GSTV
Home » News » જયંતિ ભાનુશાળી સામે ફરિયાદ રદ થાય તો મને વાંધો નથી, દુષ્કર્મકાંડ કે રાજકીય ષડયંત્ર

જયંતિ ભાનુશાળી સામે ફરિયાદ રદ થાય તો મને વાંધો નથી, દુષ્કર્મકાંડ કે રાજકીય ષડયંત્ર

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી વિરૃદ્ધ સુરતમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદની પીડિતાએ આજે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સોગંદનામા દ્વારા અને મૌખિક રીતે રજૂઆત કરી હતી કે જયંતિ ભાનુશાળી વિરૃદ્ધ તેણે નોંધાવેલી ફરિયાદ રદ થાય તો તેને કોઈ વાંધો નથી. જો કે હાઈકોર્ટે પીડિતાને હજુ વિચારવાનો સમય આપ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં જયંતિ ભાનુશાળી તરફ ઉઠેલા આરોપોની હારમાળા એક રાજકીય ષડયંત્રનો ભાગ હોવાનું બહાર આવ્યું છે. રાજકીય વર્તુળમાં ચર્ચા છે કે જયંતિ ભાનુશાળી અને અબડાસા(કચ્છ)ના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા છબીલ પટેલ વચ્ચેની રાજકીય લડાઈના હવે સમાધાન તરફ જઈ રહી છે. જેથી તેના વિરૃદ્ધ નોંધાયેલી ફરિયાદ પરત ખેંચાઈ છે.

  • સુરતની દુષ્કર્મ પીડિતાને જયંતિ ભાનુશાળી સામેની ફરિયાદ રદ થાય તો વાંધો નથી : હાઈકોર્ટમાં સોગંદનામું
  • મીઠી ખારેક ખાવા બોલાવી વીડિયો ક્લિપ ઉતારવાનો જયંતિના ભાનુશાળીનો કારસો તેને જ નડયો
  • રાજકીય સંન્યાસ લેવાને શરતે ભાનુશાળીએ છબીલ પટેલ સાથે સમાધાન કર્યું હોવાની ચર્ચા

રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે જયંતિ ભાનુશાળીએ રાજકીય સંન્યાસ લેવાની શરતે અને અબડાસાના કોઈ પ્રકરણમાં દખલગીરી નહીં કરવાની શરતે સમાધાન કર્યું છે. બદલામાં તેના વિરૃદ્ધની ફરિયાદો પરત ખેંચવામાં આવશે. જેથી જયંતિ ભાનુશાળી ભૂગર્ભમાંથી હવે બહાર આવે તેવી શક્યતા છે. જો કે છબીલ પટેલ આ પ્રકરણથી દૂર હોવાની વાત ઉચ્ચારી રહ્યા છે તેમજ રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહેલી તમામ વાતોને નકારી રહ્યા છે. ૧૧મી એપ્રિલે જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ નરોડા પોલીસ સ્ટેશનમાં નખત્રાણા(ક્ચ્છ)ની મનીષા ગોસ્વામી નામની મહિલા વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સુનિલ ભાનુશાળીનો આક્ષેપ હતો કે મનીષાએ તેને કેફી પીણું પીવડાવી તેની કઢંગી અવસ્થાની વીડિયો ક્લિપ ઉતારી છે અને તેના આધારે દુષ્કર્મના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રહી છે. મનીષાએ ખંડણીરૂપે ૧૦ કરોડ રૂપિયા માગ્યા હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં થયો છે.

આ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી મનીષાને ૧૦મી જૂનથી સાબરમતી સેન્ટ્રલ ધકેલી દીધી છે. ત્યારબાદ મનીષાએ વિવિધ આક્ષેપો કરતા મામલો ચર્ચામાં આવ્યો હતો. મનીષાએ પણ સામે એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આ કેસનો મુખ્ય સૂત્રધાર જયંતિ ભાનુશાળી છે. જયંતિ ભાનુશાળીએ તેને કેફી પદાર્થ ખવડાવી બેભાન કરી હતી અને તેની નગ્નાવસ્થાની વીડિયોક્લિપ ઉતારી હતી. મનીષાની આવી ફરિયાદ પર પોલીસ કાર્યવાહી ન કરી રહી હોવાનો આક્ષેપ કરાયો હતો. ત્યાં સુધી આ પ્રકરણે જોર નહોતું પકડયું પરંતુ જુલાઈ મહિનામાં સુરતની નાના વરાછા વિસ્તારની એક યુવતીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે જયંતિ ભાનુશાળીએ ફેશન ડિઝાઇનિંગના કોર્ષમાં એડમિશન અપાવવાની લાલચે તેના પર દુષ્કર્મ આચર્યુ છે અને તેની વીડિયો ક્લિપીંગ ઉતારી છે.

સુરતના દુષ્કર્મ કેસમાં પોલીસ સમન્સ જારી થયા બાદથી જયંતિ ભાનુશાળી ભૂગર્ભમાં

આ ફરિયાદ બાદ નડિયાદની એક વિધવા મહિલાએ પણ જયંતિ ભાનુશાળી પર આ પ્રકારના આરોપો કર્યા હતા, આ મહિલાનો આક્ષેપ હતો કે પોલીસ તેની ફરિયાદ સ્વીકારી રહી નથી. મનીષા ગોસ્વામી અને સુરતની પીડિતાના આક્ષેપો બહાર આવ્યા બાદ ૧૩મી જુલાઈએ જયંતિ ભાનુશાળીએ સ્વેચ્છાએ પક્ષમાંથી રાજીનામુ આપ્યું હતું અને કારણ દર્શાવ્યું હતું કે તેની વિરૃદ્ધના આક્ષેપોથી દુઃખી થઈ રાજીનામું આપી રહ્યા છે. સુરતના દુષ્કર્મ કેસમાં પોલીસ સમન્સ જારી થયા બાદથી જયંતિ ભાનુશાળી ભૂગર્ભમાં છે. કચ્છની ફરિયાદી મનીષા ગોસ્વામીએ પણ સ્વીકાર્યું છે કે શરૃઆતમાં તેની અને જયંતિ ભાનુશાળી વચ્ચે પ્રેમસંબંધો હતા પરંતુ બાદમાં આ સંબંધો બગડયા હતા અને મનીષા જંયંતિ ભાનુશાળીના વિરોધમાં ઊભી થઈ હતી.

મનીષા પાસે જયંતિ ભાનુશાળીના ઘણાં રહસ્યો હોવાની વાતોએ પણ જોર પકડયું છે. મનીષા હાઈકોર્ટ સમક્ષ આક્ષેપ પણ કરી ચૂકી છે કે મોટા સેક્સ સ્કેન્ડલમાં જયંતિ ભાનુશાળીની સંડોવણ છે. તેથી જેલમાં રહેલી મનીષા ગોસ્વામી બહાર ન આવે તે માટે જયંતિ ભાનુશાળીએ અલગ-અલગ લોકો મારફત ત્રણ એફ.આઈ.આર. અને બે કાચી ફરિયાદ કરાવી હતી. જેમાં એક ફરિયાદી કચ્છ-મુંબઈનો મોટો વેપારી છે. જેની ક્લિપ પણ આવી રીતે ઉતારવામાં આવી હતી. આ વેપારીએ હાઈકોર્ટ સમક્ષ સ્વીકાર્યુ છે કે જયંતિ ભાનુશાળીના દબાણમાં આવી તેને મનીષા વિરૃદ્ધ આ ફરિયાદ કરી છે. એવી ચર્ચા વહેતી થઈ છે કે આ મનીષા ગોસ્વામીની મદદથી અબડાસાના નેતા છબીલ પટેલે જયંતિ ભાનુશાળી વિરૃદ્ધ મોરચો માંડયો હતો. છબીલ પટેલ હાલ ભાજપમાં છે પરંતુ ૨૦૧૨ની વિધાનસભા ચૂટણી સમયે તે કોંગ્રેસમાં હતા.

અબડાસા અને કચ્છના રાજકારણ મુદ્દે બન્ને વચ્ચે પહેલેથી મતભેદો

અબડાસા બેઠકની ૨૦૧૨ની ચૂંટણીમાં જયંતિ ભાનુશાળી ભાજપના ઉમેદવાર અને છબીલ પટેલ કોંગ્રેસના ઉમેદવાર હતા. અબડાસા અને કચ્છના રાજકારણ મુદ્દે બન્ને વચ્ચે પહેલેથી મતભેદો અને દુશ્મની જેવી પરિસ્થિતિ હતી તેની કચ્છના લોકોને જાણ છે. જો કે ૨૦૧૪માં છબીલ પટેલે ભાજપ પ્રવેશ કરતા બન્ને વેરી એક પક્ષમાં જોડાતા વર્ચસ્વની લડાઈ વધુ ઉગ્ર બની હતી. છબીલ પટેલ ભાજપમાં આવતા ત્યાં ૨૦૧૪માં પેટાચૂંટણી થઈ હતી. જેમાં ભાજપે આ બેઠકના જૂના નેતા જયંતિ ભાનુશાળીની જગ્યાએ પક્ષાંતર કરી આવેલા છબીલ પટેલને મોકો આપ્યો હતો. જો કે આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી શક્તિસિંગ ગોહિલે વિજય મેળવ્યો હતો. પેટાચૂંટણીમાં નિષ્ફળ ગયેલા છબીલ પટેલને ફરી ૨૦૧૭માં અબડાસાની ટિકીટ આપતા જયંતિ ભાનુશાળીનો અહમ ઘવાયો હોવાનું પક્ષના લોકોનું કહેવું છે. આ ચૂંટણીમાં પણ છબીલ પટેલ પરાજિત થતા એક જ પક્ષના બે નેતાઓ વચ્ચે ઝેરી વેરના બીજ રોપાયા હતા.

છબીલ પટેલની ઓડિયો ક્લિપનું સત્ય શું?

થોડાં દિવસો પહેલાં છબીલ પટેલ એક વ્યક્તિ સાથે વાત કરતા હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રૃપાલાને મુખ્યમંત્રી બનાવવા માટે જયંતિ ભાનુશાળીએ મહેનત કરી હતી અને દિલ્હી ગયા હતા. તેવી વાત પણ ઉચ્ચારવામાં આવી છે કે સ્ત્રીઓના ચક્કરમાં જયંતિ ભાનુશાળીએ કરોડો રૃપિયા ખર્ચી નાંખ્યા છે. જો કે છબીલ પટેલનું કહેવું છે કે આ ઓડિયો ક્લિપ તેમની નથી.

મારી ફરિયાદ રદ થાય તો મને વાંધો નથી

સુરતની પીડિતા સુરતની પીડિતાએ આજે હાઈકોર્ટના જસ્ટિસ પી.પી. ભટ્ટ સમક્ષ સોગંદનામુ રજૂ કર્યુ હતું. જેમાં તેણે એવી રજૂઆત કરી છે કે જયંતિ ભાનુશાળી વિરૃદ્ધ તેણે કરેલી ફરિયાદ રદ કરવામાં આવે તો તેને કોઈ વાંધો નથી. જો કે સરકારે એવી રજૂઆત કરી હતી કે આ કેસની વધુ તપાસ થવી જરૃરી છે. હાઈકોર્ટે તપાસ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે પીડિતા કોઈના દબાણ કે શેહ-શરમમાં આવ્યા વિના આ નિર્ણય લઈ રહી છે તેવું નિવેદન લેવામાં આવે. હાઈકોર્ટે પીડિતાને હજુ પણ આ બાબતે વિચારવાનો સમય આપ્યો છે અને વધુ સુનાવણી સાતમી ઓગસ્ટ પર મુલતવી રાખી છે.

Related posts

સુરતમાં સગીર યુવકને તેના જ મિત્રએ હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા

Nilesh Jethva

સુરતના વરાછામાં હીરાની ઉચાપાત કરનાર ડાયમંડ ઓફિસનાં મેનેજરની કરાઈ ધરપકડ

Mansi Patel

સુરતમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, ગ્રામજનોએ હાઈવે પર કર્યો ચક્કાજામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!