GSTV

વિશેષ/ મેહુલ ચોકસી નહીં બેંકોને અબજોનો ચૂનો લગાડી ભાગી ગયા આ 7 કૌભાંડી, જાણી લો કયા છે ઉદ્યોગપતિઓ

મેહુલ

Last Updated on May 31, 2021 by Damini Patel

ભાગેડુ આર્થિક અપરાધી મેહુલ ચોક્સી અચાનક એન્ટિગુઆમાંથી લાપતા થયા અને ત્યારબાદ ડોમિનિકાથી ઝડપાયા આવ્યા બાદ તેનું ભારતને પ્રત્યાર્પણ થશે કે નહીં તે બાબતે હાલ ચર્ચાઓ ચાલી રહી છે. માત્ર મેહુલ ચોક્સી જ નહીં આવા ઘણા ઉદ્યોગપતિઓ છે જે બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી વિદેશ ભાગી ગયા છે અને તેમને ભારતમાં પરત લાવવાની કાર્યવાહી ચાલી રહી છે.

આ ઘટના બાદ ફરી એક વાર વિદેશ ભાગી ગયેલા ભાગેડુઓની પ્રત્યાર્પણની ઉગ્ર માંગ ઉઠી છે. આવા ભાગેડુ આર્થિક અપરાધીઓ ક્યારે ભારત આવશે અને બેન્કો પોતાની લોનની વસૂલાત કેવી રીતે કરશે તે એક મોટો યક્ષપ્રશ્ન છે.

લોન

આવા ઉદ્યોગપતિઓની યાદી ઘણી લાંબી છે જેઓ બેન્કોને કરોડોનું ફુલેકુ ફેરવી વિદેશ ભાગી ગયા છે અને તેમનુ ભારતને પ્રત્યાર્પણ થવાની રાહ જોવાઇ રહી છે. જેમાં મેહુલ ચોક્સી ઉપરાંત, લલીત મોદી, વિજય માલ્યા, નીરવ મોદી અને નીતિન સાંડેસરા, જતિન મહેતા, સંજય ભંડારી મુખ્ય નામો છે.

સરકાર દ્વારા સંસદમાં ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલી માહિતી મુજબ જુદા જુદા દેશોમાંથી ૭૨ ભાગેડુ અપરાધીઓનું ભારતને પ્રત્યારપણ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વર્ષ ૨૦૧૯ની એક આરટીઆઇના પ્રત્યુત્તર મુજબ વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધી માત્ર બે ભાગેડુઓને ભારત પરત લાવવામાં સફળતા મળી છે.

મેહુલ ચોક્સી

મેહુલ ચોકસી પીએનબીના ૧૪,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો બીજો મુખ્ય આરોપી છે અને તે પણ નીરવ મોદીની જેમ ભારતીય એજન્સીઓના હાથમાંથી છટકી રાતોરાત એન્ટિગુઆ જતો રહ્યો હતો. પરંતુ તાજેતરમાં એન્ટિગુઆથી લાપતા થયા બાદ હાલ ડોમિનિકામાં તેની ધરપકડ કરી લેવામાં આવ્યા બાદ મેહુલ ચોક્સીનું પ્રત્યાર્પણ કરવાની માંગણી કરાઇ રહી છે.

નીરવ મોદી

મોદી

પંજાબ નેશનલ બેન્કમાં ૧૪૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યુ હોવાની ઘટના વર્ષ ૨૦૧૮માં સામે આવ્યા બાદ હીરાના વેપારી નીરવ મોદી પણ રાતોરાત વિદેશ ભાગી ગયા હતા. ભારતના બેન્કિંગ ઇતિહાસનું આ સૌથી મોટું કૌભાંડ હતુ. લંડનમાં છુપાઇને રહેતા નીરવ મોદીની ત્યાંની સ્થાનિક પોલીસે ઘરપકડ કરી હતી. વર્ષ ૨૦૧૮થી નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે લંડન સાથે ભારત સરકારની વાતચિત ચાલી રહી છે. ચાલુ વર્ષે એપ્રિલમાં નીરવ મોદી બ્રિટનની કોર્ટમાં કેસ હારી જતા ભારતને પ્રત્યાર્પણ કરવા આડેના અવરોધો દૂર થઇ ગયા હતા. બ્રિટનની સરકાર પણ ભારતને પ્રત્યાર્પણ કરવા રાજી થઇ ગઇ છે. પરંતુ નીરવ મોદીએ ભારતને પોતાનું પ્રત્યાર્પણ કરવા વિરુદ્ધ અદાલતમાં નવી અપીલ દાખલ કરી છે.

વિજય માલ્યા

બંધ થયેલી કિંગફિશર એલાઇન્સના માલિક વિજય માલ્યા પણ ભારતમાં ૯૦૦૦ કરોડ રૂપિયાનું બેન્ક કૌભાંડ કરી માર્ચ ૨૦૧૬માં વિદેશ ભાગી ગયો છે, સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જે સમયે તે વિદેશમાં નાસી છુટયા ત્યારે તે રાજ્યસભાના સાંસદ હતા. માલ્યા હાલ બ્રિટનમાં છે અને તેના પ્રત્યાર્પણ માટે ભારતે તમામ કેસોમાં જીત હાંસલ કરી લીધી છે. પરંતુ બ્રિટનની સરકાર તરફથી હાલ ઔપચારિક મંજૂરીની રાહ જોવાઇ રહી છે.

લલીત મોદી

ભારતમાં આઇપીએલ ક્રિકેટ મેચ શરૂ કરવાનો શ્રેય લલીત મોદીને જાય છે. તેમની ઉપર બીસીસીઆઇમાં ૭૫૩ કરોડની ધાંધલી કરવાનો આરોપ છે. ઇડી દ્વારા લલીત મોદી વિરુદ્ધ કેસ દાખલ થાય તેની પહેલા જ તે ચોરીછુપે વિદેશ ભાગી ગયા. ઓક્ટોબર ૨૦૧૦માં બીસીસીઆઇ એ લલીત મોદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જો કે સાત વર્ષ સુધી પોલીસ તપાસમાં કોઇ પ્રગતિ થઇ નહીં, જેના પરિણામે ઇન્ટરપોલે લલીત મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવાની સીબીઆઇની વિનંતી નકારી કાઢી હતી. વિદેશ ભાગી ગયા બાદ ભારતે દાયકા બાદ લલીત મોદીના પ્રત્યાર્પણની અરજી કરી. લલીત મોદી હાલ લંડનમાં હોવાનું મનાય છે.

જતિન મહેતા

હીરાના વેપારી જતિન મહેતા પણ બેન્ક કૌભાંડ કેસમાં ભારતમાંથી વિદેશ ભાગી ગયા છે. જતિન મહેતા દ્વારા પ્રમોટેડ વિન્સમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરીનું કૌભાડ નીરવ મોદી અને કિંગફિશરના વિજય માલ્યાના ફ્રોડ પછીનું ત્રીજું સૌથી મોટું બેન્ક કૌભાંડ કહેવાય છે. તેમની પાસેથી બેન્કોએ ૬૫૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ લેવાની નીકળે છે. વર્ષ ૨૦૧૩માં જતિન મહેતા પોતાના પરિવાર સાથે ભારતમાંથી કેરેબિયન આઇસલેન્ડ સેટ કિટ્સ ભાગી ગયા હતા. તેમણે સેટ કિટ્સથી યુકેમાં સ્થળાંતર કર્યુ હોવાની મળી છે. જો કે વર્ષ ૨૦૨૦માં તે યુરોપિયન દેશ મોંટેન્ગ્રો રહેતો હોવાની માહિતી આવી હતી. એવુ મનાય છે કે તેમણે નવી કંપનીઓ બનાવી છે.

નીતિન સાંડેસરા

ઉદ્યોગપતિ નીતિન સાંડેસરા, તેમની પત્ની દિપ્તી સાંડેસરા અને સાળા હિતેલ પટેલ પણ ૧૫,૬૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરી વિદેશ નાસી છુટયા છે. આ બેન્ક કૌભાંડમાં સાંડેસરા દ્વારા પ્રમોટેડ સ્ટર્લિંગ બાયોટેક ગુ્રપ શામેલ છે. તેઓ વર્ષ ૨૦૧૭માં ભારતમાંથી નાઇઝિરિયા ભાગી ગયા હતા. ગત ફેબુ્રઆરીમાં તેમણે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરી છે કે નાઇઝિરિયા અને અલ્બાનિયા એ વર્ષ ૨૦૧૯માં ભારત દ્વારા કરાયેલી પ્રત્યાર્પણની વિનંતીને ફગાવી દીધી છે. નીતિન સાંડેસરાને પાછલા વર્ષે ભારત સરકારે ભાગેડુ જાહેર કર્યા છે.

સંજય ભંડારી

સંજય ભંડારી એક મની લોન્ડરિંગના કેસમાં ભાગેડુ જાહેર છે અને એક હાઇ-પ્રોફાઇલ ભાગેડુ છે. સંજય ભંડારી હાલ બ્રિટન રહે છે અને લંડનની એક અદાલતમાં ભારતના પ્રત્યાર્પણનો વિરોધ કરી રહ્યા છે.

યુકેની સરકારે વર્ષ ૨૦૨૦માં ભારતને પ્રત્યાર્પણ કરવાનું મંજૂર કર્યા બાદ સંજય ભંડારીને ધરપકડ કરાઇ છે. જો કે તેણે અદાલતના દ્વાર ખટખટાવ્યા છે અને પ્રત્યાર્પણના પગલાંનો વિરોધ કરી જામીન મેળવી લીધી છે.

Read Also

Related posts

CTET 2021 / હવે અરજદાર કરી શકશે કોમ્પ્યુટર આધારિત પરીક્ષાનો અભ્યાસ, CBSE એ જાહેર કરી નોટિફિકેશન

Zainul Ansari

આરોગ્ય/ આ કારણે દરરોજ પીવું જોઇએ નાળિયેર પાણી, મળશે આ 5 ગજબ ફાયદા

Bansari

વાઇરલ વિડીયો / થોડીક સેકન્ડોમાં જ કરોળિયાની જેમ દીવાલ પર ચઢી ગઈ આ ‘સ્પાઈડરગર્લ’, વીડિયો જોઈને ડરી ગયા લોકો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!