GSTV
Home » News » ટ્રિપલ તલાકનો ચુકાદો આપનાર ખંડપીઠમાં હતા અલગ-અલગ ધર્મના પાંચ જજો, જુઓ કોણ છે?

ટ્રિપલ તલાકનો ચુકાદો આપનાર ખંડપીઠમાં હતા અલગ-અલગ ધર્મના પાંચ જજો, જુઓ કોણ છે?

ત્રણ તલાક કેસ મામલે સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની ખંડપીઠે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠના પાંચેય જજો અલગ-અલગ ધર્મો સાથે સંબંધ ધરાવે છે. 11 મેથી 18 મેના રોજ દૈનિક સુનાવણી બાદ અનામત રાખેલો ચુકાદો ફરમાવતા સુપ્રીમ કોર્ટની ખંડપીઠના પાંચેય ન્યાયાધીશોએ ચુકાદામાં પોતપોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા.

22 ઓગસ્ટનો દિવસ ભારતીય મુસ્લિમ મહિલાઓ માટે ખરેખર ઐતિહાસિક દિવસ છે. 22 ઓગસ્ટે ત્રણ તલાક મામલે પાંચ અલગ-અલગ ધર્મોના ન્યાયાધીશોની ખંડપીઠે ચુકાદો ફરમાવ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમુદાયમાં નિકાહ તોડવા માટે ત્રણ તલાકને સૌથી ખરાબ પદ્ધતિ ગણાવી છે અને તે બિનજરૂરી હોવાનું પણ માન્યું છે.

સુપ્રીમ કોર્ટે સવાલ પણ કર્યો છે કે શું જે ધર્મ પ્રમાણે ધૃણાસ્પદ છે. તે કાયદા હેઠળ યોગ્ય ઠેરવી શકાય છે? આ ચુકાદા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં પાંચેય જજોની પૃષ્ઠભૂમિ રસપ્રદ રહી છે.

જસ્ટિસ જગદીશસિંહ ખેહર :

શીખ સમુદાય સાથે સંબંધ ધરાવતા દેશના પહેલા મુખ્ય ન્યાયાધીશ છે. તેઓ સુપ્રીમ કોર્ટના 44મા મુખ્ય ન્યાયાધીશ છે. 2011માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા હતા અને તેઓ 27 ઓગસ્ટે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે.

જસ્ટિસ કુરિયન જોસેફ :

કેરળથી આવતા જસ્ટિસ કુરિયન જોસેફ ખ્રિસ્તી સમુદાયમાંથી આવે છે. 1979માં કેરળ હાઈકોર્ટમાં તેમણે વકીલાત શરૂ કરી હતી. 2000માં કેરળ હાઈકોર્ટના તેઓ ન્યાયાધીશ બન્યા હતા. કેરળ હાઈકોર્ટમાં જસ્ટિસ કુરિયન બે વખત કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પણ બન્યા હતા. 2010થી 2013 દરમિયાન તેઓ હિમાચલ પ્રદેશની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. 8 માર્ચ-2013ના રોજ જસ્ટિસ કુરિયન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા અને તેઓ 29 નવેમ્બરે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે.

જસ્ટિસ રોહિંગ્ટન ફલી નરીમન :

1956માં જન્મેલા જસ્ટિસ નરીમન માત્ર 37 વર્ષની વર્ષની ઉંમરે સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ બન્યા હતા. જો કે હાલ આ પદ માટે 45 વર્ષ લઘુત્તમ વય જરૂરી બનાવાઈ છે. પરંતુ જસ્ટિસ વેંકટચેલૈયાએ નરીમન માટે નિયમોમાં સંશોધન કર્યું હતું. પશ્ચિમી શાસ્ત્રીય સંગીતમાં જસ્ટિસ નરીમન રસ ધરાવે છે અને તેની ખૂબ સારી જાણકારી પણ ધરાવે છે. જસ્ટિસ નરીમન પ્રકૃતિ પ્રેમી પણ છે.

જસ્ટિસ ઉદય ઉમેશ લલિત :

1957માં જન્મેલા હિંદુ સમુદાયમાંથી આવતા જસ્ટિસ યૂ. યૂ. લલિતે 1983માં બોમ્બે હાઈકોર્ટમાં વકીલાતની શરૂઆત કરી હતી. એપ્રિલ-2004માં તેઓ સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ બન્યા હતા. 2જી સ્પેક્ટ્રમ ગોટાળાના મામલામાં સીબીઆઈ તરફથી તેઓ વિશેષ પ્રોસિક્યૂટર પણ રહ્યા હતા. 2014માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા અને તેઓ 2022માં સેવાનિવૃત્ત થવાના છે.

જસ્ટિસ એસ. અબ્દુલ નજીર :

1958માં જન્મેલા જસ્ટિસ નજીર મુસ્લિમ સમુદાયમાંથી આવે છે અને તેમણે 1983માં કર્ણાટક હાઈકોર્ટમાંથી વકીલાતની શરૂઆત કરી હતી. 2003માં કર્ણાટક હાઈકોર્ટના તેઓ અધિક ન્યાયાધીશ પણ બન્યા હતા અને 2004માં તેઓ કાયમી ન્યાયાધીશ તરીકે નિમણૂક પણ પામ્યા હતા. 2004ના ફેબ્રુઆરીમાં જસ્ટિસ નજીર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા હતા.

Related posts

સાઉથ આફ્રિકા સામે ભારતને ઘરઆંગણે ટ્વેન્ટી-20માં સૌપ્રથમ વિજયની તલાશ

Bansari

ઝિમ્બાબ્વે સામે અફઘાન બેટ્સમેનોના સતત ૭ બોલમાં ૭ છગ્ગા : ૮ બોલમાં ૪૭ રન ફટકાર્યા

Bansari

ધોનીની નિવૃત્તિની અટકળો શરૃ કરવાનો ઈરાદો નહતો : કોહલીનો મોટો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!