GSTV

અમેરિકન પ્રમુખની ચૂંટણી પહેલા ટ્રમ્પએ લાગુ કરી ‘અમેરિકન ફર્સ્ટ’ નીતિ,ભારતીય આઇટી કંપનીઓની આશા રોળાશે

Last Updated on June 24, 2020 by pratik shah

અમેરિકામાં આ વર્ષના અંતમાં પ્રમુખપદની ચૂંટણીઓ યોજાવાની છે તેવા સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ચૂંટાઈ આવવાના આશયથી ‘અમેરિકન ફર્સ્ટ’ની નીતિ આગળ કરી છે, જેના ભાગરૂપે ટ્રમ્પે એચ-1બી વિઝા રદ કરવાના જાહેરનામા પર હસ્તાક્ષર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મિત્ર’ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતીય પ્રોફેશનલ્સને મોટો ફટકો પહોંચશે.

આઈટી પ્રોફેશનલ કરતા હોય છે સૌથી વધુ અરજીઓ

ભારતમાં આઈટી પ્રોફેશનલના ક્ષેત્રમાં અમેરિકાના એચ-1બી વિઝા માટે સૌથી વધુ અરજીઓ થતી હોય છે. એચ-1બી વિઝાનું આ કામચલાઉ સસ્પેન્શન વર્ષના અંત સુધી ચાલશે. આ નિર્ણય અમેરિકન કર્મચારીઓના હિતમાં લેવામાં આવ્યો હોવાનું ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું.

સમગ્ર દુનિયાના વ્યાવસાયિકોને ફટકો

અમેરિકાના એચ-1બી વિઝા રદ થવાથી ભારત સહિત સમગ્ર દુનિયાના વ્યાવસાયિકોને ફટકો પહોંચ્યો છે. તેમની અમેરિકામાં નોકરી કરવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકામાં કોરોના વાઈરસ અને આિર્થક સંકટના કારણે મહત્વના ઉદ્યોગોમાં બે કરોડથી વધુ લોકોએ રોજગારી ગુમાવી હોવાથી ‘અમેરિકન ફર્સ્ટ’ની નીતિ હેઠળ આ લોકોને રોજગારી પૂરી પાડવાના આશયથી આ નિર્ણય લેવો ખૂબ જ જરૂરી છે.

સ્થાનિક લોકપ્રિયતા માટે ટ્રમ્પનું પગલું

આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી પ્રમુખ પદની ચૂંટણીમાં સ્થાનિક લોકોમાં પોતાની લોકપ્રિયતા વધુ ફેલાવવાના આશયથી ટ્રમ્પે એચ-1બી વિઝા સહિત કેટલીક અન્ય કેટેગરીના વિઝા કામચલાઉ રદ કરતી વખતે ટ્રમ્પે વિવિધ અમેરિકન વ્યાપારિક સંગઠનો, કાયદાકીય નિષ્ણાતો અને માનવાિધકાર સંસૃથાઓના વિરોધની પણ અવગણના કરી હતી.

જૂનથી અમલ શરૂ, ડિસેમ્બર સુધી રહેશે લાગુ

ટ્રમ્પે સોમવારે એચ-1બી વિઝા રદ કરવાનું જાહેરનામા પર હસ્તાક્ષર કર્યા હતા, જેનો અમલ 24મી જૂનથી થશે અને તે વર્ષના અંત સુધી ચાલશે. હવે ભારતીય આઈટી પ્રોફેશનલ્સે સ્ટેમ્પિંગ પહેલા ઓછામાં ઓછા વર્ષના અંત સુધી રાહ જોવી પડશે. વધુમાં તેમના એચ-1બી વિઝા રીન્યુ કરાવવા ઈચ્છતા ભારતીય આઈટી વ્યાવસાયિકો પર પણ આ નિર્ણયની અસર થશે.

અમેરિકન નોકરીની આશા સેવતા 2.4 લાખ લોકોને અસર

ટ્રમ્પના આ નિર્ણયથી સમગ્ર દુનિયામાંથી અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોતા 2.4 લાખ લોકોની આશા રોળાઈ જશે. વધુમાં આ નિર્ણયથી મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સને એચ-1બી વિઝાથી અમેરિકા બોલાવનારી ભારતીય અને અમેરિકન કંપનીઓના કામકાજ પર પણ પડશે.

સ્કીલ્ડ વર્કર્સની ભરતી માટે અપાય છે એચ-1બી વિઝા

એચ-1બી વિઝા બીન પ્રવાસી વિઝા છે. અમેરિકામાં કામ કરતી કંપનીઓને આ વિઝા એવા સ્કીલ્ડ વર્કર્સની ભરતી માટે અપાય છે, જેમની અમેરિકામાં અછત છે. આ વિઝાની વેલિડિટી છ વર્ષની હોય છે. અમેરિકાની કંપનીઓની માગના કારણે ભારતીય આઈટી પ્રોફેશનલ્સ સૌથી વધુ પ્રમાણમાં આ વિઝા મેળવે છે.

‘અમેરિકન ફર્સ્ટ’ની નીતિ એ ટ્રમ્પને બનાવ્યા સ્થાનિક લોકપ્રિય

એપ્રિલમાં ટ્રમ્પે અમેરિકામાં કામ કરવા ઈચ્છતા વિદેશીઓને નિશાન બનાવતાં ઈમિગ્રેશન જાહેરનામા પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, તેમાં કેટલીક છૂટછાટો અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન પ્રમુખપદની અગાઉની ચૂંટણીમાં પણ ‘અમેરિકન ફર્સ્ટ’ની નીતિ અપનાવવાની જાહેરાત કરી હતી. તેમની આ નીતિએ ટ્રમ્પને સ્થાનિક નાગરિકોમાં ખૂબ જ લોકપ્રિયતા અપાવી હતી.

આ પગલાંથી સ્થાનિક અમેરિકનો માટે ઉભી થશે રોજગારી

ટ્રમ્પે જણાવ્યું હતું કે દેશમાં બેરોજગારીનો દર ફેબ્રુઆરી અને મે 2020 વચ્ચે ચાર ગણો વધ્યો છે. મે 2020માં અમેરિકાનો બેરોજગારી દર 13.3 ટકા હતો, જે એપ્રિલ 2020 કરતાં બેરોજગારી દર ઘટયો હોવાનું દર્શાવે છે. ટ્રમ્પે ઉમેર્યું હતું કે ફેબ્રુઆરી અને એપ્રિલ 2020 વચ્ચે વિવિધ ઉદ્યોગોમાં અંદાજે 1.70 કરોડથી વધુ લોકોએ નોકરી ગુમાવી હતી. વિદેશી પ્રોફેશનલ્સને રોજગારી આપતી વિઝા કેટેગરીઓ પર પ્રતિબંધથી કામદાર બજારમાં કર્મચારીઓની જે અછત ઊભી થશે તે અમેરિકન નાગરિકો પૂરી કરી શકશે.

આ વિઝા કેટેગરીઓ પર પ્રતિબંધ

અમેરિકન તંત્રે એચ-1બી, એચ-4, એચ-2બી વિઝા, જે અને એલ સહિત વિદેશી પ્રોફેશનલ્સને રોજગારી પૂરી પાડતા અન્ય વિઝા પણ કામચલાઉ ધોરણે રદ કરી દીધાં છે. નવા વિઝા પ્રતિબંધોમાં ટ્રમ્પે કંપનીઓમાં કામચલાઉ ટ્રાન્સફર માટેના એલ-1 વિઝા, પ્રોફેશનલ કર્મચારીઓ માટે એચ-1બી વિઝા, એચ1-બી વિઝા ધરાવનારાઓની પત્ની કે પતિને નોકરી કરવાની મંજૂરી આપતા એચ-4 વિઝા, કામચલાઉ બીન કૃષિ કર્મચારીઓ માટે એચ-2બીએસ વિઝા અને એક્સચેન્જ વિઝિટર્સ માટે સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતા જે-1 વિઝાનો સમાવેશ થાય છે. એલ-1 વિઝા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. નવા આદેશમાં અમેરિકામાં કાયદેસર રીતે કાયમી નિવાસ કરતાં વિદેશીઓને ગ્રીન કાર્ડ ઈશ્યુ કરવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. આ આદેશ વર્ષના અંત સુધી અમલમાં રહેશે.

અમેરિકન અર્થતંત્રને બેઠું કરવાનો ટ્રમ્પનો પ્રયાસ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એચ-1બી અને એલ1, સહિતની વિદેશી કર્મચારીઓમાં લોકપ્રિય નોન-ઈમિગ્રન્ટ વિઝા કેટેગરીઓ વર્ષના અંત સુધી રદ કરવાના નિર્ણયની વ્હાઈટ હાઉસે પ્રશંસા કરી હતી. વ્હાઈટ હાઉસના એક અિધકારીએ જણાવ્યું હતું કે, આ અલગ અલગ વિઝા કેટેગરીઓ રદ થવાથી અમેરિકામાં 5,25,000 નોકરીઓ ખાલી થશે, જેનો લાભ અમેરિકામાં લાખો બેરોજગારોને મળશે.

વિદેશી વર્ક વિઝા રદ થતાં 5.25 લાખ નોકરી સર્જાશે : વ્હાઈટ હાઉસ

ટ્રમ્પે વિદેશી વર્ક વિઝા રદ કરતા જાહેરનામા પર હસ્તાક્ષર કર્યા પછી વ્હાઈટ હાઉસમાં એક વરિષ્ઠ અિધકારીએ જણાવ્યું હતું કે, ટ્રમ્પના આ નિર્ણયથી વર્ષ 2020ના બાકીના સમયમાં અંદાજે 5,25,000થી વધુ રોજગારીઓ ખાલી પડશે. એમરિકન અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા પર પ્રમુખ ટ્રમ્પે ધ્યાન કેન્દ્રિત કર્યું છે ત્યારે રોજગારી માટે આ ખૂબ જ મોટી સંખ્યા છે. ટ્રમ્પ તંત્રે ઉમેર્યું હતું કે કોરોના વાઈરસ અને આિર્થક મંદીથી અમેરિકન અર્થતંત્રને ઘણું જ ગંભીર નુકસાન થયું છે ત્યારે તેને ઝડપથી બેઠું કરવા માટે પ્રમુખ ટ્રમ્પ પાસે આ જ એકમાત્ર વિકલ્પ છે.

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!