GSTV

ટોક્યો ઓલિમ્પિક્સ/ ગોલ્ડ મેડલ જીતવા માટે આ એથલીટ્સ પ્રબળ દાવેદારો, જાણો લિસ્ટમાં કેટલાં ભારતીય

ઓલિમ્પિક્સ

Last Updated on July 23, 2021 by Bansari

કેટલાય સમયથી જેની પ્રતિક્ષા થઇ રહી હતી તેવા ટોક્યો ઓલિમ્પિક્સ 2020 રમતોત્સવનો ભારતીય સમયાનુસર આજે સાંજે 4:30 કલાકે યોજાનારા ઉદ્ઘાટન સમારંભ સાથે પ્રારંભ થઇ રહ્યો છે. જોકે, આ કાર્યક્રમ જાપાનની રાજધાનીમાં નવનિર્મિત રાષ્ટ્રીય સ્ટેડિયમમાં યોજવામાં આવશે અને કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને ઉદ્ઘાટન કાર્યક્રમ નાનો તેમજ સાદાઇપૂર્વક યોજવામાં આવશે. જાપાને જાહેરાત કરી છે કે, ખેલાડીઓ ખાલી સ્થળોએ સ્પર્ધાઓમાં ભાગ લેશે જેથી મહામારીના કારણે તેમના આરોગ્ય સંબંધિત કોઇપણ જોખમો ઓછા કરી શકાય. દરેક દેશમાંથી માત્ર છ અધિકારીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, એથલેટ્સ માટે સંખ્યાની કોઇ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. પરંતુ, રમતના ચાહકોને આ વખતે પરેડમાં ભાગ લઇ રહેલી ટીમો ઘણી નાની જોવા મળશે. નમાર્ચ પાસ્ટ એટલે કે સમારંભની પરેડમાં જાપાની આલ્ફાબેટ મુજબ ભારત 21મા ક્રમે છે. આ વખતે ભારતે અત્યાર સુધીમાં સૌથી મોટી ઓલિમ્પિક્સના સ્પર્ધકોની ટીમ મોકલી છે. આ વખતના ખેલાડીઓના દળમાં કુલ 228 સભ્યો છે અને 22 રાજ્યોમાંથી કુલ 127 એથલેટ્સ અલગ અલગ 18 રમતો જેમકે, તીરંદાજી, એથલેટિક્સ, બોક્સિંગ, બેડમિંટન, ઘોડેસવારી, ફેન્સિંગ, ગોલ્ફ, જિમ્નાસ્ટિક્સ, હોકી, જુડો, રોવીંગ, શૂટિંગ, સેઇલિંગ, સ્વિંમિગ, ટેબલ ટેનિસ, ટેનિસ, વેઇટલિફ્ટિંગ, કુસ્તીમાં ભાગ લઇ રહ્યાં છે. પ્રતિનિધિમંડળમાં 68 પુરુષો અને 52 મહિલા એથલેટ્સ છે.. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય એથલેટ્સ 85 મેડલ્સ માટે મેદાનમાં ઉતરશે.

સ્વિમિંગ પૂલમાં દબદબો જાળવવા અમેરિકાની કેટી લેડેકી કટિબદ્ધ

અમેરિકન સ્વિમિંગની ડ્રીમ ગર્લ કેટી લેડેકી ટોક્યો ઓલિમ્પિકમાં પાંચ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી શકે છે. લેડેકીએ ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં એક અને ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યા હતા. આ વખતે તે ૨૦૦, ૪૦૦, ૮૦૦ અને ૧,૫૦૦ મીટર ઈન્ડિવિડયુઅલ ફ્રિસ્ટાઈલ ઈવેન્ટ ઉપરાંત રિલેમાં ભાગ લેશે. લેડેકી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૧૫ ગોલ્ડ જીતી ચૂકી છે અને ૪૦૦, ૮૦૦ અને ૧,૫૦૦ મીટર ફ્રિસ્ટાઈલનો વર્લ્ડ રેકોર્ડ તેના નામે છે.

સ્વિમિંગમાં કેલેબ ડ્રેસલને છ ગોલ્ડ મેડલ જીતવાની તક

ટોક્યો ઓલિમ્પિક સ્વિમિંગમાં અમેરિકાના ૨૪ વર્ષના કેલેબ ડ્રેસલ પર બધાની નજર રહેશે. રિયો ઓલિમ્પિકમાં ફ્રિસ્ટાઈલ અને મેડલે રિલેમાં ગોલ્ડ મેડલ જીતનારા ડ્રેસલે ત્યાર બાદની બે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ ૧૩ ગોલ્ડ મેડલ જીતીને સનસનાટી મચાવી હતી. ડ્રેસલ ટોક્યો ગેમ્સમાં છ ગોલ્ડ મેડલ જીતવા માટે ફેવરિટ મનાય છે. તે ૫૦ અને ૧૦૦ મીટર ફ્રિસ્ટાઈલ અને ૧૦૦ મીટર બટરફ્લાયની સાથે સંભવતઃ ચાર રિલેમાં ભાગ લેશે તેમ મનાય છે.

લેજન્ડરી જિમ્નાસ્ટ સિમોન બાઈલ્સ નવી ઊંચાઈઓ સર કરવા તૈયાર

અમેરિકાની આર્ટિસ્ટીક જિમ્નાસ્ટ આંતરરાષ્ટ્રીય રમતજગતમાં સૌથી પ્રભાવશાળી મહિલા એથ્લીટ તરીકેની ઓળખ ધરાવે છે. બાઈલ્સ પાંચ વર્ષ પહેલા રિયો ઓલિમ્પિકમાં ચાર ગોલ્ડ અને એક બ્રોન્ઝ જીતી ચૂકી છે. હવે તે ટોક્યો ઓલિમ્પિકમાં ખળભળાટ મચાવવા માટે તૈયાર છે. બાઈલ્સે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રેકોર્ડ ૧૯ ગોલ્ડની સાથે કુલ ૨૫ મેડલ્સ હાંસલ કર્યા છે.

ફ્રાન્સનો જુડોકા ટેડી રિનેર ગોલ્ડન હેટ્રીક પૂરી કરવા ઉત્સુક

ફ્રાન્સનો મહાકાય જુડોકા ટેડી રિનેર છેલ્લા બે ઓલિમ્પિકમાં ૧૦૦ કિગ્રાથી વધુના વજન વર્ગમાં ગોલ્ડન સફળતા હાંસલ કરીને નવો ઈતિહાસ રચી ચૂક્યો છે. હવે તેને ટોક્યોમાં ગોલ્ડન હેટ્રિકની તલાશ છે. ૬ ફૂટ અને ૮ ઈંચની ઉંચાઈ ધરાવતા રિનેરનું હુલામણું નામ ‘ટેડી બૅર’ છે. તે ૧૦ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યો છે. તેને તેની ૧૫૪માંથી ૧૫૩ મેચો જીતવાની અદ્વિતિય સિદ્ધિ હાંસલ કરી છે.

બુબ્કાનો વર્લ્ડ રેકોર્ડ તોડનારો ડુપ્લાન્ટિસ પોલ વોલ્ટમાં ફેવરિટ

અમેરિકામાં જન્મેલા સ્વિડિશ પોલવોલ્ટર આર્મન્ડ ડુપ્લાન્ટિસે ૨૦૨૦માં રોમમાં યોજાયેલી સ્પર્ધામાં ૬.૧૫ મીટરની ઊંચાઈને સફળતાપૂર્વક પાર કરીને સર્ગેઈ બુબ્કાના ૨૬ વર્ષ જૂના આઉટડોર ઈવેન્ટના વર્લ્ડ રેકોર્ડને તોડી નાંખ્યો હતો. તેણે ગત વર્ષે ફેબુ્રઆરીમાં સાત દિવસના અંતરમાં બે વખત ઈન્ડોર ઈવેન્ટના વર્લ્ડ રેકોર્ડને પણ તોડીને નવો ઈતિહાસ રચી દીધો હતો.

ઓસ્ટ્રેલિયન સર્ફર જીલ્મોર ટોક્યો ઓલિમ્પિકના નવા પ્રવાહમાં જાદુ ચલાવશે

ઓસ્ટ્રેલિયાની સર્ફર સ્ટેફાની જીલ્મોરને ટોક્યો ઓલિમ્પિકના નવા પ્રવાહમાં પોતાનો જાદુ ચલાવવાની આશા છે. ઓસ્ટ્રેલિયન સર્ફર સાત વર્ષ વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે. ઓલિમ્પિકમાં પહેલી વખત સર્ફિગની રમતને સામેલ કરવામાં આવી છે. જેના કારણે દરિયાના મોજા પર સવાર થતાં સર્ફરો આકર્ષણ જમાવવા માટે ઉત્સુક બન્યા છે.

૧૦૦ અને ૨૦૦ મીટરની દોડમાં એન્ડ્રે ડે ગ્રાસી પર નજર રહેશે

બોલ્ટની નિવૃત્તિ બાદ સુના પડેલા એથ્લેટિક્સના ટ્રેકને ગજાવવાની તૈયારી કેનેડાનો એન્ડ્રે ડે ગ્રાસી કરી રહ્યો છે. ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં ૨૦૦ મીટરમાં સિલ્વર અને ૧૦૦ મીટરમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકેલા ડે ગ્રાસીએ ગત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૧૦૦ મીટરમાં બ્રોન્ઝ અને ૨૦૦ મીટરમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે તે ટોક્યોમાં ગોલ્ડ જીતવા માટે ફેવરિટ મનાય છે.

જમૈકન સ્ટાર ફ્રેસર-પ્રેસીને ઐતિહાસિક મેડલની તલાશ

જમૈકાની ૩૪ વર્ષીય શેલી-એન ફ્રેસર-પ્રેસી ટોક્યો ઓલિમ્પિકમાં મહિલાઓની ૧૦૦ મીટરની રેસમાં ત્રીજો ગોલ્ડ મેડલ જીતવા માટે ઉતરશે. શેલી-એન ૨૦૦૮ના બેઇજિંગ અને ૨૦૧૨ના લંડન ઓલિમ્પિક્સમાં ૧૦૦ મીટરની મહિલાઓની રેસમાં વિજેતા બની હતી. પાંચ વર્ષ પહેલા રિયોમાં તેણે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ હાંસલ કર્યો હતો. હવે ફરી વખત તેણે જમૈકાને ગોલ્ડન સફળતા અપાવવા માટે કમર કસી છે.

ન્યૂઝિલેન્ડની લૌરેલ હુબ્બાર્ડ ઓલિમ્પિકની સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર ખેલાડી

ન્યૂઝિલેન્ડની લૌરેલ હુબ્બાડ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલાઓની ૮૭ કિગ્રાથી વધુ વજનની સ્પર્ધામાં હરિફાઈમાં ઉતરશે. હુબ્બાર્ડ એવી સૌપ્રથમ એથ્લીટ છે કે, જે ટ્રાન્સજેન્ડર તરીકેની જાહેર કબુલાત બાદ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે જઈ રહી છે. તેના નામે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને પેસેફિક ગેમ્સમાં ગોલ્ડ નોંધાયેલા છે.

મેરેથોન મેન એલિયડ કિપ્ચોંગ પ્રભુત્વ જાળવવા ઉતરશે

ઓલિમ્પિકની પ્રાઈમ સ્પર્ધા મેરેથોનમાં વર્લ્ડ રેકોર્ડ ધરાવતા કેન્યાના એલિયડ કિપ્ચોંગને પાંચ વર્ષ પહેલા જીતેલો ગોલ્ડ મેડલ જાળવી રાખવાની આશા છે. આધુનિક યુગમાં મેરેથોનની ઈવેન્ટના સૌથી પ્રભાવશાળી એથ્લીટ તરીકેનું બિરૂદ ધરાવતા કિપ્ચોંગે ૨૦૦૪ના એથેન્સ અને ૨૦૦૮ના બેઇજિંગ ઓલિમ્પિકમાં પાંચ હજાર મીટરની દોડમાં અનુક્રમે બ્રોન્ઝ અને સિલ્વર પણ હાંસલ કર્યા છે. આ વખતે પણ મેરેથોનમાં તેનો ગોલ્ડ નક્કી જેવો મનાય છે.

અમેરિકન એથ્લીટ એલીસન ફેલિક્સ ઈતિહાસ રચવાના આરે

એથ્લેટિક્સમાં લિવિંગ લેજન્ડ તરીકેની ઓળખ ધરાવતી અમેરિકાની મહિલા એથ્લીટ એલીસન ફેલિક્સ પાંચમા ઓલિમ્પિકમાં ભાગ લેવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધીમાં છ ગોલ્ડ અને ત્રણ સિલ્વર જીતી ચૂકેલી ફેલિક્સ વધુ એક મેડલ જીતે તો તે ટ્રેક એન્ડ ફિલ્ડ ઈતિહાસની સૌથી સફળ મહિલા એથ્લીટ બની જશે અને કાર્લ લુઈસના રેકોર્ડની બરોબરી કરશે. ટોક્યોમાં તે ૪૦૦ મીટરની દોડની સાથે બે રિલેમાં પણ ભાગ લેશે.

ઓલિમ્પિક

વર્લ્ડ ચેમ્પિયન લાયલ્સ ૨૦૦ મીટરની રેસ જીતવા માટે સજ્જ

અમેરિકાનો નોઆહ લાયલ્સની દોડમાં જાણકારોને બોલ્ટની તીવ્ર ગતિનો અણસાર આવી રહ્યો છે. અમેરિકાના ૨૪ વર્ષીય એથ્લીટ ત્રણ વર્ષ પહેલાની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૨૦૦ મીટરની દોડની સાથે ૪ બાય ૧૦૦ મીટરની રિલેમાં પણ ગોલ્ડ જીત્યો હતો. આ જ બંને ઈવેન્ટમાં તે ટોક્યો ઓલિમ્પિકનો મેડલ જીતવા માટે સ્પર્ધામાં ઉતરશે. તે ૧૦૦ મીટરની રેસમાં ટોક્યોની ટિકિટ મેળવી શક્યો નથી.

Read Also

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!