GSTV

ત્રિપુરામાં ભાજપની ધમાકેદાર જીત પાછળ છે આ કારણો જવાબદાર

Last Updated on March 3, 2018 by

ઈશાન ભારતના આઠ રાજ્યોમાં ત્રિપુરા ડાબેરીઓનો ગઢ ગણાતો હતો. પરંતુ 2018ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સાથે ત્રિપુરામાં ભાજપે 25 વર્ષ જૂના ત્રિપુરાના લાલ કિલ્લાને ધ્વસ્ત કર્યો છે. ત્રિપુરામાં ભાજપની જીતથી ડાબેરીઓને આંચકો લાગ્યો છે અને રાજકીય વર્તુળોમાં ભાજપના શૂન્યમાંથી અહીં થયેલા સત્તા પ્રાપ્તિના સર્જન પર આશ્ચર્ય પણ વ્યક્ત થઈ રહ્યું છે. પરિણામો બાદ હવે ત્રિપુરામાં ભાજપની જીતના કારણોની ચર્ચાઓ શરૂ થઈ છે.

ઈશાન ભારતના આઠ રાજ્યોમાં ત્રિપુરા વિધાનસભાના ચૂંટણી પરિણામો અલગ અને આગવા બંને છે. અહીં ભાજપે ડાબેરીઓનો લાલકિલ્લો ધ્વસ્ત કરવામાં સફળતા મેળવી છે. સ્વચ્છ છબી છતાં માણિક સરકારના નેતૃત્વમાં ત્રિપુરામાં સીપીએમની હાર ઘણાં રાજકીય સંદેશાઓ આપી રહી છે. ત્રિપુરામાં ડાબેરીઓની હારના કારણો પર પણ એક નજર કરવા જેવી છે.

ત્રિપુરામાં ડાબેરી મોરચાની સરકાર ગત પચ્ચીસ વર્ષોથી સત્તામાં છે. માણિક સરકાર વીસ વર્ષ જેવા લાંબા સમયથી રાજ્યના મુખ્યપ્રધાન રહ્યા હતા. જેથી ત્રિપુરામાં ડાબેરીઓ અને માણિક સરકાર એમ બંને વિરુદ્ધ સત્તાવિરોધી લહેર કામ કરી રહી હતી. જનતાને પરિવર્તન જોતું હતું અને વિકલ્પ તરીકે ભાજપને ચૂંટવું તેમને એક બહેતર વિકલ્પ હોવાનું લાગ્યું છે.

કોંગ્રેસે ત્રિપુરાની વિધાનસભાની ચૂંટણીને ખૂબ જ હળવાશથી લીધી હતી. કોંગ્રેસે અહીં મજબૂતાઈ અને આક્રમકતાથી ચૂંટણી પ્રચાર અભિયાનમાં ભાગ લીધો નથી. એક રીતે કોંગ્રેસે ત્રિપુરામાં હથિયાર નાખી દીધા અને તેનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે. ત્રિપુરામાં મુકાબલો સીધેસીધો સીપીએમ અને ભાજપ વચ્ચે જ રહી ગયો હતો.

ભાજપનું ત્રિપુરા ખાતેનું ચૂંટણી પ્રચાર અભિયાન ખૂબ જ આક્રમક હતું. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મુખ્ય કેમ્પેનર રહ્યા હતા. તેમના સિવાય ઘણાં ભાજપશાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનો પણ પ્રચાર અભિયાનમાં સામેલ થયા હતા.

ઈશાન ભારતના છેડે આવેલા ત્રિપુરા રાજ્યમાં બાંગ્લાભાષીઓની ઘણી મોટી વસ્તી છે. માનવામાં આવે છે કે આ વસ્તીએ ભાજપની તરફેણમાં મતદાન કર્યું છે. તેમના સિવાય આદિવાસી સમુદાયમાં પણ આ વખતે ભાજપે પકડ જમાવી છે. ત્રિપુરામાં ભાજપે સૌથી વધારે આદિવાસી વોટરો પર ધ્યાન આપ્યું છે.. કારણ કે 30 ટકા માત્ર ટ્રાઈબલ છે અને ટ્રાઈબલની વીસ બેઠકો ત્રિપુરામાં ડાબેરીઓનો ગઢ હતો.

માણિક સરકારની સ્વચ્છ છબીને ત્રિપુરાના લોકો પસંદ કરતા હતા. પરંતુ તેની સાથે જ ત્રિપુરાવાસીઓને 20 વર્ષના માણિક સરકારના શાસનમાં રાજ્યનો અપેક્ષિત વિકાસ થઈ શક્યો નથી. વડાપ્રધાન મોદીએ પોતાની રેલીઓમાં ત્રિપુરાવાસીઓમાં આશા જગાવી હતી કે ભાજપની સરકાર બનશે તો રાજ્યમાં વિકાસ ગતિ પકડશે.

વિધાનસભાની ચૂંટણી પહેલા જ ત્રિપુરામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પાર્ટીનો સાથ છોડયો હતો. તેમાથી ઘણાં ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા હતા અને ચૂંટણીમાં કોંગ્રેસ પાસે રાજ્યમાં કોઈ મુખ્ય ચહેરો બચ્યો ન હતો. આનો ફાયદો ભાજપને મળ્યો. ગત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપુરા ખાતે કોંગ્રેસને 35 ટકા વોટ પ્રાપ્ત થયા હતા.

મહત્વપૂર્ણ છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં ત્રિપુરામાં ડાબેરીઓને 51 ટકા વોટ મળ્યા હતા. લેફ્ટ એક કાડર બેસ પાર્ટી છે અને ભાજપની કાડરે ત્રિપુરામાં તેમના પડકારોનો આકરો મુકાબલો કર્યો છે. 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ત્રિપુરામાં માત્ર બે  ટકા વોટ મળ્યા હતા. બાદમાં ભાજપે જમીની સ્તરે કામ કર્યું અને નિગમની ચૂંટણીઓમાં 221 બેઠકો જીતવામાં સફળતા મળી હતી.  આ સિવાય ત્રિપુરામાં ડાબેરીઓના ગઢમાં દક્ષિણપંથી આકાંક્ષાઓએ પણ ઘણાં મોટા ગાબડા પાડયા છે. ઈશાન ભારતના સૌથી મોટા રાજ્ય આસામમાં ભાજપની સરકાર છે અને તેની અસર પણ ઈશાન ભારતના અન્ય રાજ્યોની રાજનીતિ પર પડી છે.

Related posts

ભારતે બનાવેલા સલામ ડેમ પર તાલિબાનનો હુમલો, અફઘાન સેનાના પ્રહાર બાદ જીવ બચાવી ભાગ્યા હુમલાખોરો

pratik shah

… તો શું હવે મતદાન કરવા માટે જરૂરી હશે આધાર? જાણો શું છે મોદી સરકારની તૈયારી

Pritesh Mehta

Video / ભારતે પ્રથમવાર વિમાનવાહક જહાજ INS Vikrant તૈયાર કર્યું, કોચીના સમુદ્ર કાંઠે ચાર દિવસના પરીક્ષણનો પ્રારંભ : ચીન-પાકિસ્તાનને ભારે પડશે

Lalit Khambhayata
Do NOT follow this link or you will be banned from the site!