આધારકાર્ડના નિયમોમાં થઈ રહ્યાં છે મોટા ફેરફારો, હવે પડશે મુશ્કેલીઓ

આધાર કાર્ડમાં પહેલા ઘણી બાબતોમાં સહેલાઈથી ફેરફાર થઈ જતો હતો. પરંતુ હવે યૂનિક આઈડન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) આધારમાં કંઈ પણ વસ્તુ અપડેટ કરાવવાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ નવો નિયમ જાન્યુઆરી 2019થી લાગુ થશે. જે નિયમોમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે, તેમાં જન્મતારીખ અને એડ્રેસ સામેલ છે.

જન્મતારીખમાં ફેરફાર થશે મુશ્કેલ

યુઆઈડીએઆઈએ એક નવુ નોટિફિકેશન જાહેર કર્યુ છે, જે હેઠળ હવે નાગરિકોની જન્મતારીખમાં પરિવર્તન કરાવવુ મુશ્કેલ પડશે. હવે કોઈ પણ વ્યક્તિ ફક્ત એક વખત જ જન્મતારીખમાં પોતાના નજીકના આધાર કેન્દ્ર પર ફેરફાર કરાવી શકે છે. બીજી વખત જન્મતારીખમાં ફેરફાર યુઆઈડીએઆઈના ક્ષેત્રીય કાર્યાલય પર થશે અને તેના માટે અરજી કરનારે જાતે જ ઉપસ્થિત રહેવુ પડશે.

પોસ્ટથી ફેરફાર થશે નહીં

જાન્યુઆરી 2019થી આધારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પોસ્ટના માધ્યમથી સ્વીકાર કરાશે નહીં. અત્યાર સુધી પોસ્ટના માધ્યમથી અરજી કરનાર  કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માટે ફોર્મ ભરી મોકલી દેતો હતો. પરંતુ નવા વર્ષે કોઈ પણ પ્રકારનું અપડેટ યુઆઈડીએઆઈના પોર્ટલ અથવા નજીકના કેન્દ્ર પર જ થશે.

પિનથી થશે એડ્રેસમાં ફેરફાર

જો કોઈ અરજી કરનારે પોતાના આધાર કાર્ડમાં એડ્રેસનો ફેરફાર કરાવવો હશે તો તે પણ તાત્કાલિક નહીં થાય. જ્યારે કોઈ અરજી કરનાર કાર્ડમાં એડ્રેસમાં ફેરફાર કરાવવા ઈચ્છે તો તેને યુઆઈડીએઆઈ તરફથી નવા એડ્રેસ પર એક પિન મોકલવો પડશે. જેવો જ અરજી કરનારને પિન મળી જશે તેવું જ તેણે આધાર પોર્ટલ પર સબમિટ કરાવવુ પડશે. પિન વેરિફાઈ થઈ જવાથી તે વ્યક્તિનું એડ્રેસ બદલી નાખવામાં આવશે. અત્યારે લોકોનુ એડ્રેસ બદલાવવા માટે નવા એડ્રેસનો પુરાવો પણ અપલોડ કરાવવાનો હોય છે. આ વ્યવસ્થા આવતા વર્ષથી સમાપ્ત થશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter