GSTV

અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો આંચકો, ટ્રમ્પની યાત્રા સફળ થવા સાથે કુલ 3 અબજ ડોલરનો કરાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે હૈદરાબાદ હાઉસમાં સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર થયા હતા. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે દિવસના પ્રવાસ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે 3 અબજ યુએસ ડોલરના કરાર પર સમજૂતી થઈ છે, જેના હેઠળ ભારત અમેરિકા પાસેથી 24 એમએચ-60 રોમિયો હેલિકોપ્ટર અને 6 એચ 64-ઈ અપાચે હેલિકોપ્ટર ખરીદશે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી સાથે બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મંગળવારે થયેલી વાટાઘાટોમાં આ સોદા પર હસ્તાક્ષર થયા હતા.

બંન્ને દેશોના સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બનશે

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત અખબારી પરિષદમાં કહ્યું કે 3 અબજ ડોલરથી વધુના સંરક્ષણ સોદાથી બંને દેશોના સંરક્ષણ સંબંધો વધુ મજબૂત થશે. સાથે જ વડાપ્રધાન મોદીએ કહ્યું, અમે ભારત-અમેરિકા ભાગીદારીના મહત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચા કરી છે, જેમાં સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. અમે એનર્જી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, ટ્રેડ અને પીપલ-ટુ-પીપલ વચ્ચે સંબંધો પર પણ ચર્ચા કરી છે. સંરક્ષણ ક્ષેત્રમાં ભારત-અમેરિકા વચ્ચે મજબૂત સંબંધ અમારી ભાગીદારીનો મહત્વપૂર્ણ પક્ષ છે.

ભારતની સમુદ્રી તાકાતમાં થશે અપ્રતિમ વધારો

અમેરિકા દ્વારા ઉત્પાદિત 24 એમએચ 60 રોમિયો હેલિકોપ્ટરથી ભારતીય નૌકાદળની તાકતમાં વધારો થશે, જેથી ભારતની સમુદ્રી તાકત વધશે. ભારતીય નૌકાદળે આ પ્રકારના મલ્ટીરોલ હેલિકોપ્ટરની માગ ઘણા સમય પહેલાથી કરી હતી. એમએચ-60 રોમિયો સી હોક હેલિકોપ્ટર સબમરીન અને યુદ્ધ જહાજો પર અચૂક નિશાન સાધવામાં સક્ષમ છે. આ હેલિકોપ્ટર સમુદ્રમાં શોધખોળ અને બચાવ કાર્યો માટે પણ ઉપયોગી છે. આ હેલિકોપ્ટર દુશ્મનના જંગી જહાજોને ટ્રેક કરીને તેમના હુમલાને અટકાવવા જરૂરી લડાકુ સિસ્ટમ – સેન્સર, મિસાઈલ અને ટોરપીડોથી સજ્જ છે. ભારતે એમએચ-60 રોમિયો હેલિકોપ્ટરનો સોદો 2.6 અબજ ડોલરમાં કર્યો છે.

હવાઈદળ બનશે અત્યાધુનિક

અમેરિકા દ્વારા નિર્મિત 6 એએચ-64-ઈ અપાચે હેલિકોપ્ટરથી પણ હવાઈદળની તાકાતમાં વધારો થશે. આ હેલિકોપ્ટરથી હવાઈદળની મારક ક્ષમતામાં અનેક ઘણો વધારો થશે. એએચ-64 ઈ અપાચે વિશ્વના અત્યાધુનિક બહુ-ઉપયોગી ફાઈટર હેલિકોપ્ટરોમાંથી એક છે. ભારતીય હવાઈ દળે 22 અપાચે હેલિકોપ્ટરની ખરીદી માટે અમેરિકન સરકાર સાથે સમજૂતી કરી છે. હૈદરાબાદ હાઉસમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે સંરક્ષણ સોદા ઉપરાંત સ્વાસ્થ્ય અને ઓઈલ સેક્ટરમાં પણ મહત્વપૂર્ણ કરારો થયા હતા. બંને દેશોના સ્વાસ્થ્ય મંત્રાલયો વચ્ચે માનસિક સ્વાસ્થ્ય પર એક સમજૂતી કરાર થયો હતો.

અન્ય કયા કરારો કર્યા

ઉપરાંત ભારતની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન સાથે મેડિકલ ઉત્પાદનોની સલામતી પર સમજૂતી કરાર કર્યો હતો. ઓઈલ ક્ષેત્રમાં ભારતની આઈઓસી અને એક્સોન મોબિલ ઈન્ડિયા એલએનજી લિમિટેડ અને અમેરિકાની ચાર્ટ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે સહકારના કરાર થયા હતા. ટ્રમ્પ અને મોદી વચ્ચેની આ બેઠક પછી સંયુક્ત પત્રકાર પરિષદમાં અમેરિકન પ્રમુખે સતત બીજા દિવસે કટ્ટર ઈસ્લામિક આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન તેમનું સારૂં મિત્ર છે, પરંતુ પાકિસ્તાનની ધરતી પરથી ચાલતા આતંકવાદને દૂર કરવા તેના પર દબાણ વધારીશું. વડાપ્રધાન મોદી અને હું અમારા નાગરિકોને કટ્ટર ઈસ્લામિક આતંકવાદથી બચાવવા માટે કટિબદ્ધ છીએ. અમેરિકા પાકિસ્તાનની ધરતી પરથી ચાલી રહેલા આતંકવાદને અટકાવવા માટે પગલાં લઈ રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે તેમના માટે ભારતનો આ પ્રવાસ અવિસ્મરણીય હતો. તેઓ ક્યારેય આ પ્રવાસને ભૂલશે નહીં.

ભારત-અમેરિકા વચ્ચે ‘મોટી ટ્રેડ ડીલ’ માટે વાટાઘાટો શરૂ : મોદી

ભારત-અમેરિકાના સંબંધોને 21મી સદીની ‘સૌથી મહત્વની ભાગીદારીમાંની એક’ ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે આ સંબંધોનું એક મહત્વપૂર્ણ પાસુ દ્વિપક્ષીય સંરક્ષણ અને વ્યૂહાત્મક સહયોગમાં વૃદ્ધિ છે. પ્રમુખ ટ્રમ્પ અને હું અમારા વાણિજ્ય મંત્રીઓની સમજૂતીને કાયદાકીય ઓપ આપવા સંમત થયા છીએ. અમે એક મોટી ટ્રેડ ડીલ માટે વાટાઘાટો શરૂ કરવા પણ સંમત થયા છીએ. મને આશા છે કે આ ટ્રેડ ડીલ પારસ્પરિક હિતોમાં સારૂં પરિણામ લાવશે. અમે બંને વિશ્વમાં કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ટકાઉ અને પારદર્શી ધિરાણના મહત્વ પર પણ સંમત થયા છીએ. અમારી પારસ્પરિક સમજૂતી માત્ર અમારા પૂરતી નહીં, પરંતુ વિશ્વના હિતમાં હશે. અમે બંને દેશોના સંબંધોને વ્યાપક વૈશ્વિક ભાગીદારીના સ્તરે વિકસાવવાનો નિર્ણય કર્યો છે.

ટ્રમ્પ-મેલાનિયાએ રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પે મંગળવારે રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધી પર તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી અને રાષ્ટ્રપિતાની યાદમાં વૃક્ષારોપણ કર્યું હતું. રાજઘાટની વિઝિટર બૂકમાં ટ્રમ્પે લખ્યું, ‘અમેરિકન લોકો મહાન મહાત્મા ગાંધીના વિચારો સાથે સ્વતંત્ર અને સુંદર ભારતની સાથે મજબૂતીથી ઊભા છે. આ એક શાનદાર સન્માન છે.’ ટ્રમ્પના ભારત પ્રવાસના બીજા દિવસે મંગળવારે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમેરિકન પ્રમુખ ટ્રમ્પનું પરિવાર સાથે સત્તાવાર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ ઉપસ્થિત હતા. રાષ્ટ્રપતિ ભવનથી ટ્રમ્પ દંપતિ કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી સાથે રાજઘાટ ગયું હતું.

તાજ મહલની કથાથી ટ્રમ્પ પ્રભાવિત થયા : ગાઈડ

17મી સદીના વિશ્વવિખ્યાત સ્થાપત્ય અને પ્રેમના પ્રતિક એવા તાજ મહલ અને મુઘલ શાસક શાહજહાંની કથાથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા જ પ્રભાવિત થયા હતા તેમ ટ્રમ્પ અને મેલાનિયાને તાજ મહલની 85 મિનિટની ટુર કરાવનાર ગાઈડ નિતિન સિંહે જણાવ્યું હતું. આગરા સ્થિત ગાઈડ નિતિન કુમારે જણાવ્યું કે આરસના પથ્થરોથી બનેલા આ સ્થાપત્ય પર નજર નાપ્તાં જ ટ્રમ્પના મોંમાંથી પહેલો શબ્દ ‘અદ્ભૂત’ નીકળ્યો હતો. ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયાએ સોમવારે લગભગ 85 મિનિટ જેટલો સમય તાજ મહલ પરિસરમાં વિતાવ્યો હતો. નિતિને જણાવ્યું કે, મેં તેમને તાજ મહલના બાંધકામ અને તેની પાછળની કથા જણાવી. શાહજહાં અને મુમતાઝ મહલની કથા સાંભળીને ટ્રમ્પ ઘણાં જ ભાવુક થઈ ગયા હતા.

READ ALSO

Related posts

ઘોર બેકારી/ ફ્લાઈટમાં ઉડાન દરમિયાન સેક્સની ઓફર આપી રહી છે એર હોસ્ટેસ, ફ્લાઈટમાં વેચે છે અંડરવિયર

Pravin Makwana

હૈદરાબાદને ભાગ્યનગર બનાવવા માટે હું સ્વંય ભગવાન શ્રીરામની ધરતી પરથી અહીં આવ્યો છું !

Pravin Makwana

રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો : છેલ્લા 24 કલાકમાં 1598 કેસ સાથે 15 લોકોના મોત, 89 લોકો વેન્ટીલેટર પર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!