GSTV

ટ્રમ્પની ભારત મુલાકાતથી ભારત અને અમેરિકાના ઐતિહાસિક સંબંધોમાં ‘નવો અધ્યાય’ શરૂ: પીએમ મોદી

ભારત અને અમેરિકાને ‘સ્વાભાવિક મિત્રો’ ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતના ‘વિશેષ મિત્ર’ તરીકે ઉલ્લેખ કર્યો અને કહ્યું ટ્રમ્પની ભારત મુલાકાતથી ભારત અને અમેરિકા વચ્ચેના ઐતિહાસિક સંબંધોમાં ‘નવો અધ્યાય’ શરૂ થયો છે.અમદાવાદમાં વિશ્વના નવા સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં લોકોને સંબોધન કરતાં મોદીએ ટ્રમ્પની મુલાકાતને નવા દાયકામાં ‘મોટા પ્રસંગ’ સમાન ગણાવી હતી.

તેમણે ભારપૂર્વક કહ્યું કે ‘નવું ભારત’ ‘પુન: બેઠા થઈ રહેલાં અમેરિકા’ માટે નવી તકો લઈને આવ્યું છે. પ્રમુખ ટ્રમ્પને આવકારતાં મોદીએ કહ્યું, આજે ‘નવો ઈતિહાસ’ લખાઈ રહ્યો છે અને નવા જોડાણો, પડકારો, તકો અને પરિવર્તનોનો પાયો નંખાઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આતંકવાદને હરાવવાની અમેરિકાની કટિબદ્ધતા અને પ્રમુખ ટ્રમ્પના નેતૃત્વએ માનવતાની સેવા કરી છે અને તેથી મારૂં માનવું છે કે પ્રમુખ ટ્રમ્પ જેવા નેતા ભારતના વિશેષ મિત્ર બની શકે છે અને એક મોટા કાર્યક્રમથી આ દાયકાની શરૂઆત કરી શકે છે. તેમણે ટ્રમ્પની મુલાકાતને ભારત-અમેરિકાના ઐતિહાસિક સંબંધોમાં ‘નવા અધ્યાય’ સમાન ગણાવી હતી અને કહ્યું કે આ સંબંધો હવે માત્ર ઔપચારિક નથી રહ્યા, પરંતુ તે વધુ ગાઢ બન્યા છે.

અમેરિકા ભારતનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર

તેમણે ઉમેર્યું કે 21મી સદીમાં વિશ્વનું ભાવી ઘડવામાં ભારત અને અમેરિકાના સંબંધો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મારૂં સ્પષ્ટપણે માનવું છે કે ભારત અને અમેરિકા સ્વાભાવિક ભાગીદાર છે. બંને રાષ્ટ્રોના સંબંધો પર ભાર મૂકતાં મોદીએ કહ્યું અમેરિકા હવે ભારતનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર છે અને ભારતીય સૈન્ય અમેરિકા સાથે સૌથી મોટી યુદ્ધ કવાયતમાં જોડાયેલું છે. ટ્રમ્પની મુલાકાત નવા દાયકાની એક મહત્વપૂર્ણ ઘટના છે.

ઈન્ડસ્ટ્રી 4.0માં અમેરિકા માટે રોકાણની અનેક તકો

વડાપ્રધાને કહ્યું, ભારતમાં મેન્યુફેક્ચરિંગ વધી રહ્યું છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ થઈ રહ્યું છે, જે અમેરિકા માટે નવી તકો લઈ આવશે. ઈન્ડસ્ટ્રી 4.0ના આ નવા યુગમાં ભારતમાં ડિજિટલ આૃર્થતંત્રનું વિસ્તરણ અમેરિકા માટે રોકાણની અનેક તકોનું સર્જન કરશે. ઈન્ડસ્ટ્રી 4.0નો મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીમાં ઓટોમેશન અને ડેટા એક્સચેન્જના વર્તમાન ટ્રેન્ડ માટે એક નવા નામ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.

નવું પ્રકરણ ભારત-અમેરિકાની સમૃદ્ધિનો નવો દસ્તાવેજ બનશે

મોદીએ કહ્યું કે આપણા દ્વિપક્ષીય સંબંધો વિકસશે, આપણી આિર્થક ભાગીદારીમાં વધારો થશે, આપણો ડિજિટલ સહકાર પણ વધશે. ભારત-અમેરિકાના સંબંધો હવે માત્ર ભાગીદારી પૂરતા સિમિત નથી રહ્યા, પરંતુ તે નવી ઊંચાઈઓએ પહોંચ્યા છે અને ટ્રમ્પની પરિવાર સાથેની આ મુલાકાત તેમાં મહત્વની ભૂમિકા ભજવશે. ટ્રમ્પની આ મુલાકાત ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં એક નવા પ્રકરણ સમાન છે. આ પ્રકરણ અમેરિકા અને ભારતના લોકોની પ્રગતિ અને સમૃદ્ધિનો નવો દસ્તાવેજ સાબિત થશે.

એકતા અને વિવિધતા ભારત-અમેરિકાના મજબૂત સંબંધોનો આધાર

ભારત અને અમેરિકા વચ્ચે આજે વિશ્વાસ મજબૂત થયો છે. દરેક ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે મિત્રતાનો દાયરો વધ્યો છે. જ્યાં મિત્રતા હોય છે, ત્યાં વિશ્વાસ અટલ હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાંભારત અને અમેરિકા વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે અને તે વર્તમાન સમયમાં ઐતિહાસિક સ્તરે પહોંચ્યો છે. એકતા અને વિવિધતા ભારત-અમેરિકા વચ્ચે મજબૂત સંબંધોનો આધાર છે. એક મુક્ત ભૂમિનો દેશ છે, બીજો સમગ્ર વિશ્વને પરિવાર માને છે. એકને સ્ટેચુ ઓફ લિબર્ટી પર ગૌરવ છે. બીજાને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર ગૌરવ છે.

130 કરોડ ભારતીયો ‘નવા ભારત’નું સર્જન કરી રહ્યા છે

મોદીએ કહ્યું કે આજે 130 કરોડ ભારતીયો સંયુક્તપણે ‘નવા ભારત’નું સર્જન કરી રહ્યા છે. અમારી યુવા શક્તિ મહત્વાકાંક્ષાઓથી ભરપુર છે. ભારત આજે સૌથી વધુ પ્રમાણમાં સેટેલાઈટ જ અવકાશમાં નથી મોકલી રહ્યો, પરંતુ તે સૌથી ઝડપથી નાણાકીય સમાવેશ પણ કરી રહ્યો છે. આજે ભારત અમેરિકા સાથે સૌથી વ્યાપક પ્રમાણમાં સંશોધન અને વિકાસ ભાગીદારી કરી રહ્યો છે.

મોદીના 21 મિનિટના ભાષણમાં 22 વખત ટ્રમ્પ, 41 વખત ભારતનું નામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટેરા સ્ટેડિયમમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારત-અમેરિકાની મિત્રતાની એકતા માટે સૂત્રોચ્ચાર પણ કરાવ્યો. તેમના 21 મિનિટના સ્વાગત ભાષણમાં મોદીએ 22 વખત ટ્રમ્પનું નામ લીધું. આથી તેમના ભાષણમાં અમેરિકાનું નામ પણ છવાયેલું રહ્યું, તેમણે આ શબ્દનો ઉલ્લેખ 29 વખત કર્યો હતો. મોદીએ ભાષણમાં ભારતનું નામ 41 વખત, મિત્ર 14, પરિવાર 4, ડિજિટલ 4, ઈતિહાસ, ફર્સ્ટ લેડી અને ઈવાન્કા જેવા શબ્દો બે વખત, સરદાર પટેલ અને ટ્રસ્ટ 3 વખત, આતંકવાદ 2 વખત, ભારત-અમેરિકાના સંબંધ 7, નમસ્તે ટ્રમ્પ 7, ગુજરાત 2, ઈતિહાસ 2, મેલાનિયા 2, કલ્ચર બે, સ્પેસ બે અને ડિફેન્સ, વિકાસ જેવા શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો.

ભારત અને અમેરિકાની મિત્રતાનો સૂત્રોચ્ચાર કરાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું. આ સમયે વડાપ્રધાને ભારત અને અમેરિકાની મિત્રતાની એકતાનો સૂત્રોચ્ચાર કરાવ્યો હતો. મોદીએ પ્રેક્ષકોને સંબોધતા કહ્યું, હું કહીશ ભારત-અમેરિકા ફ્રેન્ડશીપ તમારે લોન્ગ લીવ કહેવાનું. આમ કહ્યા પછી મોદીએ ભારત-અમેરિકા ફ્રેન્ડશીપનો પ્રેક્ષકો પાસે સૂત્રોચ્ચાર કરાવ્યો.

મોદી 7 વખત ટ્રમ્પને ગળે મળ્યા અને 6 વખત હાથ મિલાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે દિવસના ભારત પ્રવાસના પ્રથમ 3 કલાકમાં અમદાવાદમાં 7 વખત ટ્રમ્પને ગળે મળ્યા હતા અને 9 વખત હાથ મિલાવ્યો હતો. બંને નેતાઓની આ કેમિસ્ટ્રી બંને વચ્ચેની મિત્રતા દર્શાવતી હતી. અમદાવાદ એરપોર્ટ પર આગમન સાથે ટ્રમ્પ અને મોદી ગળે મળ્યા, પછી તેમણે હાથ મિલાવ્યા હતા. ત્યાંથી મોદી ટ્રમ્પની પહેલાં સાબરમતી આશ્રમ અને પછી મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પહોંચ્યા. આ કાર્યક્રમમાં મોદી છ વખત ટ્રમ્પના ગળે મળ્યા અને પાંચ વખત હાથ મિલાવ્યો.

‘નમસ્તે’નો અર્થ ખૂબ જ ઊંડો છે : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારતા આ કાર્યક્રમ અંગે કહ્યું, આ કાર્યક્રમનું નામ નમસ્તે ટ્રમ્પ છે. આ નમસ્તે શબ્દનો અર્થ ખૂબ જ ઘેરો છે. તે દુનિયાની સૌથી જૂની ભાષાઓમાંથી એક સંસ્કૃતનો શબ્દ છે. તેનો અર્થ છે માત્ર વ્યક્તિ જ નહીં, પરંતુ તેની અંદરની દિવ્યતાને પણ નમન.

નમસ્તે ટ્રમ્પમાં મોદીએ ટ્રમ્પ પરિવારની પ્રશંસા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટેરા સ્ટેડિયમમાં આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની શરૂઆત તેમના સંબોધનથી કરી. સંબોધનના અંતમાં તેમણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ટ્રમ્પના પત્ની મેલાનિયા, પુત્રી ઈવાન્કા અને જમાઈ જેરેડ કુશનરની પણ પ્રશંસા કરી.

મિસ્ટર ટ્રમ્પ તમને જોઈને આખો દેશ ઉત્સાહિત છે

તેમના સ્વાગત ભાષણની શરૂઆત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું, મિસ્ટર ટ્રમ્પ, વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં તમારૂં સ્વાગત છે. આપણે ભલે અહીં ગુજરાતમાં છીએ, પરંતુ આખો દેશ ,તમને જોઈને ઉત્સાહિત છે. પ્રેસિડેન્ટ, ફર્સ્ટ લેડી, ઈવાંકા અને જેરેડનો ભારત પ્રવાસ બંને દેશના સંબંધોને નવી ઊર્જા આપશે.

જેરેડ તમારા કામના દૂરગામી પરિણામ હોય છે

વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરની પણ પ્રશંસા કરી. મોદીએ કહ્યું, જેરેડ, તમારી વિશેષતા એ છે કે તમે લાઈમલાઈટથી દૂર રહો છો અને તમે જે કામ કરો છો, તેના ખૂબ જ દૂરગામી પરિણામ હોય છે. તમે જ્યારે પણ મળો છો, પોતાના ભારતીય સાથીઓની પ્રશંસા કરો છો. તમને મળીને અને તમને અહીં જોઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે.

મેલાનિયા બાળકો માટેનું તમારૂં કામ પ્રશંસનીય છે

વડાપ્રધાન મોદીએ કહ્યું, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ સ્વાસ્થ્ય અને સમૃદ્ધ અમેરિકા માટે તમે જે કામ કર્યું છે, તેના સારા પરિણામ મળી રહ્યા છે. સમાજમાં બાળકો માટે તમે જે કામ કરી રહ્યાં છો, તે ખૂબ જ પ્રશંસનીય છે. ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ, તમારૂં અહીં હોવું એ સન્માનની વાત છે.

ઈવાન્કા તમારા આગમનથી મને આનંદ થયો : મોદી

વડાપ્રધાન મોદીએ ટ્રમ્પના પરિવારની પ્રશંસા કરતી વખતે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પછી ટ્રમ્પની પુત્રી ઈવાન્કાની પણ પ્રશંસા કરી હતી. મોદીએ કહ્યું, ઈવાન્કા, બે વર્ષ પહેલાં તમે ભારત આવ્યાં હતાં, ત્યારે તમે કહ્યું હતું કે તમે ફરીથી ભારત આવવા માગશો. મને તમારા ભારત આગમનથી આનંદ થયો છે.તમે કહો છો – બી બેસ્ટ, તમે અનુભવ્યું હશે કે આજના સ્વાગત સમારંભમાં લોકોની આ જ ભાવના પ્રગટ થઈ રહી છે.

Read Also

Related posts

અહેમદ પટેલનું નિધન થતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા પિરામણ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Nilesh Jethva

ગાંધીનગર: માસ્ક પહેર્યા વગર ફરશો તો ગયા સમજો, પોલીસ વિભાગ ચલાવી રહી છે માસ્ક ડ્રાઇવ

pratik shah

શક્તિપીઠ અંબાજી મંદિર માઈભક્તો માટે આ તારીખથી ખુલશે, કોરોના ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!