GSTV
ટોપ સ્ટોરી

ભારતના નાગરિકોને યુક્રેનમાંથી બહાર કાઢવા સરકાર સજ્જ, આવું છે આયોજન

યુક્રેનની સ્થિતિ જોઈને ભારત સરકારની સર્વોચ્ચ સલામતી ઓથોરિટી કેબિનેટ કમીટિ ઓન સિક્યુરિટીની બેઠક મળી હતી. વડા પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોને બહાર કાઢવાના આયોજનોની વિચારણા થઈ હતી. કેબિનેટ કમિટિ ઓન સિક્યુરિટીની બેઠક મળી હતી. તેમાં વડા પ્રધાને કહ્યું હતું કે ભારતના નાગરીકોને સલામત રીતે બહાર કાઢવા એ પ્રાયોરિટી છે. વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતુ કે તમામ સ્તરે કન્ટ્રોલ રૃમ તૈયાર કરીને સ્થિતિ પર સતત નજર રખાઈ રહી છે. વિદેશ મંત્રાલયે આંકડો આપ્યો હતો કે અંદાજે 20 હજાર ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે.
20 હજાર એ મોટી સંખ્યા છે અને તેમને બહાર કાઢવા એ લાંબી પ્રક્રિયા સાબિત થશે. માટે ભારત સરકાર માટે આ કાર્યવાહી પણ આસાન નથી.

  • ભારતના વિદ્યાર્થી અને નાગરિકોને બચાવવા તમામ પ્રયાસો કરાશે : વડાપ્રધાન
  • યુક્રેનમાં 20 હજાર જેટલા ભારતીયો છે
  • વિદ્યાર્થીઓને બહુ પહેલા જ દેશ છોડી દેવા સલાહ અપાઈ હતી
  • પોલેન્ડ અને રોમાનિયા સુધી રોડ માર્ગે લઈ જઈને લોકોને બહાર કાઢવાનું છે આયોજન
  • છેલ્લા થોડા દિવસોમાં અંદાજે 4 હજાર ભારતીયો યુક્રેનથી પરત આવ્યા છે
  • દિલ્હીમાં વિદેશ મંત્રાલયને યુક્રેન મામલે 980 ફોન અને 850 ઈ-મેઈલ મળ્યા છે
  • જરૃર પડ્યે નાગરિક વિમાનો ઉપરાંત એરફોર્સના ટ્રાન્સપોર્ટ વિમાનો પણ વપરાશે

રોડ માર્ગે લઈ જવાનું છે આયોજન

સરકારનું એક આયોજન એવુ છે કે યુક્રેનમાંથી ભારતના નાગરિકોને પડોશી દેશો પોલેન્ડ, સ્લોવેનિયા, હંગેરી અને રોમાનિયામાં લઈ જવાશે. ત્યાંથી એ નાગરિકોને ભારતમાં લાવવા સરળ રહેશે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને કાઢવા માટે હાલ રોડ-મેપ તૈયાર કરાયો છે. એ મુજબ રોડ માર્ગે પોલેન્ડ અને રોમાનિયા લઈ જવાશે. યુક્રેનના પાટનગર કિવથી પોલેન્ડ નવ કલાકનો રોડ માર્ગ છે, જ્યારે રોમાનિયા પહોંચવામાં 12 કલાક લાગે છે. હર્ષ શ્રૃંગલાએ કહ્યુ હતું કે આ બન્ને રૃટ તૈયાર કરી લેવાયા છે અને રસ્તામાં કોઈ તકલીફ ન પડે એ માટે ટીમ ગોઠવવાની કામગીરી ચાલુ કરી દેવાઈ છે.

ભારતીય એરફોર્સના ટ્રાન્સપોર્ટ વિમાનો તૈયાર

ઈન્ડિયન એરફોર્સને તૈયારી કરવાની સૂચના અપાઈ છે. એરફોર્સના ટ્રાન્સપોર્ટ વિમાનો આવા સમયે ખાસ ઉપયોગી સાબિત થતા હોય છે. માટે સંરક્ષણ મંત્રાલય સાથે વિદેશ મંત્રાલયની વાટાઘાટો ચાલી રહી છે. જોકે એરલાઈન્સના રેગ્યુલર વિમાનો પહેલા કામે લગાડાશે અને પછી જરૃર મુજબ એરફોર્સને પણ સક્રિય કરાશે. વિદેશ મંત્રાલયે જોકે ખાતરી આપી હતી કે કોરોનાકાળમાં પરદેશમાં ફસાયેલા ભારતીયોને વંદે ભારત મિશન દ્વારા ભારત લવાયા જ હતા. એટલે ભારતને એ રીતે નાગરિકોને બચાવવાનો સારો એવો અનુભવ છે. હાલ જોકે યુક્રેન સાથે વાટા-ઘાટો કરીને ત્યાં ફસાયેલા નાગરિકોને કઈ રીતે બહાર કાઢવા તેના પર કામગીરી ચાલી રહી છે. નાગરિકોને યુક્રેનથી સીધા ભારત લાવવા મુશ્કેલ બને. માટે ભારતે યુક્રેનની આસપાસ આવેલા દેશોની ભારતીય એમ્બેસીમાં પણ કન્ટ્રોલ રૃમ ઉભા કરી દેવાયા છે.

વિદેશ મંત્રી પણ વાત કરશે યુક્રેન સાથે

ભારતના વડા પ્રધાન પુતિન સાથે વાત કરીને સ્થિતિ થાળે પાડવા પ્રયાસ કરશે. તો બીજી તરફ વિદેશ મંત્રી એસ જયશંકર યુક્રેનના વિદેશ મંત્રી સાથે વાત કરીને ભારતીયોને બહાર કાઢવા અંગે રોડમેપ તૈયાર કરશે. વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ કહ્યુ હતુ કે સ્થિતિ એટલી ઝડપથી બદલાઈ રહી છે કે અમને કોઈ અંદાજ આવ્યો ન હતો. શ્રૃંગલાએ એ પણ ઉમેર્યું હતું કે ઘણા દિવસો પહેલા જ વિદ્યાર્થીઓને એડવાઈઝરી-સૂચના આપી દેવાઈ હતી. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓએ રાહ જોવાનું પસંદ કર્યું હતું. એ ફસાયા છે. બીજી તરફ એડવાઈઝરી માનીને ઘણા વિદ્યાર્થીઓ પહેલાથી જ બહાર નીકળી ગયા હતા.

Related posts

વિષ્ણુદેવ છત્તીસગઢના નવા મુખ્યમંત્રી

Rajat Sultan

રાજસ્થાનમાં કોંગ્રેસ કેમ હારી? જાણો મંથન બેઠકમાં શું બોલ્યા અશોક ગેહલોત અને રાહુલ ગાંધી

Kaushal Pancholi

INDIA ગઠબંધન આગામી 7-8 દિવસોમાં કરશે બેઠક, સીટ શેરિંગ સહિત આ મુદ્દાઓ પર થશે મંથન

Kaushal Pancholi
GSTV