GSTV
Home » News » પાકિસ્તાનને સારૂ લગાડવા ટ્રમ્પ જુઠ્ઠું બોલ્યા : મધ્યસ્થીની વાત જ નથી: ભારત

પાકિસ્તાનને સારૂ લગાડવા ટ્રમ્પ જુઠ્ઠું બોલ્યા : મધ્યસ્થીની વાત જ નથી: ભારત

કાશ્મીર વિવાદના ઉકેલ માટે મધ્યસ્થી કરવા અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનંતી કરી હોવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી દેશમાં મંગળવારે રાજકીય સ્તરે ભારે હોબાળો સર્જાયો છે. અમેરિકન પ્રમુખને આવી કોઈ વિનંતી કરાઈ નહીં હોવાની અને પાકિસ્તાન સાથે આ વિવાદનો ઉકેલ માત્ર દ્વિપક્ષીય સ્તરની વાટાઘાટો મારફત જ લવાશે તેવી સરકારની ખાતરી છતાં વિપક્ષે આ મુદ્દે વડાપ્રધાનના નિવેદનની માગણી કરી હતી. આ મુદ્દે વિપક્ષે સંસદની અંદર અને બહાર ભારે હોબાળો સર્જ્યો હતો.

સંસદના બંને ગૃહોમાં આ વિવાદ ઉછળ્યો હતો અને વિપક્ષે ટ્રમ્પના વિવાદાસ્પદ નિવેદન અંગે મોદીના નિવેદનની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે કાશ્મીર વિવાદનો ઉકેલ માત્ર દ્વિપક્ષીય વાટાઘાટોથી જ લાવી શકાય તેમાં ત્રીજા પક્ષની દરમિયાનગીરીની સંભાવના નથી. વિપક્ષે આ મુદ્દે સરકાર પર હુમલો બોલાવતાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે રાજ્યસભામાં પીએમ મોદીએ ક્યારેય ટ્રમ્પને આ પ્રકારની કોઈ વિનંતી કરી નથી અને તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે પાકિસ્તાન સાથે બધા જ વિવાદોની વાટાઘાટો માત્ર દ્વિપક્ષીય સ્તરે જ થશે.

તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટોની શરૂઆત માટે સરહદ પારથી ત્રાસવાદનો અંત આવે તે ભારતની પૂર્વ શરત રહેશે.ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા શિમલા અને લાહોર મુજબ બધા જ મુદ્દાઓના ઉકેલ દ્વિસ્તરીય ધોરણે જ લવાશે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન સોમવારે રાત્રે વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ તુરંત વિદેશ મંત્રાલયે પણ આ જ પ્રકારનું નિવેદન કરતાં કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને ક્યારેય કાશ્મીર વિવાદમાં મધ્યસ્થી બનવા વિનંતી કરી નથી. ટ્રમ્પે ગયા મહિને જાપાનના ઓસાકામાં જી-20 સમિટ દરમિયાન તેઓ મોદીને મળ્યા હતા ત્યારે મોદીએ કાશ્મીર મુદ્દે તેમને મધ્યસ્થી કરવા વિનંતી કરી હોવાનો દાવો કર્યો હતો.

જોકે, સરકારના નિવેદનથી સંતુષ્ટ ન થતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ટ્રમ્પનો દાવો છે કે મોદીએ તેમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા જણાવ્યું છે. જો આ સાચું હોય તો વડાપ્રધાને દેશના હિતો અને 1972ના શિમલા કરાર સાથે છેતરપિંડી કરી છે. ગાંધીએ એમ પણ કહ્યું હતું કે ‘નબળા’ વિદેશ મંત્રીના ઈનકારનો કોઈ અર્થ નથી અને વડાપ્રધાન મોદીએ જ રાષ્ટ્રને કહેવું જોઈએ કે અમેરિકન પ્રમુખ અને તેમના વચ્ચે થયેલી બેઠકમાં શું વાતચીત થઈ હતી.

નવી દિલ્હીમાં વિપક્ષી નેતાઓએ આ મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ’બ્રાયને જણાવ્યું હતું કે અમે વડાપ્રધાનની સ્પષ્ટતા માગીએ છીએ. આ મુદ્દે મંગળવારે સંસદના બંને ગૃહોમાં વિપક્ષે ભારે સૂત્રોચ્ચાર કરતાં કેટલીક વખત માટે બંને ગૃહ મૂલતવી રાખવાની ફરજ પડી હતી.

અમેરિકન વિદેશ મંત્રાલયે પણ છેડો ફાડયો

ટ્રમ્પને કાશ્મીર અંગે નિવેદન કર્યા બાદ તુરંત અમેરિકન વિદેશ મંત્રાલયે ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘દ્વિપક્ષીય’ મુદ્દો છે અને અમેરિકા વાટાઘાટો માટે સાથે બેસવા માટે બંને દેશોને ‘આમંત્રણ’ આપે છે. જોકે, પાકિસ્તાને ભારત સાથે સફળ વાટાઘાટો માટે ત્રાસવાદ સામે ‘નક્કર અને અવિરત’ પગલાં લેવા પડશે. કાશ્મીર ભારત અને પાકિસ્તાન માટે દ્વિપક્ષીય મુદ્દો છે. અમેરિકા ઈચ્છે છે કે બંને દેશ એક મંચ પર આવી આ વિવાદ અંગે વાત કરે.

કોંગ્રેસનો સવાલ મોદી ‘ચૂપ’ કેમ?

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ટીપ્પણી તેમના અને પીએમ મોદી વચ્ચેની બેઠક સંબંધિત હતી, જેમાં આપણા વડાપ્રધાને તેમને મધ્યસ્થી બનવા કહ્યું હતું. બંને દેશોના વડાઓ વચ્ચેની વાતચીત અંગે પીએમ મોદી ‘ચૂપ’ શા માટે છે? આ આપણા સાર્વભૌમત્વનો સવાલ છે. આપણા પીએમ ‘ક્યારે જાગશે’ અને કહેશે પ્રમુખ ટ્રમ્પ ખોટું બોલે છે? અથવા શું પીએમ મોદીએ મધ્યસ્થીની વાત કરી હતી? તેવું આશ્ચર્ય સૂરજેવાલે વ્યક્ત કર્યું હતું.

READ ALSO

Related posts

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari

તુઘલકાબાદમાં ભડકેલી હિંસાના પગલે ભીમ આર્મીના ચીફ સહિત 91 લોકોની ધરપકડ

Mayur

આ યુનિવર્સિટીમાં એવી રેગિંગ થઈ કે 150 વિદ્યાર્થીઓના મુંડન કરાવી નાખ્યા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!