GSTV

Travel Diary-1/ અમદાવાદથી લદ્દાખ વાયા જમ્મુ-કાશ્મીર : બાઈક દ્વારા રોમાંચક પ્રવાસની એકલવીરની કહાની

Last Updated on July 28, 2021 by Lalit Khambhayata

Travel Diary : બાઈક દ્વારા દુરનો પ્રવાસ કરવો એ આજના યુવાનોનો એક મહત્વપૂર્ણ શોખ છે. અમદાવાદથી લદ્દાખ સુધી બાઈક લઈને જવાનું થાય તો કેવા અનુભવ થાય અને શું તૈયારી કરવી જોઈએ એ અહીં હપ્તાવાર રજૂ કરવામાં આવશે.

૧૬ ઓક્ટોબર, ઈ.સ. ૨૦૧૮ના રોજ ફેસબુક ઉપર એક પોસ્ટ જોઈ. એક ઝડપે વાંચી ગયો. બુલેટ ઉપર રાજકોટથી લદ્દાખ જવાની વાત હતી. મારો મિત્ર હોવાથી મેં તેને પૂછ્યું કે, “હું આવી શકું?” એણે હા પાડી. ફોન પર વિગતવાર ચર્ચા થઈ અને આ રીતે અચાનક લદ્દાખ જવાનું નક્કી થયું.

રાજકોટથી એ ત્રણ લોકો હતા અને હું એક અમદાવાદથી. એ લોકો બુલેટ લઈને આવવાના હતા. જયારે મારી પાસે હોન્ડાની ૧૨૫ સીસીની શાઈન બાઈક હતી.

હું છેલ્લા આઠેક વર્ષથી મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાતમાં ફરી ફરીને અનેક જગ્યાઓએ બાઈક પર અનેકવાર લાંબી મુસાફરીઓ સિક્કાઓ ભેગા કરવા અને ગુજરાતની આજુબાજુનો પ્રદેશ ફરવા તેમજ ભૌગોલિક, સામાજિક અને આર્થિક વિકાસની સ્થિતિ જાણવાના હેતુથી કરેલી. જેમાં દિવસના સરેરાશ ૪૦૦થી ૫૦૦ કિમી ફરવું અને ગામડાંઓ ખૂંદીને સંશોધન-સંગ્રહ માટે સિક્કાઓ ભેગા કરવા મારા માટે સામાન્ય હતું. હવે મનને કંઈક નવું જોઈતું હતું.

પાછલા વર્ષે એક સંસ્થા દ્વારા નૈનિતાલના ગ્રુપ પ્રવાસમાં ગયેલો. જે બહુ જ સસ્તામાં પૂર્ણ થયેલો. એટલે મને ખબર પડી કે દૂરના પ્રવાસ કંઈ એટલા મોંઘા નથી હોતા જેટલા આપણે સમજીએ છીએ. યોગ્ય આયોજન કરીએ તો પ્રવાસ ઘણો સસ્તો પડતો હોય છે. નૈનિતાલ, કૌસાનીના પ્રવાસ પછી તો મને હિમાલયના  હિલ સ્ટેશનો પર  ફરવા જવાનો ચસકો લાગ્યો. ત્યારબાદ મનાલીમાં ૧૦ દિવસનો ટ્રેકિંગ કેમ્પ, પછી સિક્કિમનો પ્રવાસ પણ ગોઠવ્યો, માઉન્ટ આબુ તો આપણું ઘરનું હિલ સ્ટેશન જ કહેવાય, ત્યાં પણ એ જ વર્ષે જઈ આવ્યો, આમ તો આબુ ૨૦થી વધારે વાર ગયેલો છું, જેમાં દરેક વખતે ગૂગલ મેપમાંથી અજાણી જગ્યાઓ શોધીને અહીં ફરેલો. જંગલમાં રીંછ જોવા માટે ગાઈડ અને સરકારી પરમિટ લઈને પણ ઘણી વાર ગયેલો. આ દરેક પ્રવાસોમાં ક્યાંય મારી બાઈક નહોતી. બધું ટ્રેન, પ્લેન, બસ કે  ટેક્ષી દ્વારા અગાઉથી નક્કી કરેલ જગ્યાએ ફરવાનું હતું.

જયારે લદ્દાખની સફર અલગ હતી. અમદાવાદથી  લદ્દાખ વાયા શ્રીનગર આશરે ૨૨૦૦ કિલોમીટરનું અંતર અને એ પણ નાનકડી બાઈક દ્વારા!! વળી, સમાચારપત્રોમાં એ સમયે કાશ્મીરની આતંકવાદી ઘટનાઓના સમાચારો આવતા, એટલે મનમાં કાલ્પનિક ભય તો હોય જ! એટલે એકલા જવાના બદલે મિત્રોની સાથે ગ્રુપમાં જવાનું નક્કી કર્યું.

લદ્દાખની સફર કરવાનો અનુકુળ સમય જૂનથી ઓક્ટોબર સુધીનો હોય છે. એટલે અમારી પાસે તૈયારી કરવાનો સારો એવો સમય હતો. લદ્દાખ જવાનો દિવસ જેમ જેમ નજીક આવતો ગયો, તેમ તેમ જરૂરી સામાન ખરીદવાની તૈયારી પણ કરવા લાગ્યા. બુટ, સેડલ બેગ, ડફલબેગ, ઘૂંટણની સુરક્ષા કરતું ની ગાર્ડ, હેલ્મેટ,  રેઈનકોટ, જેકેટ, થર્મલ કપડાં, હેન્ડ ગ્લોવ્સ, બાલાક્લાવા, ડ્રાય ફ્રુટવાળી ચોકલેટ, પાણીની સ્ટીલની બોટલ, જરૂરી દવાઓ, પંક્ચર કીટનો સામાન, પાના-પક્કડ, હવા પૂરવાનો પંપ, વગેરે. કોઈ વસ્તુ માફક ન આવતા બદલાવીને બીજી સાઈઝની પણ લઈ આવેલો, કારણ કે સમય તો હતો જ. જતા અગાઉ બાઈકની સર્વિસ કરાવી, ઓઈલ બદલાવ્યું, રાત્રિ સફરમાં વધારે પ્રકાશ મળે એ માટે ફોગ લેમ્પ, સાઈડ  લાઈટમાં ફ્લેશર લાઈટ થાય તેની સર્કિટ અને સ્વીચ નંખાવી. લેહ પહોંચતા સુધીમાં તો આ ફ્લેશર લાઈટે મારાં માટે બહુ મોટી મુસીબત ઉભી કરેલી.

પહેલી વાર બાઈક લઈને બર્ફિલા વિસ્તારના પ્રવાસે જતા હોઈએ ત્યારે અમુક સામાન પ્રથમવાર ખરીદવો પડે, એટલે પ્રવાસનો ખર્ચ વધારે આવે અને વસ્તુ પસંદ કરતા સમય પણ ઘણો બધો થાય. પણ એ સામાન સાચવીને મૂકી રાખીએ તો બીજા પ્રવાસમાં ખર્ચ અને ખરીદીનો સમય બચી જાય અથવા ભવિષ્યમાં બીજા કોઈ મિત્રને પણ આપી શકાય. બાઈક ઉપર લદ્દાખ જવું હોય તો તેની તૈયારી અલગ રીતે જ કરવાની હોય છે.

ઉપરોક્ત જરૂરી વસ્તુનું લિસ્ટ ઉપરાંત કઈ વસ્તુ લઈ જવી, કઈ ન લઈ જવી, શું કરવું, શું ન કરવું, લદ્દાખમાં ફરવાની પરમિટ, પ્રવાસમાં પેટ્રોલનો ખર્ચ, બજેટ (સસ્તી) હોટલમાં ક્યાં રોકાવું, ક્યાં જમવું, લદ્દાખના પેટ્રોલ પંપનું લિસ્ટ વગેરે નાનામાં નાની બાબતો પર ધ્યાન પ્રથમવાર જનારને બહુ જ આપવું પડે છે, મેં એક વિસ્તૃત લિસ્ટ એવી રીતે બનાવ્યું છે કે જેનાથી પહેલીવાર લદ્દાખ જનારનો પ્રવાસ એકદમ સરળ થઈ જશે. આયોજનનો ઘણો સમય બચી જશે, નાનામાં નાની વિગતો આગળ આપવામાં આવશે. મારે પણ ઘણાં બધાં લોકોને પૂછવું પડેલું, ગૂગલ મેપ પર મહિનાઓ સુધી રસ્તાઓ જોવા પડેલા અને એ પ્રમાણે રૂટ બનાવવો પડેલો, ત્યારે જ આ પ્રવાસ સરળ બનેલો.

રાજકોટથી આવનારા મિત્રો જમ્મુ સુધી ટ્રેનમાં બુલેટ ચડાવીને એ જ ટ્રેનમાં આવવાના હતા. આથી, મેં પણ અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર રૂબરૂ પુછપરછ કરતાં એવું કહ્યું કે, જે દિવસે ટ્રેન હશે એ જ દિવસે એ જ ટ્રેનમાં બાઈક મૂકવાની અને એ જ ટ્રેનમાં તમે સફર કરતા હોવા જોઈએ. અમદાવાદથી વહેલી સવારની ટ્રેન હતી, લદ્દાખ માટેનો સામાન અલગ હોય, વળી વહેલી સવારે સ્ટેશન પર પહોંચીને બાઈકનું પેકિંગ કુલી દ્વારા કરાવવાનું, ૩૦૦૦ રૂપિયા જેટલો બાઈકના ટ્રાન્સપોર્ટનો ખર્ચ, કુલીનો પેકિંગ કરાવવાનો ખર્ચ અલગ અને મારી ટ્રેનની ટિકિટ તો અલગ જ. એટલે મેં ગણતરી કરી કે હું અમદાવાદથી જમ્મુ બાઈક લઈને ત્રણ દિવસે પહોંચું તો પણ પેટ્રોલ, હોટલમાં રહેવા-જમવાનો આટલો બધો ખર્ચ ન થાય. વળી, અત્યાર સુધી રસ્તા દ્વારા જોધપુરથી આગળ હું ક્યારેય ગયો નહોતો. એટલે આગળના રસ્તાઓ, સ્થાનિક સંસ્કૃતિ, મારા ભવિષ્યના સંશોધન માટેનું ભૂપૃષ્ઠ, ત્યાંનો વિકાસ, ખુલ્લો મેદાની પ્રદેશ, મે મહિનાની રાજસ્થાનની ગરમી અને ત્યાંનું રણ, મેવાડ-મારવાડ અને રાજસ્થાન-પંજાબ રાજ્યની સરહદ વચ્ચેનો બદલાવ વગેરે જોવા-જાણવા-અનુભવવા મળે એટલે અમદાવાદથી બાઈક પર જ જવાનું નક્કી કર્યું, વહેલી સવારે ટ્રેનના સમયે અનુકુળ થવું મને અઘરું લાગ્યું.

એક મજાનો પ્રસંગ તમને જણાવું. રાજકોટના ખાવા-પીવાના શોખીન મિત્રોએ બુલેટની પાછળ લોખંડનું કેરિયર બનાવીને તેના પર લોખંડની સુટકેસ મૂકવાનું નક્કી કર્યું અને તેમાં રસોડાનો સામાન તેલ-ઘી, લોટ, મીઠું, મરચું, હળદર, મસાલા વગેરે, વળી ચા પીવાની આદત હોવાથી ચા બનાવવાનો સામાન અને ગેસ સ્ટવ લેવાનું નક્કી કર્યું. ત્યારે મેં વિચાર્યું કે આ લોકો બરફની વચ્ચે ક્યાં જમવાનું બનાવશે? વળી, આજે તો ઘણી બધી સુવિધાઓ લદ્દાખમાં મળી જ રહે છે. એટલે મેં મિત્રોને સમજાવ્યા, પણ ન માન્યા. મેં વિચાર્યું કે આપણે જમવા જઈએ છીએ કે કુદરતને માણવા? આમાં તો સમય બગડશે.

જયારે ફેસબુકના એક ગ્રુપમાં એમણે બુલેટનો કેરિયર અને પટારા સાથેનો ફોટો મૂક્યો ત્યારે જે મજાક થઈ અને જે કોમેન્ટ્સ આવી હતી, એ હસવા લાયક હતી. કારણ કે હજુ સુધી કોઈએ આવું કર્યું નહોતું. ખાસ ટેકનીકલ કોમેન્ટ્સમાં એવું હતું કે, તમે બુલેટમાં ડબલ સવારી જવાના અને તેની પાછળ કેરિયર અને તેના ઉપર સામાન ભરેલી સુટકેસ હશે. આથી, બુલેટની લંબાઈ અને પાછળના ભાગે વજન વધી જશે, બુલેટ ખાડામાં પછડાશે ત્યારે અને વિશ્વના ઊંચા મોટરેબલ બરફના રસ્તા પર ચલાવતી વખતે બુલેટ આગળથી ઊંચી થઈ જશે, બેલેન્સ રહેશે નહિ, લપસી જવાશે અને પડી જવાનો ખતરો ઉભો થશે. આખરે હાસ્યાસ્પદ થતા એ ભાઈએ પોસ્ટ જ ડિલીટ કરી નાંખી અને રસોડું લઈ જવાનો કાર્યક્રમ પડતો મૂક્યો. કેરિયર અને લોખંડની સુટકેસ બનાવવાનો ખર્ચો એમને માથે પડ્યો.

પ્રવાસીઓ માટે વાહન દ્વારા લદ્દાખ જવા માટેનો અનુકુળ સમય જૂનથી ઓક્ટોબર સુધીનો, પછી બરફ વર્ષા શરૂ થતાં રસ્તા બંધ થઈ જવાથી માત્ર હવાઈમાર્ગે જ ત્યાં પહોંચી શકાય. એપ્રિલ-મે મહિનામાં ઊંચા ઘાટના રસ્તા પર જામેલા બરફ હટાવવાની કામગીરી ચાલતી હોય છે. બરફ ખસેડાય પછી જ રસ્તો ખુલે. લેહમાં જૂન, જુલાઈ સુધી વાતાવરણ સૂકું અને બહારના મુલાકાતીઓ માટે ઉત્તમ. તે પછી વરસાદની સિઝન શરૂ થતા અને બરફ ઓગળતા રસ્તા કિચ્ચડવાળા થતા હોય છે, જેના લીધે બાઈકર્સને કેટલીક જગ્યાએ પાણીના વહેણ ઓળંગવા મુશ્કેલ થઈ જતા હોય છે. તેમજ બાઈક લપસી જવાનો ભય રહે. વળી, શિયાળામાં રોડ ઉપર આછો બરફનો થર જામેલો હોય અને એ બરફ ન દેખાય તો ઝડપથી ચાલતી બાઈક સ્લીપ થતાં, મોટો અકસ્માત થાય છે, એ બરફને બ્લેક આઈસ કહેવામાં આવે છે.

 રાજકોટના મિત્રો તો માર્ચ મહિનામાં જ જવા માટે ઉતાવળા હતા, પણ શ્રીનગરથી લેહ જતાં ઝોઝી લા નામનો એક ઘાટ આવે છે, એ શિયાળાની બરફ વર્ષાને લીધે હજુય બંધ હતો. (‘લા’ એટલે પાસ કે ઘાટ. અહીં હિમાલયમાં પહાડને ઓળંગવા માટેનો જે રસ્તો હોય છે, એને ‘લા’ કહેવામાં આવે છે. આવા અહીં ઘણાં લા એટલે પાસ કે ઘાટ છે.) લેહ પહોંચવા માટે બીજો રસ્તો મનાલી થઈને જવાય છે, અહીં પણ રોહતાંગ લા અને બારાલાચા લા બંધ હતો. બીઆરઓ (બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન) દ્વારા બરફ ખસેડવાની કાર્યવાહી ચાલુ જ હતી. આખરે ખબર પડી કે ઝોઝી લાનો રસ્તો ખુલી ગયો છે, એટલે અમે શ્રીનગરના રસ્તેથી જવાનું નક્કી કર્યું.

જો કે હવે રોહતાંગ લા પસાર કરવા માટે અટલ ટનલ બની ગઈ છે, પણ મનાલીથી લેહ જતા હજુ પણ આગળ બીજા ૨-૩ પાસ આવે છે, ત્યાં બરફવર્ષાને લીધે ૫-૬ મહિના રસ્તો તો બંધ જ રહેવાનો. આ ટનલનો રસ્તો બારેય મહિના ખુલ્લો થવાથી હિમાચલ પ્રદેશના લાહોલ- સ્પિતિ જીલ્લાના સ્થાનિક લોકોને ઘણો ફાયદો થવાનો.

પ્રથમવાર જે લોકો લેહ (લદ્દાખ) જતા હોય એ લોકોએ શ્રીનગર થઈને લેહ જવું હિતાવહ છે. કારણ કે આ રસ્તેથી ધીમે-ધીમે પહાડોની ઊંચાઈ વધે છે અને વ્યક્તિના શરીરને વાતાવરણ સાથે અનુકુળ થવાનો પુરતો સમય મળી રહે છે. જયારે, મનાલીથી લેહના માર્ગે જવાથી એકદમ ઊંચાઈ પર આવી જવાથી વ્યક્તિના શરીરને વાતાવરણ સાથે સેટ થવાનો પૂરતો સમય ન મળતા માથું ભારે લાગવું, ઉલ્ટી થવી (વોમિટીંગ), ચક્કર આવવા અને ખાસ શરીરમાંથી ઓક્સિજન ઘટી જવાની સમસ્યાઓ થવાની શક્યતા રહે છે. અહીં વાઈન પીવાથી પણ મસ્તિષ્ક પર ખરાબ અસર થઈ શકે છે, એ ધ્યાન રાખવું.

મને ફ્રી સમય મળ્યો ત્યારે અનેકવાર કોમ્પ્યુટરમાં ગૂગલ અર્થ નામના પ્રોગ્રામમાં લદ્દાખના રસ્તાઓ જોયા અને સ્થળના નામ અને જવા આવવા માટેનો એક રૂટ બનાવ્યો. ઉપરાંત એક જગ્યાએથી બીજી જગ્યાના અંદાજીત કિલોમીટર પણ કાગળ પર લખ્યા. લદ્દાખ પરના કેટલાંક વિડિયો પણ જોયેલાં, જેથી કરીને કોઈ સ્થળ રહી ન જાય. તેમ છતાં કલ્પના અને ત્યાંની રૂબરૂ હકીકત ઘણી અલગ હતી.

લદ્દાખ જવાની બધી જ તૈયારીઓ પૂર્ણ થઈ ચુકેલી. મે મહિનાની ગુજરાતની કાળઝાળ ગરમી છોડીને અમારે વહેલાં નીકળી જવું હતું, પણ ત્યાં બર્ફિલા રસ્તા હજુય ખુલ્યા નહોતા. ઝોઝી લાનો રસ્તો ખુલે પણ બરફ ધસી પડવાને લીધે પાછો બંધ થઈ જતો હતો. મિત્રોએ તો એક વાર ટ્રેનની ટિકિટ પણ કેન્સલ કરાવી અને મે મહિનાના અંતની ટિકિટ કરાવી દીધેલી. તો પણ મે મહિનામાં રસ્તો ખુલે એવું લાગતું નહોતું. છતાં પણ રસ્તો ખુલે કે ન ખુલે અહીંથી નીકળી જ જવું એવું નક્કી કરી લીધેલું. આખરે સમાચાર મળ્યા કે મે મહિનાના અંતમાં ઝોઝી લા ખુલી ગયો છે. મિત્રો રાજકોટથી ટ્રેનમાં બેઠા એના બે દિવસ અગાઉ હું અમદાવાદથી નીકળી ગયેલો. કારણ કે ટ્રેન રોકાયા વગર ચાલવાની હતી, જયારે મારી બાઈક દિવસે જ ચાલવાની અને બાઈકની તેમજ વ્યક્તિની એક મર્યાદા હતી. મારે રાત્રિ આરામ કરવો જરૂરી હતો.

સંપૂર્ણ તૈયારી થઈ જતા આગળના દિવસે બાઈક પર સામાન ગોઠવી, મજબૂત સ્પ્રિંગથી બાંધીને અમદાવાદમાં જ ૪-૫ કિમીની ટ્રાયલ લઈ લીધી, ખાડામાં પણ બાઈક ચલાવી જોઈ. સામાન મજબૂત રીતે બરાબર બંધાયેલો હતો. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. બીજા દિવસે વહેલી સવારે અમદાવાદથી જમ્મુ જવા માટે એકલો નીકળી પડ્યો. (ક્રમશ:)

Related posts

Travel Diary-7 / આગળ હવે ઊંચાઈ પર જવાનું હોવાથી બાઈકના કાર્બોરેટરમાં એર સેટિંગ કરાવવાનું જરૂરી હતું

Lalit Khambhayata

મોટર ઇન્શ્યોરન્સ / શું કુદરતી આફતના કારણે કારને થતા નુકશાન પર મળે છે ક્લેમ? જો નથી તો આ આર્ટિકલ તમારા માટે જ છે

Zainul Ansari

વાહનચાલકોને સરકારે આપી મોટી રાહત: ડ્રાઈવીંગ લાયસન્સ, આરસી, ફિટનેસ સર્ટિફિકેટ સહિતના આ નિયમોમાં આપી સપ્ટેમ્બર સુધીની છૂટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!