એમ.એસ.યુનિવર્સિટીનું તંત્ર જાણે દીશાહીન બની ગયુ હોય તેમ લાગે છે.યુનિવર્સિટીએ વર્ષ પૂરુ થવા આવ્યુ પણ હજી સુધી PHD એન્ટ્રન્સ એક્ઝામનુ આયોજન કર્યુ નથી.
PHD કરવા માંગતા વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ એક્ઝામ પહેલા પાસ કરવી પડતી હોય છે અને એ પછી તેમનુ રજિસ્ટ્રેશન થતુ હોય છે. આ એક્ઝામ લેવા માટે યુનિવર્સિટી દ્વારા ટેકનોલોજી ફેકલ્ટીના અધ્યાપક પ્રો.સી એન મૂર્થિની નિમણૂંક કરી હતી.જોકે ડિસેમ્બરમાં તેઓ નિવૃત્ત થયા બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ આ પરીક્ષા લેવા માટેના કો ઓર્ડિનેટર તરીકે અન્ય કોઈ અધ્યાપકની નિમણૂંક કરી નથી.

આમ PHD એન્ટ્રન્સ એક્ઝામની તારીખો બહાર પાડવામાં આવી નથી અને ઉમેદવારોના ફોર્મ ભરવાની પણ શરુઆત થઈ નથી.2021-22ના શૈક્ષણિક વર્ષમાં વિવિધ ફેકલ્ટીમાંથી માસ્ટરની પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે કે, ક્યારે પીએચડીની પરીક્ષા લેવાય.દર વર્ષે 1000 થી 1200 વિદ્યાર્થીઓ પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ આપતા હોય છે.જેમાંથી ૫૦૦ થી ૬૦૦ વિદ્યાર્થીઓ પીએચડી માટે રજિસ્ટ્રેશન કરાવવા ક્વોલિફાય થતા હોય છે.
ચોંકાવનારી વાત એ છે કે, 2021-22માં લેવાયેલી પીએચડી એન્ટ્રન્સ પરીક્ષામાં 600 જેટલા ઉમેદવારો ક્વોલિફાય થયા હતા અને તેમાંથી પણ 100 જેટલા જ વિદ્યાર્થીઓનુ વિવિધ ફેકલ્ટીમાં રજિસ્ટ્રેશન થયુ છે.કારણકે યુનિવર્સિટીમાં પીએચડી કરાવી શકે તેવા ગાઈડની અછત છે.કારણકે સિનિયર અધ્યાપકો એક પછી એક નિવૃત્ત થઈ રહ્યા છે.કેટલાક ગાઈડ એવા છે જે પીએચડી કરાવી શકે તેમ છે પણ કેટલાક વિદ્યાર્થીઓ સિનિયર અધ્યાપકો જ પીએચડી ગાઈડ કરે તેમ ઈચ્છતા હોય છે.આમ યુનિવર્સિટીમાં પીએચડી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા પર આગામી વર્ષોમાં વિપરિત અસર દેખાવાની શક્યતા વધી ગઈ છે.

ભવિષ્યમાં યુનિ.ને નેક સહિતના વિવિધ રેટિંગમાં સહન કરવુ પડશે
યુનિવર્સિટી વર્તુળોમાં ચાલતી ચર્ચા પ્રમાણે નેક સહિતના રેટિંગમાં સૌથી વધારે મહત્વનુ પાસુ રિસર્ચ હોય છે અને પીએચડી થનારા વિદ્યાર્થીઓ રિસર્ચનો એક ભાગ હોય છે.યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી પીએચડી અભ્યાસની જે સ્થિતિ છે તે જોતા લાગે છે કે, આની અસર આગામી વર્ષોમાં યુનિવર્સિટીના રેન્કિંગ પર પડશે.કારણકે ગયા વર્ષે 100 જ ઉમેદવારો પીએચડી માટે રજિસ્ટર થયા છે.આ વર્ષે પીએચડી એક્ઝામ લેવાઈ નથી.જેના કારણે ભવિષ્યમાં પીએચડી થનારા સંશોધકોની સંખ્યા ઘટશે.જેનુ પરિણામ યુનિવર્સિટીને રેન્કિંગમાં સહન કરવાનુ આવશે.આશ્ચર્યની વાત છે કે, પીએચડી કો ઓર્ડિનેટરની નિમણૂંક કરવા માટે વાઈસ ચાન્સેલર પ્રો.શ્રીવાસ્તવ પાસે સમય નથી.