GSTV
Home » News » વલસાડ જીતનાર દિલ્હીની ગાદી જીતે છે: શુકનવંતી છે સીટ, રાહુલ આજે ગુજરાતમાં

વલસાડ જીતનાર દિલ્હીની ગાદી જીતે છે: શુકનવંતી છે સીટ, રાહુલ આજે ગુજરાતમાં

લોકસભાની ચૂંટણીની તારીખ હજુ જાહેર થવાની બાકી છે પરંતુ ભાજપ અને કોંગ્રેસ એમ બંનેએ ચૂંટણી પ્રચાર માટે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી છે. રાહુલ ગાંધી વલસાડમાં જંગી સભા યોજી ચૂંટણી પ્રચારનું રણશીંગું ફૂંકશે. તો રાહુલની સભાના બરાબર એક દિવસ પહેલાં ભાજપ પણ વલસાડથી જ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. એવું માનવામાં આવે છે કે વલસાડ બેઠક પર જે પક્ષની જીત થાય તે પક્ષની દેશમાં સરકાર બનતી હોય છે એટલે જ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ વલસાડથી કરવાની રણનીતિ ભાજપ અને કોંગ્રેસ એમ બંનેએ બનાવી છે. આજે રાહુલ ગાંધી ધરમપુરમાં આવી રહ્યાં છે.

2019ની લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બે રાજકીય મહાપક્ષો કોંગ્રેસ અને ભાજપ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરથી કરવા આતુર બન્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ધરમપુરના લાલ ડુંગરી મેદાન ખાતેથી જાહેર સભા સંબોધવાના છે. બીજી તરફ ભાજપ અહીંથી કોંગ્રેસ પહેલા જ ચૂંટણી પ્રચાર શરૂ કરીને પહેલેથી જ કોંગ્રેસ કરતાં એક ડગલું આગળ રહેવા માગે છે. રાહુલની સભા ગોઠવવાની જાહેરાત થઇ કે તરત જ ભાજપે તેના એક દિવસ પહેલા એટલે કે 13 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પ્રચાર માટે મેદાનમાં ઉતારવાનું જાહેર કર્યું હતું,

અહીં સવાલ એ થાય કે  એક નાનકડો ધરમપુર તાલુકો શા માટે હાલ રાજકીય ગતિવિધિનું એપિસેન્ટર બની ગયો છે પરંતુ આ સવાલની સામે ઈતિહાસ સાક્ષી છે કે જે પક્ષનો ઉમેદવાર વલસાડ બેઠક પરથી જીતે તે પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે. પછી તે વી.પી. સિંહની સરકાર હોય કે અટલ બિહારી વાજપેયીની સરકાર હોય. મનમોહન સિંહની કે પછી નરેન્દ્ર મોદીની સરકાર હોય. આજ દિન સુધી વલસાડ સાથે જોડાયેલી આ માન્યતા અને રેકોર્ડ અકબંધ છે.

વલસાડ બેઠકના આ ઇતિહાસને ધ્યાને રાખીને જ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ વલસાડના ધરમપુરના લાલ ડુંગરી મેદાન પરથી જ રણટંકાર કરવાનું નક્કી કર્યું છે. હાલ તો બન્ને પક્ષો ચૂંટણી પ્રચારને લઈને મરણિયા બની રહ્યા છે. ત્યારે શુકનવંતી સીટની માન્યતાની જીત થઈ કે એડી ચોટીના રાજકારણની જીત થઈ એ તો ચૂંટણીના પરિણામો બાદ જ ખબર પડશે.

Related posts

વાહ રે ગુજરાત! મતદાનનો ગૌરવપૂર્ણ કિસ્સો: આદિવાસી યુવકે પોતાનાં પિતાને….

Riyaz Parmar

કુસ્તીબાજ બજરંગ ફરીથી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યા

Path Shah

લોકસભાનો જંગ: ગ્રામ્ય મતદારોનાં ઉત્સાહ સાથે સરેરાશ 62.36 ટકા મતદાન, આદિવાસી પટ્ટાની વલસાડ બેઠક સૌથી આગળ

Riyaz Parmar