ, નારના સંતો દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત મણી લક્ષ્‍મી તીર્થ ટ્રસ્‍ટ દ્વારા નાયબ મુખ્‍ય મંત્રીને ગણેશજીની પ્રતિમા આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જયારે ખાસ કિસ્‍સામાં બોચાસણ પાસે નાળું મંજૂર કરવામાં આવતાં ગામના સરપંચએ નાયબ મુખ્‍ય મંત્રીનું સ્‍વાગત કરી આભાર માન્‍યો હતો.

તેમણે આ વિસ્તાર ખેતીમાં ખૂબ પ્રગતિશીલ છે. આ રસ્તા પર બાપ્સ અને જૈન ધર્મના તીર્થો આવેલાં છે. આ વિસ્તારના લોકો ઘેર ઘેર વાહનો ધરાવે છે ત્યારે આ હાઇટેક રોડ સહુ માટે ખૂબ ઉપયોગી બની રહેશે તેવો વિશ્વાસ વ્‍યકત કરી આ રસ્તો ખૂબ મજબૂત બને તેવી ડિઝાઇનને આધારે બની રહ્યો હોવાનું જણાવી પોતે ઘણીવાર સરપ્રાઇઝ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હોવાનું જણાવ્‍યું હતું. તેમણે આ રસ્તો ગુજરાતના વિકાસ માટે ચાવીરૂપ મહત્વનો બનશે તેમ ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે અમદાવાદ રાજકોટ વચ્ચે ૬ માર્ગી રસ્તો બની રહ્યો છે જેનું કામ ૧ વર્ષમાં પૂરું થશે. જયારે રૂા. ૯૦૦ કરોડના ખર્ચે ભારત સરકારના સહયોગ થી સરખેજ થી ચિલોડા વચ્ચે ૬ માર્ગી રસ્તો બની રહ્યો છે. આમ ગુજરાત અન્ય રાજ્યોને માર્ગ વિકાસની પ્રેરણા પુરૂં પાડી રહ્યું છે. નાયબ મુખ્‍યમંત્રીના આ મુલાકાત દરમિયાન માર્ગ-મકાન વિભાગના ચીફ એન્‍જિનિયર એચ. સી. મોદી, આણંદ માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર આર. કે. દેલવાડિયા અને આર.કે.સી. ઇન્‍ફ્રાબિલ્‍ટના કમલેશભાઇ સાથે રહ્યા હતા અને જરૂરી વિગતો આપી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

વિકાસ / ગુજરાતને મળશે વિશ્વનો સૌથી મોટો દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવે, વડોદરાથી મુંબઈ પહોંચશે માત્ર 3 કલાકમાં

Pritesh Mehta

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!