GSTV
Home » News » દેશના ખેડૂતો માટે મસમોટી જાહેરાતોના પ્લાન પણ શું મોદી સરકાર પાસે બજેટ છે?, આ છે જવાબ

દેશના ખેડૂતો માટે મસમોટી જાહેરાતોના પ્લાન પણ શું મોદી સરકાર પાસે બજેટ છે?, આ છે જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે શાસનની સમયાવધિ આવી રહી છે. એપ્રિલ અને મે મહિના દરમિયાન લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આ પહેલા તા.૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ વચગાળાના નાણામંત્રી પિયુષ ગોયલ વર્ષ ૨૦૧૯-૨૦નું લેખાનુદાન રજુ કરશે. જોકે, જેમ NDAના પ્રથમ કાળમાં યશવંત સિંહે બજેટની રજૂઆત સાંજના બદલે સવારે શરૂ કરી, જેમ અત્યારે બીમારીના કારણે અમેરિકામાં સારવાર લઇ રહેલા અરૂણ જેટલીએ બજેટને ફેબ્રુઆરીના અંતિમ દિવસને બદલે તા.૧ ફેબ્રુઆરીએ રજૂ કરવાનો ચીલો પાડ્યો તેમ મોદી સરકાર લેખાનુદાનમાં નવી યોજનાઓની જાહેરાત કરશે એ નક્કી છે.

ખેડૂતોએ દેશની રાજધાની નવી દિલ્હીમાં રેલીઓ કાઢી છે.

ઓક્ટોબર મહિનાથી ફુગાવાના આંકડા દર્શાવી રહ્યા છે કે કૃષિ ક્ષેત્રની હાલત નબળી છે. કૃષિ ચીજો – તેલ, અનાજ, કઠોળ અને શાકભાજીના ભાવ સતત ઘટી રહ્યા છે. આ ભાવ ઘટાડાના કારણે ખેડૂતને તેની ઉપજના ખર્ચ કરતા પણ ઓછું વળતર મળી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં લગભગ ચાર વખત ખેડૂતોએ દેશની રાજધાની નવી દિલ્હીમાં રેલીઓ કાઢી છે. ભાજપે ડીસેમ્બરમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં સરકાર ગુમાવી તેનું કારણ પણ ગ્રામ્ય વિસ્તારમાં કેન્દ્રની નીતિઓ સામેનો આક્રોશ જોવા મળ્યો. એટલે એ વસ્તુ ચોક્કસ છે કે ખેડૂતો માટે નવી જાહેરાતો આવશે.

નવેમ્બરના અંતે નાણા ખાધ ૩.૮૩% હતી

સરકાર પાસે નાણા છે? નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં દેશની નાણા ખાધ ૩.૩% રહેશે એવો નાણાપ્રધાન અરૂણ જેટલીએ અંદાજ મુક્યો હતો. અત્યારે સરકારની કર આવક (GSTની આવક ધારણા કરતા ઓછી છે) અને ડીસઇન્વેસ્ટમેન્ટની આવક પણ ધારણા કરતા ઓછી છે. સામે સરકારી ખર્ચ વધારે છે. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા અનુસાર નવેમ્બરના અંતે નાણા ખાધ ૩.૮૩% હતી. આ રાજકોષીય ખાધ જેટલી વધારે એટલું ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ ઓછો એવું નિષ્ણાતો માને છે. એટલે સરકાર માટે વધારાના ખર્ચ કરવાનું કાર્ય કઠિન છે. સરકાર પાસે ઉપાય શું છે? કેન્દ્ર સરકાર પાસે બહુ ઓછા વિકલ્પ છે કે જેનાથી કૃષિ ક્ષેત્રને ટેકો આપી શકાય. એક વિકલ્પ છે કે સરકાર ખર્ચ વધારે અને રાજકોષીય ખાધ અંગે વિચાર પડતો મુકે.

સરકાર અન્ય વિભાગ કે યોજનાનો ખર્ચ ઘટાડે અને કૃષિ માટે ફાળવણી વધારે

વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં સરકારે દલીલ કરી હતી કે મહેસૂલી ખાધ અર્થહીન છે કારણ કે આરોગ્ય, શિક્ષણમાં રોકાણ થઇ ગયું છે જેને મહેસુલી ખર્ચ ગણવામાં આવે છે એટલે મહેસુલની ખાધ (સરકારની એક વર્ષમાં કર અને કર સિવાયની આવક સામે સરકારનો બધો જ ખર્ચ) ઘટે કે નહી તે અંગે વિચાર પડતો મુકવો જોઈએ. બીજો વિકલ્પ છે સરકાર અન્ય વિભાગ કે યોજનાનો ખર્ચ ઘટાડે અને કૃષિ માટે ફાળવણી વધારે. અત્યારે આ વિકલ્પ યોગ્ય લાગે છે. પણ સરકાર અન્ય વિભાગમાં બહુ મોટી નાણાની કાપ મૂકી શકે તેમ નથી. કૃષિ અને કૃષિ સંલગ્ન વિભાગ માટે વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ રૂ.૫૪,૦૦૦ કરોડની ફાળવણી કરી હતી. કેન્દ્રના અંદાજ અનુસાર નવી ફાળવણી વધીને રૂ.૬૦,૦૦૦ કરોડથી રૂ.૬૫,૦૦૦ કરોડ વચ્ચે રહેવાની ધારણા છે. આ સિવાયનો વિકલ્પ છે ખેડૂતોને ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર એટલે કે જમીનના ક્ષેત્રફળ અનુસાર સીધી જ રકમ તેમના ખાતામાં જમા કરાવવી. આ મોટો નિર્ણય છે પણ તેનાથી સરકાર દ્વારા થતો ખર્ચ વધશે નહિ અને ખેડૂતોને લાગશે તેમના માટે સરકારે રાહત આપી.

યોજનાની જાહેરાત શક્ય છે પણ એના માટે રાજ્ય સરકારની સહમતિ જરૂરી

રાજ્ય વગર DBT અશક્ય ખેડૂતને રાજી રાખવા માટે સરકાર મોટી જાહેરાત કરે, વધારે નાણાની ફાળવણી કરશે એવી ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે. જોકે, જે જાહેરાત ચર્ચામાં છે – કે ખેડૂતના ખાતામાં સીધી રોકડ તેની જમીનના ટુકડા પ્રમાણે આપવામાં આવશે – તે સાવ નકામી છે. એમાં માત્ર પૈસા આપવાની રીત જ બદલાય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અત્યારે લગભગ રૂ.૨,૦૦,૦૦૦ કરોડની વીજળી, ખાતર, ઓછા વ્યાજે લોન આપવી અને અન્ય ચીજો ઉપર રાહત આપવા પાછળ ખર્ચ કરે છે. મોદી સરકારે સ્થાપેલા નીતિ આયોગનું કહેવું છે કે આ બંધ કરો અને આટલી જ રકમ તમે સીધી ખેડૂતના ખાતામાં તેની પાસે જેટલી જમીન હોય તેના ઉપર ચૂકવો. જેથી બધા ખેડૂતની રાહત મળે, અત્યારની સબસીડી પ્રણાલી બંધ થાય અને તેના વિતરણનો વહીવટી ખર્ચ બંધ થાય. એટલે દરેક ખેડૂતને રૂ.૧૪,૯૯૬ પ્રતિ હેક્ટર આપવામાં આવશે. આ યોજનાની જાહેરાત શક્ય છે પણ એના માટે રાજ્ય સરકારની સહમતિ જરૂરી છે. બંધારણની દ્રષ્ટિએ કૃષિ રાજ્ય સરકારનો વિષય છે અને તેમાં વીજળી, વ્યાજમાં રાહત અને કેટલાક રાજ્યોમાં ખાતરમાં આપવામાં આવતી રહતો પણ રાજ્ય સરકાર આપે છે. એટલે રાજ્ય સરકારની સહમતિ વગર, તૈયારી વગર આ શક્ય નથી.

Related posts

LoC ટ્રેડ રૂટ: સરહદ પાર વેપાર કરવામાં સફળ 10 આતંકીઓ પાક. જવામાં સફળ,ISIની સક્રિય ભૂમિકા

Riyaz Parmar

શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યો સ્માર્ટ LED બલ્બ, મોબાઈલથી કરી શકાશે કંટ્રોલ

Mayur

બંધ થવા જઈ રહી છે PNBની આ સર્વિસ, 30 એપ્રિલ સુધીમાં કરી લ્યો આ કામ

Path Shah