100 ધારાસભ્યો અને મંત્રીઓ છે આજે જસદણમાં, શું કોંગ્રસને મળશે “અવસર”

જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 20મીએ મતદાન થવાનું છે ત્યારે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને જીતાડવા અને નાક બચાવવા મતદારોને પોતાના તરફ આકર્ષી રહ્યાં છે. અને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ એક બેઠક જીતવા બંને પક્ષે દિગ્ગજ નેતાઓની ફોજ જસદણમાં ઉતરી આવી છે. ભાજપના 70 ધારાસભ્યો અને કોંગ્રેસના 30 ધારાસભ્યો હાલમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે.

કોંગ્રેસના અવરસ નાકિયાને જીતાડવા પ્રદેશના દિગ્ગજ નેતાઓએ ધામા નાંખ્યા છે . ભાજપના કુંવરજી બાવળિયા સામે કોંગ્રેસે અવસર નાકિયાને મેદાનમાં ઉતાર્યા છે.. ત્યારે ગુરુ-ચેલા વચ્ચે જસદણનો જંગ ભાજપ અને કોંગ્રેસની પ્રતિષ્ઠા સવાલ બની ગયો છે. બંને પક્ષે પોતાના ઉમેદવારની જીતનો આશાવાદ કર્યો છે. પરંતુ 20મી જસદણના બે લાખ 32 હજાર જેટલા મતદારો બંને ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. 23 ડિસેમ્બરે પરિણામ જાહેર થનારા પરિણામો બતાવશે કે જસદણમાં કમળ ખિલે છે કે પછી કોંગ્રેસ તેનો ગઢ બચાવી રાખવામાં સફળ થશે.

કોંગ્રેસના નેતાઓને છે પણ આ ભય

જસદણ બેઠક કોંગ્રેસનો ગઢ છે. મતદારોએ અહીં ભાજપને જાકારો જ આપ્યો છે. હવે જો કોંગ્રેસ આ બેઠક ગુમાવે તો અમિત ચાવડા અને પરેશ ધાનાણી રાહુલ ગાંધીની ગુડબુકમાંથી બાકાત થઈ શકે છે. આ બંને યુવા નેતાઓ પરંપરાગત બેઠકને જાળવી નહીં શકે તો સિનિયર નેતાઓને ગાળો ભાંડવાનો મોકો મળી જશે. આ બંને નેતાઓ પર રાહુલ ગાંધીએ વિશ્વાસ મુકી પ્રદેશની નેતાગીરી સોંપી છે. ત્યારે આ પેટાચૂંટણી જીતવી જરૂરી બની છે.. જો આ બેઠક હારશે તો પાંચ રાજ્યોના પરિણામની ખુશી પર પાણી ફરી વળે તેમ છે. ભાજપ માટે તો જાણે આ જીત પાંચ રાજ્યોની હાર બાદ ટોનિક સમાન બની રહેશે.

નેતૃત્વ પરિવર્તનની હવાને પણ વેગ મળશે

જો ભાજપ હારશે તો, ગુજરાત ભાજપમાં ઉથલપાથલ થવાના એંધાણ છે કેમકે અસંતુષ્ટોમે મોકળું મેદાન મળી શકે છે. એટલુ જ નહીં, નેતૃત્વ પરિવર્તનની હવાને પણ વેગ મળશે. સૌરાષ્ટ્રના દિગ્ગજ ગણાતા નેતાઓ પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, જયેશ રાદડિયા, વિઠ્ઠલ રાદડિયા સહિતના નેતાઓની રાજકીય પ્રતિષ્ઠા પર સવાલો ઉભા થાય તેમ છે. પરસોત્તમ સોલંકી જેવા કોળી નેતાઓ સામેય આંગળી ચિંધાઈ શકે છે. આમ ભાજપ-કોંગ્રેસ બંને માટે આ પેટાચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter