GSTV
Home » News » ખાડે ગયેલી કંપની લેવા બે માલિકો બાખડ્યા અને પડ્યા દરોડા, લોકો ખંખેરાયા

ખાડે ગયેલી કંપની લેવા બે માલિકો બાખડ્યા અને પડ્યા દરોડા, લોકો ખંખેરાયા

કુશલ ટ્રેડલિન્ક પર આવકવેરા અધિકારીઓ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં મોટા પ્રમાણમાં રોકડેથી લેતી દેતી થતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. આઇટીની કાર્યવાહમાં કુશલ ટ્રેડલિંકમાંથી કેશ વાઉચરનો પણ મોટો જથ્થો મળી આવ્યો છે. આ વાઉચર પરથી મોટી રકમના વહેવારો પણ ધ્યાનમાં આવ્યા છે. આ વહેવારો કરનારા બીજા મોટા માથા પણ આવકવેરા અધિકારીઓની ઝપટમાં આવી શકે છે.

આઇટી વિભાગના અધિકારીઓએ આ કેશ વાઉચરની એન્ટ્રી અને કોના કોના નામે ઉધારાયા છે તેની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે. રોકડની એન્ટ્રી નાખ્યા પછી તેને એડજસ્ટ કરવા માટે જુદી જુદી તારીખના વાઉચર બનાવવાની કામગીરી મની લૉન્ડરિંગ કરનારાઓ દ્વારા કરવામાં આવતી હોવાની હકીકતને પકડી પાડવા કવાયત હાથ ધરાઇ છે.

આ માટે કુશલ ટ્રેડલિન્કમાં આવકવેરા ખાતાના અધિકારીઓએ ફોરેન્સિક ડેટા ગેધરિંગ કર્યું છે. આમ ખરેખર ક્યારે વાઉચર બનાવાયા અને ક્યારે કોમ્પ્યુટરમાં એન્ટ્રી પાડવામાં આવી અને ત્યારબાદ તેમાં ક્યારે કેટલો ફેરફાર કરવામાં આવ્યો તે તમામ વિગતો ફોરેન્સિક ડેટા ગેધરીંગ કરવામાં આવ્યું છે.

અમદાવાદના કુશલ ટ્રેડ લિન્કના વહીવટદાર ડિરેક્ટર સંદીપ અગ્રવાલ અને તેમની કંપનીના તમામ ડિરેક્ટર્સના નિવાસસ્થાનો સહિત ૧૨ સ્થળે આવક વેરાના દરોડામાં એક ૧ કરોડની રોકડ અને. ૩ કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ મળી આવી છે. કુલ મળીને ૧૨ સ્થળે દરોડા અને ૧૧ સ્થળે તપાસ ચાલુ કરવામાં આવી છે. તેમાં ખેડા અને ગાંધીધામમાં ૧-૧ સ્થળનો સમાવેશ થાય છે. ગાંધીધામમાં આશાપુરા પેપર મિલને પણ દરોડામાં આવરી લેવામાં આવી છે. બાકીના તમામ સ્થળો અમદાવાદમાં આવેલા છે.

અમદાવાદના સી.જી. રોડ પર આવેલી કુશલ હાઉસની કચેરી પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. અસલાલીમાં રહેતા કંપનીના કર્મચારીના ઘરની તલાશી પણ લીધી છે. કંપનીના પ્રમોટર્સે જંગી પ્રમાણમાં બોગસ બિલિંગ કર્યું હોવાનું અને કોલકાતાની ૩ શૅલ કંપનીઓનો ઉપયોગ કર્યો હોવાનું દરોડામાં પકડાયું છે. આ દરોડામાં ૧૫૦ જેટલા આવકવેરા અધિકારીઓએ ૯ લોકર સીલ કર્યા છે. તેમ જ સોના-ચાંદીના પકડી પાડેલા દાગીનાના મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. કુશલ ટ્રેડલિન્કે મની લોન્ડરિંગથી મેળવવામાં આવેલા નફાને વિદેશમાં ટ્રાન્સફર કર્યો હોવાનું પણ આવકવેરા અધિકારીઓના ધ્યાનમાં આવી ગયું છે. તેને માટે હવાલાથી પરદેશ પૈસા મોકલાયા હોવાથી તેમની સામે ફેમા-ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ હેઠળ પગલાં લેવામાં આવી શકે છે.

કુશલ ટ્રેડલિંકમાં દરોડાની કાર્યવાહી અચાનક કેમ થઇ તેને લઇને પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદ જિલ્લામાં જ આવેલી અને ખાડે ગયેલી એક પેપર મિલને ટેકઓવર કરવા માટે પેપર ઇન્ડસ્ટ્રીઝની કુશલ ટ્રેડલિન્ક અને અન્ય કંપની વચ્ચે ડખો પડયો હતો. બંને વચ્ચે મોટી ખેંચતાણ થઈ તે પછી આવકવેરા ખાતાએ કુશલ ટ્રેડલિંક પર દરોડા પાડયા હોવાનું બજારમાં ચર્ચાઈ રહ્યું છે.

કુશલ ટ્રેડલિન્કના વહીવટદાર ડિરેક્ટર્સ સંદીપ અગરવાલ, ધર્મેન્દ્ર ભૂછાડા, કવિતા જૈન, મનોજ તુલસીરામ અગ્રવાલ, અનિલ સોની અને કુશલ અગ્રવાલની બજારમાં ઇમેજ સારી નથી. કારણ કે તેમણે શેર્સમાં ભાવ માર્કેટ ઓપરેટર્સની મદદથી ઊંચકાવીને પછી અને નિર્દોષ ઇન્વેસ્ટર્સને ખંખેરી લેવાની યુક્તિ જ અજમાવી હોવાની બજારમા છાપ છે. કુશલ ટ્રેડલિન્કના શેર્સના ઊંચા ભાવ પર બૅન્કના અધિકારીઓએ પણ છૂટથી ધિરાણ કર્યું છે. સેબીના અધિકારીઓને પણ કંપનીએ બૅન્કના અધિકારીઓની જેમ જ મેનેજ કરી લીધા હોવાની ચર્ચા છે. તેમની સામે મની લોન્ડરિંગનો અને અનફેર ટ્રેડિંગનો ઓપન એન્ડ શટ કેસ હોવા છતાંય પગલાં લેવામાં આવ્યા નથી. કુશલ ટ્રેડલિન્કના વહીવટદાર ડિરેક્ટર્સે તમામ અધિકારીઓને મેનેજ કરીને બચ્યા હોવાની પણ બજારમાં ચર્ચા છે.

READ ALSO

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar