ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ માટે આ દિગ્ગજો વચ્ચે થશે રેસ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે નવા કોચની નિમણુંક માટે ગુરૂવારે બીસીસીઆઈની પસંદગી પેનલ ઈન્ટરવ્યૂ લેશે, જેમાં ગેરી કસ્ટર્ન, હર્શેલ ગિબ્સ અને રમેશ પોવાર સહિત અન્ય દાવેદારો ભાગ લેશે. આ પદ માટે 28 ઉમેદવારોએ અરજી કરી હતી અને જે દાવેદારોને ઈન્ટરવ્યૂ માટે ક્રમબદ્ધ કરવામાં આવ્યા છે તેમાં કસ્ટર્ન, ગિબ્સ અને રમેશ પોવાર સિવાય ડબ્લ્યૂવી રમન, વેન્કટેશ પ્રસાદ, મનોજ પ્રભાકર, ટ્રેન્ટ જાનસ્ટન, માર્ક કોલ્સ, દિમિત્રી માસ્કરેન્હાસ અને બ્રેડ હૉગ સામેલ છે.

આ નામી દાવેદારોનું ઈન્ટરવ્યૂ એક તદર્થ સમિતિ લેશે, જેમાં પૂર્વ ભારતીય ખેલાડીઓ કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીને સામેલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે મોટાભાગના વિદેશી ખેલાડી સ્કાઇપ દ્વારા પોતાનુ પ્રસ્તુતિકરણ આપશે, જ્યારે પોવાર જેવા સ્થાનિક દાવેદાર ખાનગી રીતે પહોંચશે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું, ‘તદર્થ સમિતિમાં પ્રતિષ્ઠિત પૂર્વ ખેલાડી સામેલ છે. મને તેમાં કોઇ શંકા નથી કે તેઓ સર્વશ્રેષ્ઠ ઉમેદવારોને પસંદ કરશે.’

સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણુંક કરાયેલ અધ્યક્ષ વિનોદ રાય અને ડાયના એડલ્જીની વહીવટી સમિતિ કોચ પસંદગી પ્રક્રિયા પર વિભાજીત છે. એડલ્જી ઈચ્છતી હતી કે પોવાર ઓછામાં ઓછા આવતા મહિના સુધી યોજાનારા ન્યૂઝીલેન્ડ પ્રવાસ સુધી કોચ તરીકે જળવાઇ રહે જ્યારે રાયે બીસીસીઆઈના સર્વોચ્ચ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે આ પદ માટે તેઓ અરજી મંગાવે.

પોવારનો કાર્યકાળ રહ્યો વિવાદાસ્પદ

પોવારનો વિવાદાસ્પદ અંતિમ કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થયો હતો. વન-ડે ટીમના કેપ્ટન અને સીનિયર ખેલાડી મિતાલી રાજ સાથે પસંદગી મુદ્દાને લઇને તેમને જે મતભેદ થયા હતા, જેને લઇને તેઓ ચર્ચામાં આવ્યા હતાં. બોર્ડે હવે ઈન્ટરવ્યૂની પ્રક્રિયા આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. ટી-20 કેપ્ટન હરમનપ્રીત અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાના સમર્થન બાદ ભારતના પૂર્વ સ્પિનર પોવારે આ પદ માટે ફરી અરજી કરવાનો નિર્ણય કર્યો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter