બાલાકોટ એર સ્ટ્રાઇક અંગે કોંગ્રેસની પ્રતિક્રિયાથી દુઃખી થઇને આ કદાવર નેતાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું, કર્યો ભગવો ધારણ

Tom Vadakkan

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો આંચકો આપતા કોંગ્રેસ પ્રવક્તા અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના એક સમયના નજીકના સહયોગી ટોમ વેડક્કન કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા છે. 

ભાજપમાં જોડાયા પછી વેડક્કને જણાવ્યું હતું કે બાલાકોટ એર સ્ટ્રાઇક પછી કોંગ્રેસની પ્રતિક્રિયાથી દુઃખી થઇને મેં પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. 

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપમાં જોડાયા પછી વડક્કન ભાજપ પ્રમુખ અમિત શાહને પણ મળવા ગયા હતાં. કોંગ્રેસે સંરક્ષણ દળોની અખંડિતતા પર પ્રશ્રો ઉઠાવતા મને ખૂબજ દુઃખ થતાં મેં પક્ષ છોડવાનો નિર્ણય લીધો હતો. 

પાકિસ્તાને આપણી જમીન પર હુમલો કર્યો હતો અને કોંગ્રેસે આ અંગે આપેલી પ્રતિક્રિયા ખરેખર દુઃખદ હતી. 

તેમણે પત્રકારો જણાવ્યું હતું કે હું ખૂબ જ ભારે હૃદયે કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યો છું. જો કોઇ પાર્ટી દેશના હિતો વિરુદ્ધ કાર્ય કરે તો તે પક્ષને છોડવા સિવાય અન્ય કોઇ વિકલ્પ રહેતો નથી. 

કોંગ્રેસમાં રાહુલ ગાંધીના નેતૃત્ત્વ પર પરોક્ષ હુમલો કરતા વડક્કને જણાવ્યું હતું કે મેં પક્ષને મારા જીવનના ૨૦ વર્ષ આપ્યા પણ હવે મારી સાથે ‘યુુઝ એન્ડ થ્રા’ેની નીતિ અપનાવવામાં આવી રહી હતી. 

વડક્કનના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસે જણાવ્યું છે કે અત્યાર સુધી તેઓ વડાપ્રધાન મોદીની ટીકા કરતા હતા હવે તેમના પક્ષ સાથે જ જોડાઇ જતાં અમને દુઃખ થયું છે. 

કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ જણાવ્યું હતું કે અમે તેમને શુભેચ્છા પાઠવીએ. અમને તેમના જવાનું દુઃખ છે. આશા રાખીએ કે ત્યાં તેમની આકાંક્ષાઓ પૂર્ણ થશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter