GSTV
India News Trending

ઉત્તરપ્રદેશમાં હાર બાદ ભાજ૫માં ઉકળાટ : નેતૃત્વ ઉ૫ર ઉઠ્યા ગંભીર સવાલ

ફૂલપુર અને ગોરખપુર લોકસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપની હાર મામલે અલ્હાબાદથી પાર્ટીના સાંસદ શ્યામચરણ ગુપ્તાએ ભાજપના નેતૃત્વ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ.. ભાજપના સાંસદ શ્યામચરણ ગુપ્તાએ પાર્ટીના કામ કરવાની પદ્ધતિ અને વૈચારીક ખામીને પેટાચૂંટણીમાં હારનું કારણ ગણાવી છે. યુપીના મજબૂત ગઢ સમાન લોકસભા બેઠકોની પેટાચૂંટણીમાં હાર બાદ રાજ્યમાંથી બાજપ નેતૃત્વના વલણ સામે અંદરખાનેથી સવાલો ઉઠવાની સ્થિતિને 2019ની લોકસભાની ચૂંટણી પહેલા એક મોટો પડકાર પણ માનવામાં આવે છે.

ઉત્તર પ્રદેશ લોકસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને સમાજવાદી પાર્ટીના બીએસપી સમર્થિત ઉમેદવારોના હાથે કારમી હાર સહન કરવી પડી છે. આ કારમી હારના કારણોને લઈને ભાજપની અંદર ખાસી હલચલ છે. ભાજપની અંદર જ નેતૃત્વના વલણ પર સવાલો ઉઠવાનું શરૂ થઈ ચુક્યું છે.

અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં અલ્હાબાદથી ભાજપના સાંસદ શ્યામચરણ ગુપ્તાએ કહ્યુ છે કે પાર્ટીને વિચારમાં ફેરફાર કરવાની જરૂરત છે. કામ કરવાની રીત, સરકારથી લઈને જનતા સુધી પકડ બનાવવાની રીતની સમીક્ષા થવી જોઈએ. સ્પષ્ટ છે કે કોઈકને કોઈક સમસ્યા જરૂર છે, તેના કારણે બંને બેઠકો પર ભાજપની હાર થઈ છે.

શ્યામચરણ ગુપ્તા બે ટર્મ સાંસદ અને અલ્હાબાદના મેયર રહી ચુક્યા છે. તેમણે કહ્યુ છે કે યુપી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે પાર્ટીએ આકરી મહેનત કરી હતી. પરંતુ બાદમાં એવા લોકોને પાર્ટીમાં સામેલ કરવાની હોડ મચી, જેમની પાર્ટીના સિદ્ધાંતો સાથે કોઈ લેવાદેવા નથી. નરેશ અગ્રવાલ જ નહીં વિધાનસભાની ચૂંટણીથી પહેલા પણ આવા નેતાઓને ભાજપમાં લેવામાં આવ્યા હતા. ભાજપ એક લહેરને કારણે જીત્યું હતું… આવા નેતાઓને કારણે નહીં. પાર્ટીના સિદ્ધાંત છે- ચાલ, ચરિત્ર, ચહેરો અને ચિંતન.. પાર્ટીએ જોવું જોઈએ કે આ સિદ્ધાંતોનું શું થયું.

કૌશાંબીના સાંસદ અને ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદકુમાર સોનકરે હાર પાછળ સ્થાનિક નેતૃત્વને જવાબદાર ઠેરવ્યું છે. વિનોદ સોનકરે કહ્યુ છે કે બેઠકોની પેટાચૂંટણી દરમિયાન સ્થાનિક નેતાઓ દલિતો સુધી પહોંચ્યા જ નથી. તેનું નુકસાન થયું છે. દલિતોના ઉત્થાન માટે વડાપ્રધાન મોદીએ તમામ યોજનાઓ ચલાવી.. પરંતુ ભાજપના નેતા આનો ચૂંટણીમાં લાભ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.

કુશીનગરથી ભાજપના સાંસદ રાજેશ પાંડેયએ આશા વ્યક્ત કરી છે કે પાર્ટી હારના કારણોની સમીક્ષા કરીને સુધારા પર ધ્યાન કેન્દ્રીત કરશે. તેમણે સ્વીકાર્યું છે કે પેટાચૂંટણીના પરિણામ ભાજપ માટે ચિંતાની વાત છે. તો એક વરિષ્ઠ સાંસદે ઓળખ ગુપ્ત રાખવાની શરત મામલે કહ્યુ છે કે ભાજપે પેટાચૂંટણીમાં ખોટા ઉમેદવારને ઉતાર્યા.. ઉમેદવારોને ઉતારવામાં જાતિ સમીકરણોની અવગણના કરાઈ હતી.

પેટાચૂંટણીમાં હારના કારણો મામલે ભાજપના સાંસદો અને યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અલગ-અલગ અભિપ્રાયો ધરાવે છે. ભાજપના સાંસદે કામ કરવાની રીત અને વિચારમાં ખામીને હારનું કારણ ગણાવ્યા છે. હવે લોકોની નજર એ વાત પર છે કે આ હારના મામલે કોનો રાજકીય બલિ લેવામાં આવશે. અને આગામી સમયગાળા માટે ભાજપ સંગઠન અને સરકારને લઈને ક્યો રોડમેપ તૈયાર કરે છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે હાર માટે અતિઆત્મવિશ્વાસ અને વિપક્ષની રણનીતિ સમજવામાં ચુકને જવાબદાર ગણાવી છે. તો સાંસદોએ કામ કરવાની શૈલી બદલવાની માગણી કરી છે.

Related posts

ક્રિકેટ / BCCIએ ક્રિકેટ સલાહકાર સમિતિના ત્રણ સભ્યોની કરી નિમણૂક, આ પૂર્વ ખેલાડીને મળ્યું સ્થાન

Hardik Hingu

Hug Benefits/ ખુશ રહેવું છે તો પોતાના અંગતને વ્હાલથી ભેટો, જાણો ગળે લાગવાના ફાયદા

Siddhi Sheth

વીમા પોલિસી લેપ્સ થઈ ગઈ છે તો રહો સાવધાન, થઈ શકે છે છેતરપિંડી, આ રીતે કરો બચાવ

Akib Chhipa
GSTV