એફઆરડીઆઇ બિલને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે આ બિલને હાલ પરત લેવાનું નક્કી કર્યું છે. તૃણમુલ કોંગ્રેસના નેતા સૌગતા રાયે લોકસભામાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલે જોઇન્ટ પાર્લામેન્ટ કમિટીને પત્ર લખ્યો છે. સરકાર ફાઇનાન્સિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ (એફઆરડીઆઇ) બિલને પરત લેવા માગે છે.
કેન્દ્ર સરકારનો આ નિર્ણય વિપક્ષ અને જનતાની જીત છે તેમ તૃણમુલ નેતાએ જણાવ્યું હતું. આ બિલમાં જામીનની જોગવાઇ છે તેનાથી બચત ખાતામાં જમા ડિપોઝિટને અસર થવાની શક્યતાઓ વધુ છે. આ વિરોધ વચ્ચે સરકારે બિલને જોઇન્ટ પાર્લામેન્ટ કમિટીને મોકલી આપ્યું હતું. હવે સરકારે આ બિલને પરત લેવાનું નક્કી કર્યું છે.
આ બિલમાં સૌથી વિવાદિત જોગવાઇ એ પણ હતી કે ગ્રાહકો એક વખત પૈસા જમા કરે પછી તે બેંકો દેવાળુ ફુંકે તો પરત મળશે કે કેમ તેની કોઇ ગેરન્ટી નહોતી મળતી. હાલ એવો નિયમ છે કે બેંકો દેવાળુ ફુંકે તો જમા પૈસામાંથી એક લાખ પરત મળી શકે છે.
આ બિલને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો હતો છે, સરકારે એટલા માટે બિલ પરત લઇ લેવાનું નક્કી કર્યું છે કેમ કે તેમાં જામીન અંગેની જે જોગવાઇ છે તેનાથી ડિપોઝિટરને માઠી અસર થવાની શક્યતાઓ વધુ રહેલી છે તેમ આ અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.
તૃણમુલના નેતાએ લોકસભામાં જણાવ્યું હતું કે સરકારને એ ભય છે કે, આ પ્રકારના બિલને કારણે લોકોમાં અસર થશે. જેને પગલે આગામી લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો પણ કરવો પડી શકે છે.