જમ્મુ-કાશ્મીરના ઉનાળું પાટનગર શ્રીનગરના ફતેહકદલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જો કે સુરક્ષાદળોની કાર્યવાહીમાં એક પોલીસકર્મી શહીદ થયો છે. શ્રીનગરના ફતેહકદલમાં સીઆરપીએફ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષાદળો દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે.
સવારે ટોચના આતંકવાદીઓ છૂપાયા હોવાના ચોક્કસ ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ બાદ સુરક્ષાદળોએ ફતેહકદલ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષાદળોની ઘેરાબંધીમાં લશ્કરે તૈયબાનો ટોચનો કમાન્ડર પણ ઘેરાયો હોવાના અહેવાલ હતા. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. શ્રીનગરમાં એન્કાઉન્ટરને કારણે આગમચેતીના પગલા હેઠળ મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસને સ્થગિત કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં સુરક્ષાદળો દ્વારા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી કમાન્ડર મન્નાન વાનીને ઠાર મારવામાં આવ્યો હતો. આતંકી મન્નાન વાની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પીએચડી કરતો હતો અને બાદમાં તે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં સામેલ થયો હતો.