અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ મહારાજના મૃત્યુનું રહસ્ય વધુને વધુ ઘૂંટાતું જાય છે. કથિત આપઘાતની ઘટના પછીનો એક વીડિયો સામે આવ્યો છે. એ વિડીયોએ કેટલાક સવાલો ખડા કર્યા છે. જે દોરીથી મહંતે આપઘાત કર્યાનું કહેવાય છે એના ત્રણ કટકા થયેલા હતા. એટલું જ નહીં, જે પંખામાં લટકીને ગળેફાંસો ખાધાનું મનાય છે એ પણ ફરતો હતો.
મૃત્યુ પછીનો એક વીડિયો સામે આવ્યો
મહંત નરેન્દ્ર ગિરિના મૃત્યુ પછીનો એક વિડીયો સામે આવ્યો છે. ઘટનાસ્થળના વિડીયોએ અનેક સવાલો ખડા કર્યા છે. જે દોરડાંથી મહંત નરેન્દ્ર ગિરિએ આપઘાત કર્યાનો દાવો થઈ રહ્યો છે, એના ત્રણ ટૂકડા થયેલા જોવા મળે છે. તે ઉપરાંત જે પંખામાં લટકીને આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં કહેવાયું હતું, એ પંખો તો વીડિયોમાં ફરતો જણાય છે.

મહંત નરેન્દ્ર ગિરિનો મૃતદેહ નીચે પડયો છે અને તેની આસપાસ બૂટ પહેરીને પોલીસના જવાનો ટહેલતા જોવા મળી રહ્યા છે. ક્રાઈમ સીન પર ફોરેન્સિક ટીમ ન પહોંચે ત્યાં સુધી કોઈ ચીજવસ્તુઓને સ્પર્શ કરવો ન જોઈએ એ સાધારણ સમજ છે. તેમ છતાં પંખો ચલાવવામાં આવ્યો અને મૃતદેહને ઉતારવા માટે દોરીને ત્રણ ટૂકડામાં કાપવામાં આવી – જેવી ઘટનાઓ બની તે શંકા જન્માવે છે.
વળી, દોરી પંખાની ઉપરની બાજુ બાંધેલી જણાય છે. સવાલ એ થાય છે કે ઓરડામાં એવી કોઈ ચીજ નથી, જેનાથી ત્યાં સુધી પહોંચી શકાય. દોરી ત્યાં કેવી રીતે પહોંચી? મહંત નરેન્દ્ર ગિરિને સાંધાનો દુઃખાવો હતો. એ ત્યાં સુધી પહોંચે કે કેમ તે બાબતે સવાલો થાય તેમ છે.
કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ

આ બધા અહેવાલો વચ્ચે ઉત્તર પ્રદેશની સરકારે મહંત નરેન્દ્ર ગિરિના અપમૃત્યુ કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. યુપી સરકારે ૧૮ સભ્યોની એસઆઈટીની રચના કરીને તપાસ શરૃ કરી છે. તે સિવાય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીબીઆઈ તપાસ માટે ભલામણ કરી હોવાનું સરકારે એક નિવેદનમાં કહ્યું હતું. યુપી પોલીસની તપાસ એ દિશામાં પણ થઈ રહી છે કે સુસાઈડ નોટમાં જેનો ઉલ્લેખ છે એ બધી છોકરીઓ કોણ છે? એનો આ ઘટના સાથે શું સંબંધ છે એ તપાસનો વિષય છે.
દરમિયાન મહંત નરેન્દ્ર ગિરિના શિષ્ય આનંદ ગિરિએ જેલમાં સુરક્ષા આપવાની માગણી સાથે કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં કહેવાયું છે કે જેલમાં જ આનંદ ગિરિની હત્યાનું કાવતરું ઘડાયું છે. કોર્ટ પરિસરમાં તેના પર હુમલો થયો હતો એ મુદ્દાને ટાંકીને કોર્ટ સમક્ષ જેલમાં સુરક્ષા આપવાની રજૂઆત થઈ છે. મહંતના શિષ્ય આનંદ ગિરિને ૧૪ દિવસના રિમાન્ડમાં મોકલીને પૂછપરછ શરૃ કરવામાં આવી છે.
Read Also
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા