અનશન પર બેઠેલા સ્વામી જ્ઞાનસ્વરૂપની આ ચાર હતી માગણીઓ, પણ પ્રધાનમંત્રીએ એકપણ પત્રનો જવાબ આપ્યો નહીં

ગંગા નદીને પ્રદૂષણ મુક્ત કરાવવા માટે 112 દિવસ સુધી અનશન પર બેઠેલા પ્રોફેસર જી. ડી. અગ્રવાલ ઉર્ફે સ્વામી જ્ઞાનસ્વરૂપ સાનંદનું કાર્ડિયક એરેસ્ટને કારણે ગુરુવારે નિધન થયું છે. તેમણે 10મી ઓક્ટોબરથી જળત્યાગ પણ કર્યો હતો. નિધન પહેલા જી. ડી. અગ્રવાલે ગંગા નદીની સાફસફાઈ માટે કુલ ત્રણ પત્રો લખ્યા હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ગંગાપુત્ર જી. ડી. અગ્રવાલને તેમના એકપણ પત્રનો જવાબ મળ્યો નહી.

સ્વામી જ્ઞાનસ્વરૂપ સાનંદ તરીકે ઓળખતા પ્રોફેસર જી. ડી. અગ્રવાલે પોતાના ત્રીજા અને આખરી પત્રમાં વડાપ્રધાન મોદી સમક્ષ ચાર માગણીઓ રજૂ કરી હતી. સ્વામી સાનંદે પોતાના આખરી પત્રમાં માગણી કરી હતી કે 2012માં ગંગા મહાસભા દ્વારા તૈયાર કરવામાં આવેલા મુસદ્દાના આધારે સંસદમાં ખરડો મંજૂર કરાવીને કાયદો બનાવવાની માગણી કરી હતી. સંસદમાં ખરડો પારીત નહીં થવાની સ્થિતિમાં ગંગા સંરક્ષણ અને પ્રબંધન પર વટહુકમ લાવવાનું પણ સૂચન કર્યું હતું.

પત્રમાં બીજી માગણી કરવામાં આવી હતી કે અલકનંદા, ધૌલીગંગા, નંદાકિની, પિંડર અને મંદાકિની નદીઓ પર બનેલા હાઈડ્રો-પાવર પ્રોજેક્ટ્સને અવિલંબ બંધ કરવાનો આદેશ આપવામાં આવે. તેમણે ત્રીજી માગણી કરી હતી કે હરિદ્વાર કુંભ ક્ષેત્રમાં વૃક્ષો કાપવા, માઈનિંગ અને ચર્મ ઉદ્યોગ તથા કતલખાનાઓને બંધ કરાવવાની માગણી કરવામાં આવી હતી.

પત્રમાં જી. ડી. અગ્રવાલે ચોથી માગણી કરી હતી કે જૂન-2019 સુધીમાં ગંગા ભક્ત પરિષદની રચના કરવામાં આવે. ગંગા ભક્ત પરિષદ માટે 20 સદસ્યોને મનોનીત કરવાનો પણ તેમણે આગ્રહ કર્યો હતો. દિવંગત અગ્રવાલે પત્રમાં જણાવ્યુ હતુ કે આ ગંગા ભક્તોએ ગંગાજીમાં જઈને સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવાના શપથ લેવા પડશે.

પ્રોફેસર જી. ડી. અગ્રવાલના નિધન બાદ ગંગાપુત્રના પત્રોનો જવાબ નહીં આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને સ્વામી સાનંદના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. અનશન દરમિયાન કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી સ્વામી સાનંદને મળવા માટે ગયા હતા. જી. ડી. અગ્રવાલે પોતાના આખરી પત્રમાં આનો ઉલ્લેખ પણ કર્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter