જાણી જોઈને બોગસ યુનિવર્સિટીમાં એડમિશન લેવા બદલ અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ

અમેરિકામાં રહેવા માટે નકલી યુનિવર્સિટીમાં એડમિશન લેવા બદલ અટકાયત કરાયેલા ૧૨૯ ભારતીયો સહિત તમામ ૧૩૦ વિદ્યાર્થીઓ જાણતા હતા કે તેઓ ગુનો કરી રહ્યાં છે તેમ અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે. 

ભારત સરકારે આ સમગંર ઘટનાક્રમ અંગે નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસનો સંપર્ક સાધતા અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી છે. 

અમેરિકામાં વસવાટ કરવા માટે યુનિવર્સિટી ઓફ ફાર્મિંગટનમાં એડમિશન લેવા બદલ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી(ડીએચએસ) દ્વારા વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. 

‘પે એન્ડ સ્ટે’ રેકેટનો પર્દાફાશ કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી(ડીએચએસ) ઇન્વેસ્ટીગેટિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા આ નકલી યુનિવર્સિટીની રચના કરવામાં આવી હતી. 

આ રેકેટ ચલાવવા બદલ આઠ ભારતીય નાગરિકો અથવા ભારતીય મૂળના અમેરિકનોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે મિશિગનની ફેડરેલ કોર્ટમાં પોતે અપરાધી ન હોવાની અરજી કરી છે. 

ધરપકડ કરાયેલા આ આઠ લોકો પૈકી ૩૫ વર્ષીય ફાનિદીપ કાર્નાતિને સોમવારે ૧૦,૦૦૦ ડોલરના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યો હતો. તે એચ-૧બી વિઝા પર અમેરિકામાં વસવાટ કરતો હતો. 

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ રેકેટમાં સામેલ તમામ લોકો જાણતા હતા કે યુનિવર્સિટી ઓફ ફાર્મિન્ગટનમાં કોઇ શિક્ષક કે કલાસ નથી અને અમેરિકામાં ગેરકાયદે રહેવા માટે તેઓ ગુનો આચરી રહ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter