GSTV

બેન્કોના ખાનગીકરણમાં તમારા પૈસાની કોઈ સલામતી નથી

૨૦૧૭-૧૮નું નાણાં વર્ષ દેશના બેન્કિંગ ઉદ્યોગ માટે યાદગાર બની રહેશે. નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)માં થયેલા વધારામાંથી બેન્કોને બહાર કાઢવાના વર્ષ દરમિયાન પ્રયાસો થઈ રહ્યા હતા ત્યારે રૃપિયા ૧૩૫૦૦ કરોડથી વધુના પીએનબી કૌભાંડ બાદ બહાર આવેલા અન્ય બેન્ક કૌભાંડોએ સમગ્ર બેન્કિંગ ઉદ્યોગને બદનામ કરી  નાખ્યો છે. ટૂંક સમયમાં સત્તાના ચાર વર્ષ પૂરા કરી રહેલી કેન્દ્રની વર્તમાન સરકાર માટે બેન્કિંગ ક્ષેત્રના ડામાડોળ કારભારને થાળે પાડવાનું માથાનો દુખાવો બની ગયું છે. બેન્કિંગ ક્ષેત્રની સ્થિતિ ગંભીર બનતા બેન્કોમાં ખાનગીકરણ લાવવાના અનેક સ્તરેથી વિચારો વહેતા થયા હતા.

ખાનગીકરણ કરવાથી કદાચ સરકારની જવાબદારી ઓછી થઈ શકે પરંતુ તાજેતરમાં ખાનગી બેન્કોના બહાર આવેલા કારભાર પરથી ખાનગી બેન્કોમાં કૌભાંડો થતાં નથી એવું  ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી. માટે ખાનગી બેન્કોમાં પ્રજાના નાણાં સલામત રહેશે એમ માની શકાય નહીં. બેન્કિંગ ક્ષેત્રે સ્થિતિ ઘણી જ ધૂંધળી છે. રિઝર્વ બેન્કના નાણાંકીય સ્થિરતા પરના રિપોર્ટ પર નજર નાખતા જણાય છે કે, માર્ચ ૨૦૧૭ના અંતે દરેક કમર્સિઅલ બેન્કોની ગ્રોસ એનપીએ કુલ એસેટસના ૯.૬૦ ટકા હતી જે સપ્ટેમ્બર ૨૦૧૭ના અંતે વધીને ૧૦.૨૦ ટકા રહી હતી અને માર્ચ ૨૦૧૮ના અંતે આ આંક ૧૦.૮૦ ટકા રહ્યો હતો.

દરેક બેન્કોની મળીને ગ્રોસ એનપીએમાં ખાનગી ક્ષેત્રની બેન્કોનો હિસ્સો ૨૫ ટકા જેટલો રહ્યો છે. આમ ખાનગી બેન્કોને પણ એનપીએની સમશ્યા રહેલી છે. રિઝર્વ બેન્કે એનપીએને વહેલી ઓળખી કાઢી તે માટે પ્રોવિઝનિંગ કરવાના નિર્દેશ આપ્યા બાદ બેન્કોના નફામાં ગંભીર અસર જોવા મળી રહી છે.  બેન્કોના કામકાજ કથળતા છેવટે તેની અંતિમ અસર તો બેન્કના શેરધારકો, ખાતેદારો અને દેશના કરદાતાના નાણાં પર જ પડે છે. પછી તે ખાનગી બેન્ક હોય કે જાહેર ક્ષેત્રની કમર્સિઅલ બેન્ક. ખાનગી ક્ષેત્રની કમર્સિઅલ બેન્કો માટે રિઝર્વ બેન્કની ભૂમિકા નિયામક અને નિરીક્ષક તરીકેની રહે છે. ખાનગી ક્ષેત્રની બેન્કમાં સીઈઓ, ડાયરેકટરોની  નિમણૂંક માટે બોર્ડ ભલામણ કરે છે અને આરબીઆઈ તેના પર નિર્ણય લે છે. રિઝર્વ બેન્ક ખાનગી બેન્કો પર દેખરેખ પણ રાખવાની રહે છે.

રિઝર્વ બેન્ક દ્વારા દેખરેખમાં નિષ્ફળતાનું આ સ્પષ્ટ ઉદાહરણ

જાહેર ક્ષેત્રની બેન્કો માટે બેન્કિંગ રેગ્યુલેશન એકટ હેઠળ સરકાર બેન્કની માલિક તરીકે બેન્કના ઈન્ડીપેન્ડન્ટ ડાયરેકટરો, સીઈઓ તથા ડાયરેકટરોની  નિમણૂંકનો નિર્ણય પોતે લે છે. દરેક બેન્કો પછી તે ખાનગી હોય કે જાહેર ક્ષેત્રની બેન્કો વહીવટ ચલાવવાની જવાબદારી બોર્ડ ઓફ ડાયરેકટર્સ, ઓડિટ કમિટિ, સ્ટેટયૂટરી ઓડિટરો વગેરેની રહે છે. પીએનબી કૌભાંડ જે ૨૦૧૧માં શરૂ થયું હતું અને ૨૦૧૮ સુધી ચાલુ રહ્યું હતું ત્યારે તેના માલિક અને નિયામક તરીકે પ્રાથમિક જવાબદારી સરકારની બની રહે છે. રિઝર્વ બેન્ક દ્વારા દેખરેખમાં નિષ્ફળતાનું આ સ્પષ્ટ ઉદાહરણ છે. બીજી બાજુ આઈસીઆઈસીઆઈ બેન્કમાં બેડ લોન્સની ગંભીર સમશ્યા હોવાનું તાજેતરમાં બહાર આવ્યું છે. અનેક શંકાસ્પદ ટ્રાન્ઝકશનો બદલ તેના ઉચ્ચ અધિકારીઓના નામ ચર્ચામાં આવ્યા છે.

આ બેન્કમાં વહીવટી ક્ષતિ રહી હોવાના અહેવાલો આવી રહ્યા છે, આમ છતાં બેન્કિંગ રેગ્યુલેટર અથવા સુપરવાઈઝર તરીકે રિઝર્વ બેન્કે આઈસીઆઈસીઆઈ બેન્કમાં  હજુ સીધી દરમિયાનગીરી કરી નથી. તાજેતરના વર્ષોમાં બેન્કિંગ ફ્રોડમાં થઈ રહેલા વધારાને  ધ્યાનમાં રાખી આરબીઆઈ બેન્કોને સૂચના આપતા પરિપત્રો અવારનવાર જારી કરતી રહે છે. ભારતની બેન્કિંગ વ્યવસ્થામાં ચાલી રહેલી ગેરશિસ્ત પ્રત્યે આરબીઆઈએ અનેક વેળા ચિંતા વ્યકત કરી છે – કરતી રહે છે. બેન્કો દ્વારા પૂરી પડાતી માહિતીને આધારે આરબીઆઈ ગેરરીતિઓનું વર્ગીકરણ કરી તેને અટકાવવા આવશ્યક યંત્રણા કામે લગાડે છે. આમછતાં બેન્ક કૌભાંડો અટકતા નથી એ પીએનબી તથા અન્ય બેન્કોના તાજેતરના ઘટનાક્રમોએ સાબિત કરી આપ્યું છે.

રિઝર્વ બેન્કે ભૂલો કરી

ખાનગી તથા જાહેર ક્ષેત્રની બેન્કોમાં બેડ-લોન્સની કટોકટીએ બેન્કો પર બહારી નિરીક્ષણ એટલે કે રિઝર્વ બેન્કની દેખરેખ બિન-અસરકારક રહી હોવાનું પૂરવાર કર્યું છે. રિઝર્વ બેન્કે હાથે કરીને અથવા તો અજાણી રીતે તાણ હેઠળની એસેટસનો આંક વધવા દીધો છે. સરકાર જે કંઈપણ વેપારને સક્ષમતાપૂર્વક ચલાવી ન શકે તે વેપાર ખાનગી ક્ષેત્રને સોંપી દેવાની અનેક સ્તરેથી માગ ઉઠતી હોવાનું  અથવા ભલામણો કરાતી હોવાનું ભારતમાં અનેક વેળા જોવા મળ્યું છે. છેલ્લામાં છેલ્લો દાખલો એર ઈન્ડિયાનો છે.

જો કે એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરવું અને બેન્કોનું ખાનગીકરણ કરવું એમાં વ્યાપક તફાવત છે. માટે જ બેન્કોના ખાનગીકરણમાં તરફેણ અને વિરોધ બને જોવા મળે છે. રૃપિયા ૪૮૦૦૦ કરોડના દેવાબોજ સાથેની એર ઈન્ડિયાને વેચવા માટે સરકારે પગથિયા ઘસવા પડી રહ્યા છે તો એસબીઆઈને બાદ કરતા રૃપિયા પાંચ લાખ કરોડથી વધુની એનપીએ સાથેની આપણી જાહેર ક્ષેત્રની બેન્કોના ખાનગીકરણ કરવામાં સરકારે કેટલી જહેમત ઉઠાવવી પડે એ સમજી શકાય એમ  છે.

Related posts

લોકોના હાથે લોકો દ્વારા સેવા, કોરોનાના ફફડાટ વચ્ચે જમાલપુરના આ યુવાનના આઈડિયાએ ઘણાંની ભૂખ ઠારી

pratik shah

આગામી પાંચ દિવસ ગુજરાત માટે અતિ મહત્વનાં, સરકારે આપી આ ચેતવણી

pratik shah

અભિનયની સાથે આ સ્કીલમાં પણ માહિર છે સૈફની લાડલી, શેર કર્યો થ્રોબેક વીડિયો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!