GSTV
Home » News » દરિયાઇ પટ્ટી ખાલીખમ: ‘વાયુ’નું સંકટ ઘેરુ બનતા હજારોની સંખ્યામાં લોકોનું સ્થળાંતર

દરિયાઇ પટ્ટી ખાલીખમ: ‘વાયુ’નું સંકટ ઘેરુ બનતા હજારોની સંખ્યામાં લોકોનું સ્થળાંતર

વાયુ ચક્રવાતની અસરને લઇને તંત્ર અગાઉથી જ સજ્જ બની ગયું. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તાર, તેમજ નીચાણવાળા વિસ્તારમાં પરિસ્થિતી તંગ ન બને તેવા હેતુ સાથે સ્થાનિક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

માંગરોળ તાલુકાના શેરીયાજ બારા ગામે 400 ઘરોના લોકોનું સ્થળાંતર કરાવાયું. માંગરોળ દરિયા કિનારાથી પાંચ કિલોમીટર સુધીનાં વિસ્તારનાં નિવાસીઓનું સ્થળાંતર કરાવ્યુ હતું.જેમાં એસ ટી બસ દ્વારા તમામ લોકોને શારદાગ્રામ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

તો દિવમાં દરિયાકિનારાના ગામો તેમજ નીચાણવાળા વિસ્તારના લોકોનુ સ્થળાંતર કરાયું હતું. દિવના દરિયામાં ભારે મોજાના કારણે અગમચેતીના ભાગરૂપે સ્થળાંતરિત પ્રકિયા હાથ ધરાઇ હતી.

તો ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે દરીયા કાંઠે વસતા પરિવારોનું તાત્કાલીક સ્થળાંતર કરાયું. ઘોઘાનાં દરિયા કિનારે આવેલી પ્રોટેક્શન દીવાલ તૂટેલી હોય દરિયાનું પાણી ગામમાં ઘૂસી જાય તેવી સંભાવના હોવાથી લોકોની સલામતીને ધ્યાને લઇને સ્થળાંતર કરાયુ હતું. આ તમામ લોકોને ઘોઘાની જુમ્મા મસ્જીદમાં સ્થળાંતરીત કરાયા છે.

તો જાફરાબાદના નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનુ સ્થળાંતર હાથ ધરવામાં આવ્યુ. તંત્ર અને સ્થાનિક આગેવાનો દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. જેમાં પીપળી કાંઠા વિસ્તારમાંથી અંદાજે આઠ હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરાયું.

જામનગર જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારના અંદાજે 13, 900 જેટલા લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરીત કરાયા. તો બીજી તરફ સરમત ગામમાં કુલ અઢીસો જેટલા લોકોને સરકારી શાળામાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરવાની કાર્યવાહી કરાઇ હતી.

દ્વારકાના રૂપેણ બંદર પાસેનાં માછીમારો અને સ્થાનિકોને ખસેડવાની કાર્યવાઇ હાથ ધરાઇ. તમામ લોકોને સલામતી માટે એક સ્કૂલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રૂપેણ બંદર ખાતે 20 હજારથી વધુ લોકો દરિયા કિનારે વસવાટ કરે છે તેમની સલામતી માટે તંત્રએ કામગીરી હાથ ધરી હતી.

ગોંડલ બાલાશ્રમ પાસે ગોંડલી નદીમાંથી ઝૂંપડપટ્ટીમાં રહેતા 350  લોકોને સ્થળાંતર કરાયા હતાં. ઝુંપડાવાસીઓએ તેની તમામ ઘરવખરી એકઠી કરી હતી એકઠી કરાયેલી ઘરવખરીને માથા પર ઉંચકી સલામત સ્થળે સ્થળાંતરીત કરી હતી.

જાફરાબાદ અને રાજુલાના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને શાળાઓ તેમજ જ્ઞાતિઓની વાડીઓમાં રખાયા છે. અહીં આ લોકો માટે સામાજિક આગેવાનો તેમજ તંત્ર દ્વારા રહેવા તેમજ જમવા માટે પણ પૂરતી વ્યવસ્થા કરાઈ છે.

વાયુ ચક્રવાતના પગલે દ્વારકાના સલાયા બંદરે સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી. દેવભૂમી દ્વારકાના તમામ દરિયાઇ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફ દ્વારા લોકોનું સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું. જિલ્લામાંથી કુલ 2 હજાર 225 લોકોનું સ્થળાંતર કરાયું છે. જેમાં ખંભાળીયા તાલુકામાંથી 847, દ્વારકા તાલુકામાંથી 956,  કલ્યાણપુર તાલુકામાંથી 422 લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડાયા હતા.

રાજકોટ જિલ્લાના ચાર તાલુકામાંથી કુલ 1,886 લોકોને સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર કરાયુ છે. વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાવાનું હોઈ અને આ વાવાઝોડાની અસર વિવિધ જિલ્લાઓમાં પણ થવાની હોવાથી સરકાર દ્વારા વાવાઝોડાથી ઓછામાં ઓછી જાનહાની થાય તેના માટે વિવિધ જગ્યાએ કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે.

વાયુ વાવાઝોડાની અસર નવલખી બંદર પર થવાને પગલે મોરબી જીલ્લામાં 5 હજારથી વધુ લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફના 28 જવાનોને ખડેપગે રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ભાવનગર શહેરનું વહીવટી તંત્ર પણ સાબદુ બન્યુ. જેમાં જવાહર મેદાનમાં ઝુંપડા બાંધીને રહેતા લોકોને અન્ય સ્થળે હટાવાયા છે. તંત્રની સુચનાને લઇને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો એ પોતાના સમાન સાથે અન્ય જગ્યાએ જવા રવાના થયા હતા.

ધોરાજી, ઉપલેટા, જામકંડોરણામાંથી 3 હજાર 500 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. જેમાં 36 ગામોમાં નિચાણવાળા વિસ્તારમાંથી 3 હજાર 500 લોકોને સ્થળાંતર કરાવાયું છે. ધોરાજીની સામાજિક સંસ્થાઓ દ્વારા છ હજાર ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. ધોરાજી શહેર અને તાલુકામાંથી 1 હજાર 230 અને ઉપલેટા તાલુકામાંથી 1 હજાર 190 અને  જામકંડોરણા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મોટા પાયે લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. જેમાં ભાવનગરમાં 23 હજાર કરતા વધુ લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. ભાવનગર શહેરમાં જવાહર મેદાનમાં ઝુંપડા બાંધી ને રહેતા એક હજાર કરતા વધુ લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

અમદાવાદના આ સ્ટેડીયમમાં ઉજવાશે રાજયકક્ષાનો યોગ દિવસ

Nilesh Jethva

સંસદ સત્રની વચ્ચે પીએમ મોદીની ડિનર ડિપ્લોમેસી, સમારોહમાં પહોંચ્યા દિગ્ગજ નેતાઓ

Path Shah

ઉપ સરપંચ હત્યા કેસ : પરિવાર અને સરકાર વચ્ચેની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં થશે સમાધાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!