GSTV
Home » News » Valentines Day Special: બંધ કવરમાં અત્તરની સુવાસથી લપેટાયેલી પ્રેમની વાત

Valentines Day Special: બંધ કવરમાં અત્તરની સુવાસથી લપેટાયેલી પ્રેમની વાત

પ્રેમ એટલે હું અને તું બસ, બીજું તો શું. વેલેન્ટાઇન ડેના દિવસે ઢગલા બંધ મેસેજીસ અને ગુલાબની આપલે થઇ જશે. આજે પ્રેમીઓને શહેરનું વાતાવરણ જ ખુશનુમા લાગશે. પ્રેમની મીઠી હવામાં યુવાનો તેમની પ્રેમિકા માટે કલ્પનાના ઘોડા દોડાવશે. આજે શું આપું મારી પ્રિયતમાને? તે પ્રશ્ન દરેક યુવકના મનમાં કૂદકા મારતો હશે. આદિલ મન્સૂરી કહે છે કે દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?, દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?, તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં, પણ તું આવે સવારે, તો હું શું કરું? આજે વેલેન્ટાઇન ડે પર શહેરની રોમાંચક લવસ્ટોરીને શેર કરીએ…

કાલનો પ્રસ્તાવ એ જ આજનું પ્રપોઝલ… સામે વાળી વ્યક્તિના પ્રેમમાં તમે કેવા સરેન્ડર થયા છો તે દર્શાવવાનું વણગોઠ્વ્યું મુહૂર્ત એટલે વેલેન્ટાઇન ડે. વેલેન્ટાઇન ડે વિશે વાત કરતા ૭૦ ટકા યંગસ્ટર્સે કહ્યું કે, સામેની વ્યક્તિ કઇ સ્ટાઇલથી પ્રપોઝ કરે છે તેના પરથી નક્કી કરી શકાય તે વ્યક્તિના પ્રેમમાં પડવું કે નહી. યંગ ગર્લ્સે કહ્યું કે, જો છોકરો રોમેન્ટિકલી પ્રપોઝ ન કરે તો તેને બોરીંગ સમજી પ્રેમપ્રકરણ પર પહેલાં જ કાતર મૂકી દેવાય છે. પ્રેમ કરવો એ કંઇ આજની વાત નથી, વર્ષોથી આ રીત આવી છે, કંઇ બદલાયું છે તો એ છે પ્રપોઝલની સ્ટાઇલ. વર્ષો પહેલાં પોતાનો પ્રેમ જતાવવા માટે રોજે રોજ મહેનત કરવી પડતી. ક્યારેક તેની પાછળ પાછળ પીછો કરીને તો ક્યારેય ફિલ્મી ગીતો ગણગણાવીને જ્યારે આજે ડિજિટલ યુગમાં પ્રેમ અને પ્રેમનું પ્રપોઝલ બન્ને ફાસ્ટ – ફોર્વડ ચાલે છે…

1990-બંધ કવરમાં અત્તરની સુવાસથી લપેટાયેલી પ્રેમની વાત  

અમારા વખતે ડેરીમિલ્ક ‘સિલ્ક’ ન હતી ત્યારે મેલોડી જ ‘ચોક્લેટી’ હતી

મારા લગ્ન માટે માંગુ આવ્યું, મારા પિતાએ તેઓને ના પીડી દીધી પરંતુ મને જોવા આવેલા છોકરો ન માન્યો. તેણે રાજકોટથી અમદાવાદ ટ્રાન્સફર કરાવ્યું અને આરટીઓ રહેવા છતા તે નિયમિત ઘાટલોડિયા આવતા અને કશું જ કહ્યા વિના માત્ર મારા ઘરના રસોડા પાસેની બારી બહાર કલાકો ઊભા રહેતા. પહેલાં ડેરીમિલ્ક સિલ્ક ન હતી ત્યારે જેટલી વખત આવતા તેટલી વખત મેલોડી ચોકલેટ લઇને આવતા તેમને કલાકો ઉભા રહેતા જોઇને મારુ મન પીગળી ગયું. આજે એમના અને મારા લગ્નને ૩૦ વર્ષ પુરા થયા છે. તેમણે ૩૦ વર્ષ પહેલા આપેલી ચોકલેટના રેપર અને લવ લેટર આજે પણ સંભાળીનો રાખ્યો છે.-રેશ્માબેન અને રાકેશભાઇ મહેતા, ઘાટલોડિયા

પ્રકાશ મને પ્રેમ કરે છે તેવું મિત્ર પાસેથી જાણવા મળ્યું હતું

અમે બી.એડ. કોલેજમાં સાથે હતા, એક કોલેજ ટ્રીપમાં પાવાગઢ ગયા હતા. ત્યારે પ્રકાશ મારા હસબન્ડ  મંદિરમાં દર્શનની લાઇનમાં ઊભા ઊભા શક્રાદય સ્તુતિ બોલી રહ્યા હતા. હું પણ એક સંસ્કૃત અધ્યાપકની પુત્રી હોવાથી ભક્તિમાં રસ ધરાવતી હતી. જેથી તેમને જોઇને હું ઇમ્પ્રેસ થઇ. બે વર્ષ સાથે ભણ્યા અને હું પ્રેમ કરું છું તેવું ક્યારેય કહ્યું નહીં. છેલ્લાં દિવસે જ્યારે છુટા પડતા મેં પ્રકાશને કહ્યું કે, મારા લગ્નમાં આવીશને। ત્યારે તેણે કહ્યું કે, હું તને બીજા કોઇ સાથે લગ્ન કરતા જોઇ નહીં શકું અને તે જતો રહ્યો. ત્યારબાદ કોમન ફ્રેન્ડ મુકેશે ખુલાસો કર્યો કે તે મને પ્રેમ કરે છે. -મનીષાબેન અને પ્રકાશભાઈ રાજ્યગુરુ

2020-ટિક ટૉક, ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક દ્વારા થતા પ્રપોઝની વાત

પ્રપોઝ કરવા માટે પ્રેંક કર્યો

એવું જરૂરી નથી કે છોકરો જ પ્રપોઝ કરે. મારા કિસ્સામાં અંજલીએ મને પ્રપોઝ કર્યું. હું કોલેજના લેક્ચરમાં હતો અને તેનો ફોન આવ્યો કે મને એક્સિડન્ટ થયો છે અને બહું વાગ્યું છે. હું બધું જ મૂકીને તેને જોવા ભાગ્યો. મેં જ્યારે તેને જોઇ ત્યારે તેના હાથે પાટો બાંધ્યો હતો અને તે એક બિલ્ડિંગ પાસે ઊભી હતી. હું તેની પાસે ગયો ત્યારે તે રડવાની તૈયારીમાં હતી. તેણે કહ્યું, મને કેટલું વાગ્યું છે જોઇશ નહીં? મેં તેનો પાટો ખોલ્યો, રૃને ઊંચું કર્યું તો કાગળ નીકળ્યું જેમાં લખ્યું હતું, ‘આઇ લવ યુ જિગ્નેશ, વિલ યુ મેરી મી?’ અને ઉપરથી ગુલાબના ફૂલોનો વરસાદ થયો આ પ્રેંક તેણે તેના મિત્રો સાથે મળીને કર્યો હતો. -જિગ્નેશ શાહુ

મારી લાઇફમાં આકાશને લાવવા માટે હું ફેસબૂકને રોજ થેન્ક્યુ કહું છું

આકાશ મારા એક આન્ટીના કઝીન હતા. જ્યારે હું નાની હતી ત્યારે તેમને પહેલી વખત જોયા હતા અને તેમને હું પહેલી નજરે ગમી હતી. ત્યારબાદ વર્ષો પછી તેઓએ મને ફેસબૂકમાં શોધી અને ફેસબૂક મેેસેન્જરમાં તેમની મારા માટેની ફીલીંગ મેસેજથી મોકલી. હું ના ના કરતી રહી પણ તેઓ રોજે રોજ ફેસબૂકમાં મેસેજ કરતા અને તેઓએ મને ફેસબૂકમાંજ પ્રપોઝ કર્યું હતું.-જીનલ જોશી 

દયા અને પ્રેમની પાતળી ભેદરેખા નિષ્ઠા સમજી ગઇ અને કૃષ્નાના પ્રેમની જીત થઇ 

 મૂળ લખનૌના અને ૧૦ વર્ષ પહેલાં એનઆઇડી અમદાવાદમાં અભ્યાસ કરતાં કૃષ્ના નિષ્ઠા ઠાકરના સંપર્કમાં આવ્યો. નિષ્ઠાને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે. તેઓ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ જોબ કરવાની સાથે સાથે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી માટે મેડિકલ કેમ્પ ઓર્ગેનાઇઝ કરતાં હતાં. આ કેમ્પમાં એક મિત્ર દ્વારા કૃષ્ના નિષ્ઠાના સંપર્કમાં આવ્યાં. જે અંગે નિષ્ઠા કહે છે,’કેમ્પ દરમિયાન એક વોલેન્ટિયર તરીકે તેઓ અમારી હેલ્પ કરતાં હતા. થોડા દિવસ પછી તેમણે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મને નવાઇ લાગી કારણ કે કોઇ નોર્મલ વ્યક્તિ મારી સાથે લગ્ન કરવા શા માટે તૈયાર થાય? બીજું દયા ખાઇને એક સમયે લગ્ન કરી પણ લે પછી તેને નિભાવવા મુશ્કેલ બની જતાં હોય છે. તેથી મેં સમય માંગ્યો. તે દરેક મેડિકલ કેમ્પમાં મને મદદ કરવા ખડેપગે હોય. દયા અને પ્રેમ વચ્ચે એક પાતળી ભેદ રેખા હોય છે. જે હું સ્પષ્ટપણે જોઇ શકી મને લાગ્યું કે એ ખરેખર મને પ્રેમ કરે છે. તેથી બે વર્ષ પછી મેં લગ્નની હા પાડી.’ અત્યાર સુધી બન્યું આવ્યું છે એમ બંને પરિવારમાંથી પહેલાં તો ના આવી. પછી સમજાવટના અંતે રાજીખુશીથી આર્યસમાજમાં બંનેના લગ્ન થયાં, જેને ૧૦ વર્ષ થઇ ચૂક્યાં છે. તેમને સાત વર્ષની આકાંક્ષા નામની દીકરી પણ છે. એકબીજાની ખામીઓના ખાનાને ભરી અમે હેપ્પી લાઇફ જીવી રહ્યાં છીએ.

ચાહત એટલી મક્કમ હોય તો સામેવાળાએ ઝૂંકવું પડે 

‘લવ ઇઝ બ્લાઇન્ડ. પ્રેમમાં પડો પછી બ્લાઇન્ડ બની જાઓ. એકબીજાના અવગુણોને ભૂલી જઇને સારી બાબતોને અપનાવી પ્રેમ કરો. નિષ્ઠાને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હોવા છતાં તેની પર્સનાલિટી એટલી સ્ટ્રોંગ હતી કે એમાં તેની વ્હિલચેર મને દેખાતી નહોતી. લગ્નના દસ વર્ષ થયા આજે પણ નથી દેખાતી. મેં તેને ખરા દિલથી પ્રેમ કર્યો હતો. ચાહત એટલી મક્કમ હોય તો સામે વાળાએ ઝૂકવું પડે છે. એમ નિષ્ઠાએ મારા પ્રેમનો સ્વીકાર કરી મને અપનાવી લીધો.’ – કૃષ્ના આનંદ, આસિસ્ટન્ટ પ્રોફેસર, આર્કિટેક્ટ (સાલ એન્જિ.કોલેજ) 

મેન્ટલી, ફિઝિકલી અને ઇમોશનલી અમે એકબીજા સાથે જોડાયેલા છીએ

‘કૃષ્ના મારા કરતાં પાંચ વર્ષ નાના છે. હું કોઇની હેલ્પ વગર કોઇ કામ કરી શકતી નથી. ઘરની બહાર નીકળું એટલે વ્હિલચેરની જરૃર પડે છે. સવારે બ્રશ કરાવવાથી માંડી રાત્રે સૂવડાવવા સુધીના મારા દરેક દરેક કામમાં તેઓ મને મદદ કરે છે. મારી સાથે દીકરીની પણ એટલી જ કાળજી રાખે છે. મેન્ટલી, ફિઝિકલી અને ઇમોશનલી અમે એકબીજા સાથે જોડાયેલા છે. ‘ – નિષ્ઠા ઠાકર, ક્લેરિકલ આસિસ્ટન્ટ (આઇઆઇએમ-એ)

Valentineનો ક્રેઝ કોલેજથી લઇ લગ્નના માંડવા સુધી પહોંચી ગયો

ભારતીય પરંપરા પ્રમાણે વસંતપંચમીએ લગ્ન માટે શુભ મૂહુર્ત હોય છે. આ દિવસે અનેક સારા કાર્યો કરાતા હોય છે. પરંતુ હવે સ્થિતિ કંઇ જુદી જ જોવા મળે છે વેલેન્ટાઇન ડેનું સેલિબ્રેશન યંગ કપલને એટલું બધુ આકર્ષી રહ્યું છે કે ૧૪ ફેબુ્રઆરીએ જ લગ્ન કરવા તેવો આગ્રહ રાખતા હોય છે. ૧૦ વર્ષ પહેલાંનો સમય જુદો હતો પરંતુ આજે ૧૪ ફેબુ્રઆરીએ (વેલેન્ટાઇન) પ્રેમના બંધનમાં બંધાઇને અગ્નિદેવની સાક્ષીએ સાત ફેરા ફરેલા અથવા ફરવા જઇ રહેલાં અમદાવાદના લવિંગ કપલ તેમના વેલેન્ટાઇન ક્રેઝ અંગે થોડી વાતો શેર કરે છે….

કોલેજમાં હતા ત્યારે ખબર પડી કે વેલેન્ટાઇન ડે શું અને અને નક્કી કર્યું કે લગ્ન તો આ દિવસે જ કરવા

‘આજથી ૧૫ વર્ષ પહેલાં વેલેન્ટાઇન નો ક્રેઝ કોલેજમાં અભ્યાસ કરતાં યુવાનોમાં જોવા મળતો હતો પણ હવે આ ક્રેઝ કોલેજમાંથી બહાર નીકળીને લગ્નના માંડવા સુધી પહોંચી ગયો છે. હું કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે મને વેલેન્ટાઇન શું છે એની ખબર પડી અને મેં નક્કી કર્યું કે લગ્ન તો વેલેન્ટાઇન્સ ડેના દિવસે જ કરવા. કારણ કે પતિ-પત્ની એકબીજાના જીવનમાં પ્રેમ લઇને આવે છે. તેથી વેલેન્ટાઇન્સ ડે જિંદગીમાં મહત્વનો બની જવો જોઇએ.પરિણામે આજથી એક દાયકા પહેલાં વેલેન્ટાઇન્સ ડેના દિવસે જ અમે લગ્ન કર્યા.’ – મીનાબહેન અને પ્રવિણભાઇ પરમાર, સાઉથ બોપલ

લગ્નને વધારે મહત્વપૂર્ણ બનાવવા વેલેન્ટાઇન ડે પસંદ કર્યો

‘અમારા એરેન્જ મેરેજ છે અને અમારા સંબંધની વાતો ખૂબ ઓછા સમયમાં નક્કી થઇ તેથી એકબીજા સાથે વેલેન્ટાઇન ડે ઉજવવાની તક મળી નથી. વેલેન્ટાઇન ડે પર પ્રેમનો એકરાર કરવા માટે એનાથી બીજો દિવસ કયો હોઇ શકે. એવી રીતે લગ્નએ જીવનની મહત્વપૂર્ણ બાબત છે એને વધારે મહત્વની બનાવવા માટે અમે વેલેન્ટાઇન્સ ડેના દિવસે લગ્ન કરીશું’ -શ્રેયા અને મલય પટેલ, સતાધાર

7,12 અને 14 ફેબુ્રઆરી લગ્નની તારીખ નક્કી થઇ એટલે અમે 14મી તારીખ જ પસંદ કરી 

‘અમારા લગ્ન જોવડાવ્યા ત્યારે ૭, ૧૨ અને ૧૪મી ફેબુ્રઆરી એમ ત્રણ તારીખો આવતી હતી. અમારી ઇચ્છા ૧૪મીએ લગ્ન કરવાની હતી, કારણ કે વેલેન્ટાઇન્સ ડેને યંગ જનરેશન સેલિબ્રેટ કરે છે પરંતુ લગ્ન બહુ ઓછા કપલ કરતાં હોય છે. વેલેન્ટાઇન્સ ડે અમારા જીવનમાં ખાસ બની જાય અને તેની પ્રાયોરિટી એનિવર્સરીના રૃપમાં આજીવન જળવાઇ રહે એ હેતુથી અમે ૧૪મી ફેબુ્રઆરીએ વેલેન્ટાઇન્સ ડેના દિવસે લગ્ન કરવાનું નક્કી કર્યું અને આ દિવસે આજથી ત્રણ વર્ષ પહેલાં મેરેજ કર્યા. એક તો વેલેન્ટાઇન્સ ડે અને બીજું મેરેજ એનિવર્સરી એટલે આ દિવસને સેલિબ્રેટ કરવાની મજા બેવડાઇ જાય છે.’  -વિશાખા અને પાર્થ પટવા, વસ્ત્રાપુર

Read Also

Related posts

અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવવામાં આવેલી પાંચ એકર જમીન સ્વીકારશે સુન્ની વકફ બોર્ડ, સાથે હોસ્પિટલ અને લાઈબ્રેરી પણ બનાવશે

Arohi

પીએમ કિસાન યોજના: હવે વધુ ખેડૂતો સુધી પહોંચશે 6 હજાર રૂપિયા વાળી સ્કીમનો લાભ, સરકારે લૉન્ચ કરી નવી એપ

Bansari

તણાવને દૂર કરવો હોય તો અપનાવો આ ટીપ્સ, હ્રદય અને મન રહેશે ખુશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!