GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

મોદીને સૌથી વધુ જીતની છે આશા તે રાજ્યમાં ભાજપના ડખાઓ જ કોંગ્રેસને કરાવશે ફાયદો

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ એનડીએના સહયોગી પક્ષો ભાજપ સામે લાલ આંખ કરી રહ્યાં છે. તાજેતરમાં રામવિલાસ પાસવાનને તો અમિત શાહે ગમે તેમ કરીને મનાવી લીધાં પરંતુ નાગરિકતા સંશોધન બિલ મામલે આસામ ગણ પરિષદે રાજ્યમાં ભાજપને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે. એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો છે. તો શિવસેનાના ભાજપવિરોધી સૂર દિવસે ને દિવસે વધારે બુલંદ થઇ રહ્યાં છે. હાલ તો બંને પક્ષોના નેતાઓ દ્વારા એકબીજા તરફ આકરા નિવેદનોનો મારો ચાલી રહ્યો છે.

૪૮ લોકસભા બેઠકોમાંથી ૪૦ ઉપર વિજય મેળવવાનું લક્ષ્યાંક આપ્યું

 ગત રવિવારે મહારાષ્ટ્રના લાતુર ખાતે ભાજપ અધ્યક્ષ અમિત શાહે શિવસેનાનું નામ લીધા વગર ચેતવણી આપી કે જો ગઠબંધન થશે તો ભાજપ પોતાના સહયોગીઓની જીત સુનિશ્ચિત કરશે અને એવું ન થયું તો પાર્ટી આગામી લોકસભાની ચૂંટણીમાં પોતાના ભૂતપૂર્વ સહયોગીઓને જોરદાર મ્હાત આપશે. શિવસેનાએ પણ ભાજપના આ હુમલાનો જવાબ આપવામાં જરાય વાર ન કરી અને કહ્યું કે અમિત શાહના આ ઉશ્કેરણીજનક નિવેદને ભાજપની વિચારધારા સામે લાવી દીધી છે.  શિવસેનાએ આક્ષેપ કર્યો કે લાગે છે કે ભાજપ હવે હિન્દુત્ત્વમાં વિશ્વાસ ધરાવતા લોકોને સાથે રાખવા નથી માંગતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભાજપના કાર્યકરોને મહારાષ્ટ્રમાં ૪૮ લોકસભા બેઠકોમાંથી ૪૦ ઉપર વિજય મેળવવાનું લક્ષ્યાંક આપ્યું છે. શિવસેનાએ આના ઉપર પણ હુમલો કરતા કહ્યું કે ભાજપના ઓછામાં ઓછી ૪૦ બેઠકો ઉપર જીતવાના દાવાએ સાફ કરી દીધું છે કે તેઓ ઇવીએમ સાથે ગઠબંધન કરવાના છે.

છેલ્લી ઘડીએ પણ સમાધાન થઇ શકે છે

કેન્દ્રમાં સત્તામાં રહેલા એનડીએમાં ભાજપની મહત્ત્વની સહયોગી શિવસેના જે રીતે મોદી સરકારની નીતિઓનો વિરોધ કરી રહી છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે એનડીએમાં લોકસભાની ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ જોવા મળશે. ભાજપ અને શિવસેના વચ્ચેનો ગજગ્રાહ માત્ર લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં વધારે બેઠકો મેળવવા માટેનો હોય તો એમાં છેલ્લી ઘડીએ પણ સમાધાન થઇ શકે છે. પરંતુ સવાલ એ છે કે શિવસેના ખરેખર ભાજપથી દૂર જવા માંગે છે કે કેમ અને જો તે ભાજપથી નાતો તોડી નાખવા માંગતી હોય તો તે બીજા કોઇ રાજકીય પક્ષની નિકટ જવાનું પસંદ કરે છે કે નહીં એ જોવું રસપ્રદ છે. એથીયે વધારે રસપ્રદ બાબત એ છે કે બીજો કોઇ રાજકીય પક્ષ શિવસેનાને સાથે રાખવાનું સાહસ દાખવે છે કે નહીં.

મહારાષ્ટ્રમાં તે શા માટે હજુ સુધી સરકારની સાથે જોડાણમાં

જે રીતે શિવસેના કેન્દ્રની મોદી સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવી રહી છે એ જોતાં તો પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે જો શિવસેનાને ભાજપની નીતિઓ સામે આટલો જ વિરોધ હોય તો પછી કેન્દ્રમાં કે મહારાષ્ટ્રમાં તે શા માટે હજુ સુધી સરકારની સાથે જોડાણમાં છે. રાફેલ મુદ્દે પણ શિવસેના નેતા સંજય રાઉતે પોતાની જ સરકારને ઘેરવાના જે પ્રયાસો કર્યાં એ જોતાં તો એવું જ જણાઇ રહ્યું છે કે રાફેલ મુદ્દે વિરોધના મામલે તે કોંગ્રેસ સહિતના વિપક્ષને પણ પાછળ છોડી દેવા ધારે છે. રાફેલ મામલે લોકસભામાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન પણ શિવસેના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે રાફેલ ખરીદીના મામલે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવાની વિપક્ષની માંગને સરકારે માની લેવી જોઇએ. આનાથી જાહેર થાય છે કે સરકારમાં સામેલ હોવા છતાં શિવસેના પોતાની જ સરકારના વિરોધમાં છે. રાફેલ ઉપરાંત નાગરિકતા સંશોધન બિલ ઉપર પણ શિવસેનાએ ભાજપનો વિરોધ કર્યો છે.

સરવાળે તો ભાજપને જ નુકસાન કરશે

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે જોડાણ થવું નક્કી છે અને આ જોડાણને શિવસેનાના સહયોગ વિના ટક્કર આપવી ભાજપ માટે અઘરી છે. જો શિવસેના અલગ ચૂંટણી લડે તો બંનેની વોટબેંક સમાન હોવાના કારણે મતો વહેંચાઇ જવાનો ડર છે જે સરવાળે તો ભાજપને જ નુકસાન કરાવે એમ છે. અધૂરામાં પૂરું શિવસેના ગુજરાતમાં પણ ઉમેદવારો ઊભા રાખવાની તૈયારી કરી રહી છે. જો આમ બન્યું તો મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં પણ ભાજપના મતો વહેંચાઇ જવાની શક્યતા છે.  ભાજપથી દૂર જવાની હિલચાલ દરમિયાન શિવસેનાના નેતા સંજય રાઉતે એક સૂચક ટકોર કરી છે જેના દેખીતો ફલિતાર્થ નીકળે એમ છે. રાઉતે કહ્યું કે દેશ ખંડિત જનાદેશ તરફ વધી રહ્યો છે અને નિતિન ગડકરી એવી સ્થિતિની રાહ જોઇ રહ્યાં છે.

નિતિન ગડકરીને નાયબ વડાપ્રધાન બનાવી દેવા જોઇએ

મતલબ કે જો ભાજપને સંપૂર્ણ બહુમતિ ન મળી તો મોદીના સ્થાને નિતિન ગડકરી વડાપ્રધાનપદના ઉમેદવાર હોઇ શકે છે. રાઉતે ગડકરીની પ્રશંસા કરતા એમ પણ કહ્યું કે સંઘમાં અને ભાજપના નેતાઓમાં તેમની સરખી સ્વીકાર્યતા છે. એ સાથે જ તેમણે એવો દાવો પણ કર્યો કે ગડકરીને ભાજપના અધ્યક્ષ તરીકે બીજો કાર્યકાળ ન મળે એ માટે રાજકીય કાવતરાં કરવામાં આવ્યાં હતાં. તાજેતરમાં જ ભાજપના દિગ્ગજ નેતા સંઘપ્રિય ગૌતમે પણ કહ્યું હતું કે નિતિન ગડકરીને નાયબ વડાપ્રધાન બનાવી દેવા જોઇએ. થોડા વખત પહેલાં મહારાષ્ટ્રના કદાવર ખેડૂત નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં રાજ્યમંત્રી એવા કિશોર તિવારીએ પણ ગડકરીને વડાપ્રધાન બનાવવાની માંગ કરી હતી.

ભાજપના નેતાઓ હંમેશા ઇન્દિરા ગાંધીને વખોડતા આવ્યાં છે

હકીકતમાં છેલ્લા થોડા સમયથી ભાજપની અંદર જ ગડકરીની હિલચાલ વધી રહી છે. અવારનવાર તેઓ મોદી સરકાર અને ભાજપ માટે વિમાસણ સર્જાય એવા નિવેદનો આપતા રહે છે. જે દિવસે મોદી સરકારે સવર્ણોને દસ ટકા અનામતની જાહેરાત કરી એ જ દિવસે એક કાર્યક્રમમાં ગડકરીએ ઇન્દિરા ગાંધી માટે પ્રશંસાના પુષ્પ વેરતા કહ્યું કે તેમણે પોતાની ક્ષમતા સાબિત કરવા માટે કદી અનામતનો સહારો લેવાની જરૂર નહોતી પડી. ઉલ્લેખનીય છે કે કટોકટીને લઇને ભાજપના નેતાઓ હંમેશા ઇન્દિરા ગાંધીને વખોડતા આવ્યાં છે ત્યારે ગડકરીના આ પ્રશંસા ઘણી સૂચક મનાય છે. ભલે અનામતનો ઉલ્લેખ તેમણે જુદાં સંદર્ભમાં કર્યો પરંતુ ફરી એક વખત તેમણે આડકતરી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા જ કરી હોવાનું જાણકારો માની રહ્યાં છે.  આ પહેલી વખત નથી કે ગડકરીએ પાર્ટીલાઇનથી અલગ જઇને વાત કરી હોય. વડાપ્રધાન એન્ડ પાર્ટી દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુની કાયમ ટીકા કરતા આવ્યાં છે પરંતુ ગડકરીએ થોડા સમય પહેલાં પંડિત નહેરુંના બે મોઢે વખાણ કર્યાં હતાં. 

ગડકરીનો ઇશારો મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ તરફ હતો

એ પહેલાં ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હાર મળી ત્યારે પણ ગડકરીએ કહ્યું હતું કે સફળતા મળે ત્યારે એનો શ્રેય લેવાની હોડ મચી જાય છે પરંતુ નિષ્ફળતા મળે ત્યારે તેની જવાબદારી લેવા કોઇ તૈયાર થતું નથી. સ્પષ્ટ છે કે ગડકરીનો ઇશારો વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ તરફ હતો. એ પહેલાં એક કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જો હું પાર્ટીનો અધ્યક્ષ હોઉં અને મારા સાંસદ અને ધારાસભ્યો સારો દેખાવ ન કરે તો જવાબદાર કોણ ગણાય?  નિતિન ગડકરીના વલણને જોઇને એવો ગણગણાટ શરૂ થઇ ગયો કે તેઓ વડાપ્રધાનપદ માટે દાવેદારી કરી રહ્યાં છે કે કેમ ત્યારે તેમણે એ દાવાને ફગાવી દેતા કહ્યું કે તેમને જે કામગીરી ફાળવવામાં આવી છે તેનાથી તેઓ ખુશ છે. જોકે નિતિન ગડકરીની ગણના જૂજ સ્પષ્ટવક્તા નેતાઓમાં થાય છે અને આજે રાજકારણમાં પહેલાં નિવેદન આપીને પછી યૂટર્ન લેવાનું સામાન્ય છે ત્યારે પણ ગડકરીએ પોતાના કોઇ નિવેદનોમાં યૂટર્ન લીધો નથી. ખરેખર તો ૨૦૧૪માં જે સમયે નરેન્દ્ર મોદીની સરકાર આકાર લઇ રહી હતી ત્યારે પણ એવું કહેવાતું હતું કે તેમની બરોબરી કરી શકે એવા એક માત્ર નિતિન ગડકરી જ છે.

ગડકરીના આ પ્રભાવ પાછળ તેમની આરએસએસ સાથેની નિકટતા

ગડકરીનો પ્રભાવ પણ એટલો હતો કે તેમણે જે મંત્રાલય માંગ્યું એ તેમને ફાળવવામાં આવ્યું. આજે માર્ગ પરિવહન અને હાઇવેનું માળખાગત વિકાસ કરવા માટે તેમની પ્રશંસા પણ થાય છે. મોદી સરકારના બીજા મંત્રીઓને ભલે કેન્દ્રીય નેતાગીરી તરફથી નિર્દેશ મળતા રહ્યાં હોય, પરંતુ ગડકરી પોતાના ખાતાને લગતાં નિર્ણયો પોતે જ લેતાં રહ્યાં. આજે પણ એવા ગણ્યાંગાંઠયા મંત્રીઓમાં તેમનું નામ લેવાય છે જે કેબિનેટની બેઠકોમાં પોતાનો સ્પષ્ટ અભિપ્રાય રજૂ કરી શકે છે.  ગડકરીના આ પ્રભાવ પાછળ તેમની આરએસએસ સાથેની નિકટતા મનાય છે. ખાસ તો સંઘના પ્રમુખ મોહન ભાગવત સાથે તેમને નિકટના સંબંધ છે. એવો પણ ગણગણાટ સંભળાય છે કે સત્તા માટે વડાપ્રધાન મોદી અને ગડકરી વચ્ચે છૂપી લડાઇ ચાલી રહી છે.

દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ ગડકરીને ખાસ બનતું નથી

વળી, અમિત શાહ તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ ગડકરીને ખાસ બનતું નથી. ખાસ કરીને ત્રણ રાજ્યોમાં મળેલી હાર બાદ ભાજપની અંદર રહેલી જૂથબંધી સપાટી ઉપર આવવા લાગી છે. જો એવું ન હોત તો ગડકરીએ ભાજપની હારની જવાબદારી લેવાની વાત કહીને વડાપ્રધાન મોદી અને અમિત શાહ તરફ આંગળી ચીંધી હોત. ખાસ વાત એ છે કે ગડકરીના નિવેદનો ઉપર સંઘે ચૂપકીદી સેવી રાખી છે. એનો અર્થ એવો પણ નીકળી શકે કે ગડકરીને અંદરખાને સંઘ તરફથી છૂટ મળી ગઇ છે.  જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમ તેમ પક્ષની અંદર અને બહારનો ખેલ સપાટી ઉપર આવતો જશે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં એટલું તો કહી શકાય કે વડાપ્રધાન મોદી અને અમિત શાહ માટે એનડીએના સહયોગીઓ ઉપરાંત ભાજપની અંદર પણ ઘણાં પડકારોનો સામનો કરવો પડશે.

Related posts

ભારત અને ચીન વિવાદ : બન્ને સેનાની વચ્ચે ડિવિઝનલ કમાન્ડર સ્તરની ચર્ચા, રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન

Nilesh Jethva

ગુજરાત ભાજપના આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી

Nilesh Jethva

100 વર્ષના આ દાદીમાં ખરા અર્થમાં છે આત્મનિર્ભર, પોતાની મહેનતથી જ ચલાવે છે ગુજરાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!