GSTV

આ ખેડૂતને એક સમયે ખાવાના ફાંફા હતા, પણ પછી આ ખેતી કરી અને આર્થિક સ્થિતિ બદલી જ ગઈ

સામાન્ય રીતે ખેડૂતો પરંપરાગત ખેતીને પ્રાધાન્ય આપતા હોય છે. પરંતુ ખેતીમાં સતત કંઈક નવું કરવામાં આવે તો ખાસ આવક મેળવી શકાય છે. ડાંગ જિલ્લાના ખેડૂતો પણ હવે આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે. પરંપરાગત ખેતીથી કંઈક નવીન એવી સ્ટ્રોબેરીની ખેતીમાં છેલ્લા ૪ વર્ષથી સફળતાના શિખરો સર કર્યા છે. આહવા તાલુકાના દબાસ ગામના બુધિયાભાઈ બાળુભાઈ પવારે. સવા હેક્ટર જેટલી જમીન ધરાવતા ખેડૂત પાસે પરિવારના ભરણપોષણ માટે ખેતી જ મુખ્ય આધાર છે. તેઓ છેલ્લા ૮ વર્ષથી આધુનિક ખેતી તરફ વળ્યા છે. તેમાં ય સ્ટ્રોબેરીની ખેતી ૪ વર્ષથી અપનાવતા તેઓની આર્થિક સ્થિતિ જ બદલાઈ ગઈ છે.

નવરાત્રી આસપાસ વાવેતર કરી દે છે

સ્ટ્રોબેરી એ ઠંડા પ્રદેશમાં થતો પાક છે. જેનું ગુજરાતમાં છૂટુ છવાયું વાવેતર હવે ખેડૂતો કરતા થયા છે. લાલ માટિયાળ જમીન ધરાવતા બુધિયાભાઈ મહાબળેશ્વર બાજુના વિસ્તારના ખેડૂતોના સંપર્કમાં આવ્યા. અને પછી સ્ટ્રોબેરીની ખેતી તરફ વળ્યા. સ્ટ્રોબેરીની ખેતીમાં વાવેતર સમય ખાસ સાચવવો પડે છે. તેઓ સ્ટ્રોબેરીનું નવરાત્રિ આસપાસ વાવેતર કરી દે છે. આ વર્ષે જૂન મહિનામાં ડ્રિપ મલ્ચિંગ સાથે પાળા તૈયાર કર્યા પછી ચોમાસા દરમિયાન રહેવા દીધા હતા. સ્ટ્રોબેરીના વાવેતર પૂર્વે ૪૦ ગુંઠા જમીનમાં ૩ ટ્રોલી જેટલું કમ્પોસ્ટ ખાતર આપી પાળા બનાવ્યા હતા. મલ્ચિંગના પ્લાસ્ટિક પર ૧ ફૂટના અંતરે હોલ પાડી નવરાત્રિ દરમિયાન સ્ટ્રોબેરીના રોપા લગાવ્યા હતા. મલ્ચિંગની બે હાર વચ્ચે ૨ ફૂટનું અંતર જાળવ્યું છે. સ્ટ્રોબેરીની શરૃઆત કરી ત્યારે ૭,૦૦૦ રોપા લગાવ્યા હતા. ચાલુ વર્ષે તેઓએ ૧૨,૦૦૦ રોપા લગાવ્યા છે.

એક છોડ પર કેટલું ઉત્પાદન રહે છે ?

સ્ટ્રોબેરીની ખેતીમાં છોડ નાના હોય ત્યારે ખાતર પાણીનું ધ્યાન આપવું પડે છે. તેઓ જીવામૃત, ડિ-કમ્પોઝર વગેરે પિયતમાં આપે છે. તો વોટર સોલ્યુબલ ખાતર પણ થોડી ઘણી માત્રામાં આપે છે. છોડમાં ઈયળ ના આવે તેનું ધ્યાન આપવું પડે છે. આ સિવાય હવામાન બદલાય ત્યારે ખાસ ધ્યાન આપવું પડે. સ્ટ્રોબેરીમાં જૂના પાન સુકાવા માંડે એટલે કાઢી નાંખવાથી નવી ફૂટ સારી રહે છે. નવી ફૂટમાં ફ્લાવરિંગ સારું બેસે છે. તો પાકી ગયેલા પાન કાઢી નાખવા વધારે સારા રહે છે. જેથી છોડને પૂરતા પ્રમાણમાં હવા ઊજાસ મળી રહે છે. એક છોડ પરથી ૩થી ૪ કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન રહે છે. જેમ જેમ સ્ટ્રોબેરી તૈયાર થાય તેમ તેમ તેની કાપણી કરીને વેચાણ કરે છે.

રોજ કેટલું કરે છે વેચાણ

પરિવારના નિભાવમાં મુશ્કેલીને આધુનિક ખેતીએ દૂર કરી છે. સ્ટ્રોબેરીની ખેતીમાં ખેડૂતે અત્યાર સુધી ૧ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. મહાબળેશ્વરથી ૧ રોપો ૭ રૂપિયાના ભાવે સ્ટ્રોબેરીના કુલ ૧૨,૦૦૦ ટિશ્યૂ રોપા ખરીદીને વાવ્યા છે. તો મલ્ચિંગ સહિત અન્ય ખર્ચ મળીને કુલ ૧ લાખ રૂપિયા જેટલો અત્યાર સુધી ખર્ચ કર્યો છે.ખેતીનું તમામ કામકાજ ઘરના જ સભ્યો કરે છે. સ્ટ્રોબેરીનું વેચાણ માર્કેટમાં કે વેપારીઓને ન કરતાં સીધા ગ્રાહકોને જ વેચાણ કરે છે. સ્ટ્રોબેરીનું છેલ્લા દોઢ મહિનાથી ઉત્પાદન ચાલુ થયું છે. વહેલી સવારે સ્ટ્રોબેરીની વીણી કરી બોક્સ પેકિંગ કરવામાં આવે છે. સ્ટ્રોબેરીનું ગ્રેડિંગ પેકિંગ કરીને વેચાણ કરતાં શરૂઆતમાં ૧ કિલોના ૨૦૦ રૂપિયા ભાવ લીધો હતો. હાલ સ્ટ્રોબેરી ૧ કિલોના ૧૦૦ રૃપિયા ભાવ મળે છે. સ્ટ્રોબેરીમાં સાડા ચાર મહિના સુધી ઉત્પાદન ચાલુ રહેશે. હાલ દરરોજ ૨૫થી ૩૦ કિલો સ્ટ્રોબેરીનું વેચાણ કરે છે. છેલ્લા દોઢ મહિનાથી આ રીતે ઉત્પાદન લીધું છે.

ખેતરમાં સ્ટ્રોબેરી સિવાય કયા આંતરપાકો લીધા છે ?

બુધિયાભાઈએ સ્ટ્રોબેરી સિવાય ૧ એકરમાં ફણસીનું પણ વાવેતર કર્યું છે. તો અન્ય જમીનમાં મરચાં, બ્રોકલી, રેડ કેબેજ જેવા પાક પણ લીધા છે. હાલમાં ફણસીમાં દર અઠવાડિયે વીણી પડે છે. ૧ વીણીમાં ૫ ક્વિન્ટલ જેટલું ઉત્પાદન મળે છે. ફણસીના ૧ કિલોના ૮ રૃપિયાથી લઈને ૩૦ રૃપિયા સુધીના ભાવ મળ્યા છે. ફણસીની ખેતીમાં બીજ ચોપ્યા પછી બીજો કોઈ ખાસ વધારાનો ખર્ચ આવતો નથી. ડ્રિપ, મલ્ચિંગ હોય નીંદણની સમસ્યા પણ નડતી નથી. ફણસીની ખેતીમાં પણ એકરે ૧ લાખ રૃપિયાથી વધુની આવક લઈ લે છે. બુધિયાભાઈને એક સમયે ખાવાના ફાંફા પડતા હતા. તેઓ આજે અન્યોને પણ રોજી પૂરી પાડી સ્વમાનભેર જીવન જીવતા થયા છે. તેમની ખેતી જોઈ અન્ય ખેડૂતો પણ ખેતીમાં આધુનિકતા તરફ વળશે તે માનવું રહ્યું.

READ ALSO

Related posts

9 રાજ્યોએ લોકડાઉનમાં દારૂના વેચાણની માગી મંજૂરી, આ સરકાર તો હોમ ડિલીવરી આપશે

Mayur

15 એપ્રિલ સુધી આ હોટસ્પોટ વિસ્તારો સીલ, કોઈને પણ બહાર નીકળવાની છૂટ નહીં

Mayur

કોરોના : ડોક્ટર્સની સાફ મનાઈ, આ દવા બિલ્કુલ ન લો કારણ કે એ દર્દી માટે નહીં પણ…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!