કોંગ્રેસમાં નેતાઓ ગણા પણ જીતે તેવા ઉમેદવારના ફાંફા, બળવો રોકવા કોંગ્રેસે લીધો આ નિર્ણય

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં પ્રદેશ અધ્યક્ષની હાઇકમાન્ડ સાથે બેઠકો બાદ પ્રદેશના હોદ્દેદ્દારોની પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક બોલાવવાની તૈયારી કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષે જાહેરાત પણ કરી દીધી છે કે કેટલાક ઉમેદવારોને પહેલાથી જ લોકસભા માટે જાણ કરવામાં આવશે. જ્યારે સર્વસંમતિ સાધવામાં ના આવી હોય ત્યાં જાન્યુઆરીના અંત સુધીમાં પેનલ તૈયાર કરી હાઇકમાન્ડને મોકલવામાં આવશે.

લોકસભા ચૂંટણીને લઇ બોલાવવામાં આવેલી બેઠકમાં રીવ્યું લેવાયો કે બૂથ મેનેજમેન્ટ માટે બનાવવામાં આવેલા જનમિત્ર અને કાર્યકર્તાઓને એકમંચ પર લાવતા શક્તિ પ્રોજેક્ટની સ્થિતિ શું છે. અત્યાર સુધી ચૂંટણી મેનેજમેન્ટમાં કોંગ્રેસ કરતા ભાજપ ચડિયાતું સાબિત થતું આવ્યું છે. ત્યારે કોંગ્રેસે લોકસભા માટે ખાસ તૈયારીઓ કરી છે. જે મુજબ પેજ પ્રભારી અને તમામ બૂથ માટે જનમિત્રની નિમણૂક કરી દેવાઈ છે. એટલે કે કોંગ્રેસ આ ચૂંટણીમાં બૂથ મેનેજમેન્ટ પર સૌથી વધારે ધ્યાન આપશે. સાથે જ રાહુલ ગાંધીને ગુજરાતમાં વધારેમાં વધારે પ્રચાર કરવા વિનંતી કરવામાં આવી છે.

કોંગ્રેસે લોકસભા માટે તૈયારીઓ તો શરુ કરી દીધી છે પરંતુ સમસ્યા એ છે કે ચૂંટણી જીતી શકે એવા ઉમેદવાર કોને બનાવવા. ચૂંટણીમાં કોંગ્રેસ એવો વ્યૂહ અપનાવવા જઈ રહી છે કે અંદાજિત 10 બેઠક પર ઉમેદવારોને તૈયારીઓ શરૂ કરી દેવા જણાવી દેવામાં આવે. જેના માટેની કેટલીક બેઠકો પર સર્વસંમતિ સધાઈ રહી છે. તો જાન્યુઆરીના અંત સુધીમાં ચૂંટણી સમિતી ઉમેદવારની પેનલો તૈયાર કરીને મોકલી અપાશે.

જેમાં લોકસભા બેઠકમાં સ્વીકૃતિ ધરાવનાર ધારાસભ્યોને પણ ચાન્સ આપવામાં આવશે. હાલ ગુજરાતમાંથી કોંગ્રેસ પાસે લોકસભાની એકપણ બેઠક નથી. જો કે ૨૦૧૪ અને ૨૦૧૯ની રાજકીય પરિસ્થિતિઓ ઘણી બદલાઈ છે. ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં પોતાને ભાજપ સમકક્ષ જોઈ રહી છે. દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે કે ભાજપ કરતા વધારે બેઠકો કોંગ્રેસ જીતશે. આ દાવામાં કેટલો દમ છે તે તો પરિણામો બાદ ખબર પડશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter