ન્યુઝીલેન્ડની મસ્જિદમાં ગોળીબાર : 49ના મોત, 9 ભારતીયો લાપતા

ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં ફાઈરિંગ થયા પછી ૯ ભારતીયો લાપતા છે. ફાઈરિંગમાં ૪૯ના મોત થયા હતા, તેમાં ૯ ભારતીયો હોવાની શક્યતા છે. કુલ ૯ લાપતા ભારતીયોમાંથી હૈદરાબાદના બે લોકોના મોત થયાની અટકળો તેજ બની છે.

ન્યૂઝીલેન્ડમાં થયેલા અંધાધૂંધ ફાઈરિંગમાં ૪૯ લોકોના મોત થયા હતા, તેમાં ૯ ભારતીયો હોવાની શક્યતા છે. કારણ કે ફાઈરિંગ પછી હજુ ૯ ભારતીય મૂળના નાગરિકો લાપતા છે અને ૪૯ પૈકી ઘણાં મૃતદેહોની ઓળખ હજુ બાકી હતી. તમામની ઓળખ થાય પછી જ સ્થિતિ સ્પષ્ટ થશે એવું ન્યૂઝીલેન્ડના પોલીસ વિભાગે કહ્યું હતું. મૃતકોમાં બે હૈદરાબાદના યુવાનો હોવાની અટકળો પણ તેજ બની હતી.

ન્યૂઝીલેન્ડ સ્થિત ભારતીય રાજદૂતે લાપતા ભારતીય નાગરિકોની ભાળ મેળવવાની કવાયત શરૃ કરી હતી. ભારતીય દૂતાવાસના એક નિવેદનમાં કહેવાયું હતું કે ભારતીય અધિકારીઓ સતત ન્યૂઝીલેન્ડના પોલીસ અધિકારીઓના સંપર્કમાં છે. કમનસીબ મૃતકોમાં ભારતીયો છે કે કેમ તે અંગે ઓળખની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ એક નિવેદનમાં લાપતા થયેલા ભારતીયોના પરિવારને આશ્વાસન આપતા કહ્યું હતું કે ભારતીય વિદેશ મંત્રાલય ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં છે અને ઝડપથી લાપતા ભારતીયોની ભાળ મળે તેના માટે કોશિશ કરે છે. સંવેદનશીલ બાબત હોવાથી જ્યાં સુધી પાકી ખાતરી નહીં થાય ત્યાં કોઈ ઉતાવળે કોઈ જ જાહેરાત કરાશે નહીં એવું તેમણે કહ્યું હતું. હૈદરાબાદના એક પરિવારે દાવો કર્યો હતો કે તેમના પરિવારના ૩૨ વર્ષના અહમદ ઈકબાલનું ફાઈરિંગમાં મૃત્યુ થયું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter