GSTV
Home » News » જાણો શા માટે ખેડૂતો મોદી સરકાર સામે આવ્યા રસ્તા પર : શું છે કારણો…

જાણો શા માટે ખેડૂતો મોદી સરકાર સામે આવ્યા રસ્તા પર : શું છે કારણો…

ખેડૂતોની સૌથી મોટી સમસ્યા છે તેમની આકરી મહેનત બાદ પાકનું અયોગ્ય વળતર. સરકાર ખેડૂતોને પુરતા ટેકાના ભાવ આપવાના દાવા તો કરે છે પરંતુ આ માગણીને લઇને ખેડૂતો આજે પણ માર્ગો પર છે. સરકારે ટેકાના ભાવ તો જાહેર કરી દીધાં છે પરંતુ આ ભાવનો લાભ કેટલા ખેડૂતોને મળે છે એ મોટો સવાલ છે.

પાક ઉપર મળતું ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે ટેકાનો ભાવ ખેડૂતો માટે મોટી સમસ્યા બની રહી છે. થોડા વખત પહેલાં જ સરકારે જાહેરાત કરી હતી કે નોટિફાઇડ ખેતપેદાશો ઉપર સરકાર ખેતીના ખર્ચની ઓછામાં ઓછી દોઢ ગણી કિંમત આપશે. પરંતુ ખેડૂતો તેનાથી સંતુષ્ટ નથી.
ખેડૂતોનું કહેવું છે કે વધી રહેલા ખર્ચ અને બળતણના ભાવોના કારણે એમએસપી વધારવાનો ખેડૂતોને ખાસ લાભ નહીં મળે.

બીજી બાજુ અર્થશાસ્ત્રીઓની દલીલ એવી છે કે એમએસપી વધારવાથી ફુગાવો વધી શકે છે. એક અનુમાન પ્રમાણે માત્ર દસ ટકા ખેડૂતો જ ટેકાના ભાવે પોતાની ખેતપેદાશો વેચી શકે છે. જ્યારે ૯૦ ટકા ખેડૂતોને બજારમાં બેઠેલા વચેટિયાઓને ખેતપેદાશો નજીવા દામે વેચી દેવી પડે છે. કેન્દ્ર સરકાર ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય તો જાહેર કરી દે છે પરંતુ તેની વ્યવસ્થા રાજ્ય સરકારો કરતી હોય છે.

ખેડૂતોને પાક તૈયાર થવામાં લાંબી રાહ જોવાની રહે છે અને પાક તૈયાર થાય ત્યાં સુધી ખેડૂતોની આર્થિક સ્થિતિ પાતળી બની જાય છે. તેમનો તમામ આધાર પાકની કિંમત ઉપર જ રહેલો હોય છે. આ દરમિયાન ખેડૂતો દેવા કરીને પણ પરિવારનો ગુજારો કરવા માટે મજબૂર બની જાય છે. ખેડૂતોની આ મજબૂરીનો તગડો લાભ વેપારીઓ ઉઠાવે છે અને ખેતપેદાશોનો બધો નફો ખાઇ જાય છે.

આજે ખેડૂતોને લોન આપવા માટે ઘણી સરકારી સંસ્થાઓ આગળ આવી છે પરંતુ ઓછું ભણેલાં કે અભણ ખેડૂતો માટે લોન મેળવવાની પ્રક્રિયા સરળ નથી. જેના પરિણામે ઘણાં ખેડૂતો આજે પણ બેંકો પાસેથી લોન લેવાના બદલે શાહુકારો અને મહાજનો પાસેથી નાણાં ઉધાર લે છે.

આઝાદીના ૭૦ વર્ષોમાં ખેડૂતો માટે વિટંબણા કહી શકાય એવી બાબત એ રહી છે કે તેઓ કદી એક સ્વરે અવાજ ઉઠાવી નથી શક્યાં. જુદાં જુદાં પ્રદેશો, ખેતપેદાશો, વર્ગ અને જાતિના આધારે ખેડૂતો અલગ અલગ અવાજ ઉઠાવતા રહ્યાં છે. જેના કારણે ખેડૂતોનો અવાજ સત્તાધીશોના કાન સુધી પહોંચ્યો જ નથી.

આ ખેડૂતો ઑલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કો-ઓર્ડિનેશન કમિટીના બેનર હેઠળ રાજધાનીમાં આંદોલન કરવા આવી પહોંચ્યા છે. આ સંસ્થાનો દાવો છે કે, તેઓ દેશભરના ૨૦૭ કિસાન સંગઠનોનું નેતૃત્વ કરે છે. તમિલનાડુથી આવેલા ખેડૂતો ખૂબ જ આક્રમક તેવર બતાવ્યા હતા. આ ખેડૂતોએ સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે, સરકાર અમારી માંગો પૂરી નહીં કરે તો અમે આત્મહત્યા કરીશું. એટલું જ નહીં, સંસદ સુધી કૂચ કરતા રોકવામાં આવશે તો અમે નગ્ન થઈને દેખાવો કરીશું. તમિલનાડુમાં ફક્ત લોન પાછી નહીં ચૂકવી શકવા બદલ ૭૦૦થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. છેલ્લાં પંદર વર્ષમાં દેશભરમાં ત્રણ લાખથી વધુ ખેડૂત આત્મહત્યા કરી ચૂક્યા છે.

દેશની અનેક સંસ્થાઓએ ખેડૂતોને રાજધાની સુધી પહોંચાડવા ખાસ ટ્રેન અને બસોનું આયોજન કર્યું હતું. દિલ્હી પહોંચેલા ખેડૂતોને નેશનલ સાઉથ ઈન્ડિયન રિવર ઈન્ટરલિંકિંગ એગ્રિકલ્ચરિસ્ટ્સ એસોસિયેશન, સ્વરાજ ઈન્ડિયા અને જય કિસાન આંદોલન જેવી સંસ્થાઓએ નેતૃત્વ પૂરું પાડયું હતું. ૨૯મી નવેમ્બરે લાખો ખેડૂતોએ રામલીલા મેદાન સુધીની ૨૬ કિલોમીટર લાંબી કૂચ સ્વરાજ ઈન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવની આગેવાનીમાં કરી હતી. ખેડૂત સંગઠનોએ આરોપ મૂક્યો હતો કે, સરકાર અમારી મુશ્કેલીઓ દૂર કરવામાં સરેઆમ નિષ્ફળ ગઈ છે.

દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ ખેડૂતો સાથે કૂચમાં જોડાવવાની જાહેરાત કરી હતી. સીપીએમના નેતા હન્નાન મોલ્લાહે દાવો કર્યો હતો કે, ભાજપ સિવાયના રાજકીય પક્ષોના નેતાઓ પણ ખેડૂતો સાથે જોડાઈને સંસદ સુધીની કૂચમાં ભાગ લેશે. ઑલ ઈન્ડિયા કિસાન સભાના રાષ્ટ્રીય સચિવ અતુલ અંજાને કહ્યું હતું કે, અમે વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ આંધ્રપ્રદેશ, કેરળ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને પણ આમંત્રણ આપ્યું છે.

Related posts

દિલ્હીમાં ગૌતમ ગંભીર સામે કોર્ટમાં થયો કેસ, ચૂંટણીમાં થઈ શકે છે મુશ્કેલી

Nilesh Jethva

રાહુલ ગાંધીએ મોદી સામે પ્રિયંકાને ઉતારવાની તૈયારી કરી લીધી હતી,પણ આ કારણે પ્લાન બદલવો પડ્યો

Riyaz Parmar

મહાગઠબંધન પર પીએમનું નિશાન, વડાપ્રધાન બનવા માટે લાંબી લાઈન લાગી છે

Arohi