GSTV

AGRની ચૂકવણી નહીં કરનારી કંપનીઓ સામે ટેલિકોમ વિભાગની લાલ આંખ, આકરા પગલા ભરવાની આપી ચેતવણી

સુપ્રીમ કોર્ટના આદેશોના પગલે સમયસર એટલે કે શુક્રવારે રાત્રે 12.00 વાગ્યા પહેલાં એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) ચૂકવી નહીં શકનારી ટેલિકોમ કંપનીઓ સામે ટેલિકોમ વિભાગ કડક પગલાં લશે.જોકે, શનિવારે ટેલિકોમ વિભાગની મોટાભાગની ઓફિસોમાં રજા હોય છે.  આથી ટેલિકોમ વિભાગ એજીઆરની ચૂકવણી માટે સોમવાર સાંજ સુધી રાહ જોઈ શકે છે. સોમવાર સાંજ સુધીમાં ટેલિકોમ કંપનીઓ એજીઆરની બાકી રકમની ચૂકવણી નહીં કરે તો તેમની સામે દંડ અને કડક કાર્યવાહી સહિતની નોટિસ મોકલવામાં આવશે.

ટેલિકોમ વિભાગના એક અિધકારીએ જણાવ્યું હતું કે, વિભાગે ટેલિકોમ કંપનીઓને રીમાઈન્ડર અને સજાની જોગવાઈ સાથે પાંચ નોટિસ મોકલી હતી. આ નોટીસ 31 ઓક્ટોબર, 13 નવેમ્બર, 2 ડિસેમ્બર, 20 જાન્યુઆરી અને 14 ફેબુ્રઆરીએ મોકલાઈ હતી.સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ટેલિકોમ કંપનીઓએ નાણાં ચૂકવવા જ પડશે અને વિભાગે તેમને ક્યારેય વધારાનો સમય આપ્યો નથી. હવે ટેલિકોમ કંપનીઓ કહી રહી છે કે સોમવાર સુધીમાં તેઓ આંશિક રકમ ચૂકવી દેશે, પરંતુ દરેક વિલંબ સાથે તેમના પર કાર્યવાહી કરાશે.

અગાઉ શુક્રવારે સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢ્યા પછી સફાળા જાગી ગયેલા ટેલિકોમ વિભાગે કંપનીઓને શુક્રવારે રાતે 11.59 વાગ્યા સુધીમાં એજીઆરની બાકી રકમ ચૂકવવા નોટિસ પાઠવી હતી. ટેલિકોમ કંપનીઓ પર લાઈસન્સ ફી રૂપે 92,00 કરોડ અને સ્પેક્ટ્રમના વપરાશના ચાર્જ તરીકે 55,000 કરોડ રૂપિયાનું દેવું છે. એકંદરે આ કંપનીઓએ કેન્દ્ર સરકારને એજીઆર પેટે રૂ. 1.47 લાખ કરોડ ચૂકવવાના છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે એજીઆરની ચૂકવણી કરવામાં કંપનીઓ નિષ્ફળ રહેશે તો તેમની સામે પગલાં નહીં લેવાય તેવો આદેશ આપનારા ટેલિકોમ વિભાગની ઝાટકણી કાઢી હતી અને તેના પર કોર્ટના આદેશની અવગણનાનો કેસ કરવાની ચિમકી આપી હતી.ત્યાર પછી ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને રાતોરાત એજીઆરના દેવાંની રકમ ચૂકવવા નિર્દેશો આપ્યા હતા. વધુમાં ટેલિકોમ વિભાગે 14મી ફેબુ્રઆરીએ મોકલેલી નોટિસ અંગે જણાવ્યું કે આ નોટિસ આંતરિક પ્રક્રિયાઓ માટે અપાઈ હતી, જેથી કોઈ પ્રકારની આંતરિક જટીલતાઓ ટાળી શકાય.

ટેલિકોમ વિભાગના સૂત્રોએ કહ્યું કે, ટેલિકોમ વિભાગે કોઈપણ આદેશ ટેલિકોમ ઓપરેટરોને આપ્યો નહોતો. કંપનીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સર્વોચ્ચ અદાલતે એજીઆરની ચૂકવણીની અંતિમ તારીખ પહેલાં જ અરજી સ્વીકાર કરતાં આ કેસનું લિસ્ટિંગ પાછળની તારીખોમાં કર્યું હતું.આ કારણે વિભાગને કોર્ટ સમક્ષ સ્પષ્ટીકરણ માગવાનો સમય મળ્યો નહોતો. આ કારણે અવમાનનાથી બચવા માટે વિભાગે ટેલિકોમ કંપનીઓ નિશ્ચિત સમયમાં એજીઆરની ચૂકવણી ન કરે તો કોઈ પગલાં લેવાશે નહીં તેવો આદેશ આંતરિક હેતુ માટે આપ્યો હતો. ટેલિકોમ વિભાગના અિધકારીએ જણાવ્યું હતું કે એજીઆરની ચૂકવણીમાં વિલંબ માટે ટેલિકોમ કંપનીઓ સામે પગલાં લેવાશે તેવું કંપનીઓને પાઠવવામાં આવેલી નોટિસો અને રીમાઈન્ડર્સમાં સ્પષ્ટ જણાવાયું છે. 

એજીઆર મુદ્દે સુપ્રીમના આદેશથી બેંકો પણ ચિંતિત

એજીઆર મુદ્દે સુપ્રીમ કોર્ટના આદેશથી ટેલિકોમ કંપનીઓની સાથે બેન્કોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નાણાંભીડનો સામનો કરનારી ટેલિકોમ કંપનીઓને કેટલીક સરકારી બેંકોએ લોન આપી છે. આથી સુપ્રીમના આદેશની આ બેંકો પર અસર જોવા મળી શકે છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું હતું કે એજીઆરની ચૂકવણી માટે રકમની વ્યવસ્થા ક્યાંથી કરવાની છે તે ટેલિકોમ કંપનીઓ પર નિર્ભર કરે છે.

જોકે, કોઈપણ ટેલિકોમ કંપની નાદારી નોંધાવશે તો બેન્કો તેનો ભોગ બનશે અને એનપીએની સમસ્યાનો સામનો કરનારી બેંકો માટે વધુ સમસ્યા ઊભી થશે. તેમણે ઉમેર્યું હતું કે એજીઆરની ચૂકવણીના મુદ્દે કોઈપણ ટેલિકોમ કંપની પર નકારાત્મક અસર પડશે તો વ્યાપક ઈકોસિસ્ટમ પર તેની ગંભીર અસર સર્જાશે, જેમાં બેન્કો, કંપનીના કર્મચારીઓ, વેન્ડર્સ, ગ્રાહકો સહિત બધાનો સમાવેશ થાય છે.

એજીઆરની બાકી રકમ અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશથી કોઈ સમસ્યા ઉદ્ભવશે તો તેના પર આંતરિક ચર્ચા કરવામાં આવશે તેમ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શનિવારે જણાવ્યું હતું. ટેલિકોમ કંપનીઓ દ્વારા 1.47 લાખ કરો રૂપિયાની રકમ નહીં ચૂકવાય તો તેમની સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી થઈ શકે છે તેવી સુપ્રીમ કોર્ટની ચેતવણીથી ટેલિકોમ કંપનીઓની સાથે બેંકો પણ ચિંતિત થઈ ગઈ છે. 

વોડાફોને એજીઆરની 53,000 કરોડની બાકી રકમ ચૂકવવા તૈયારી દર્શાવી

દેવામાં ડૂબેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ અંતે શનિવારે એજીઆરની રૂ. 53,000 કરોડની બાકી રકમ ચૂકવવા તૈયારી દર્શાવી છે. જોકે, આ સાથે તેણે કારોબાર ચાલુ રાખવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તે એજીઆરની બાકીની રકમ ચૂકવવાની કાર્યવાહી કરી રહી છે. જોકે, ભારતમાં કારોબાર ચાલુ રાખવાનો આધાર સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરાયેલી સુધારા અરજી પર સાનુકૂળ આદેશ પર છે.

વોડાફોન આઈડિયાએ જણાવ્યું હતું કે, કંપની હાલમાં એજીઆરની ગણતરીના આધારે ટેલિકોમ વિભાગને ચૂકવવાની રકમનું મૂલ્યાંકન કરી રહી છે. કંપની આ મૂલ્યાંકનના આધારે આગામી કેટલાક દિવસમાં એજીઆરની બાકી રકમ ચૂકવી દેશે. વોડાફોન આઈડિયાએ રૂ. 24,729 કરોડની સ્પેક્ટ્રમના ઉપયોગની ફી અને રૂ. 28,309 કરોડની લાઈસન્સ ફી સહિત રૂ. 53,038 કરોડ જેટલી રકમ ચૂકવવાની છે. કંપનીએ અગાઉ પણ સંકેત આપ્યા હતા કે તેને આ રકમની ચૂકવણીમાં કોઈ રાહત નહીં મળે તો તેમને કંપની બંધ કરવાની ફરજ પડશે. એજીઆર મુદ્દે સુપ્રીમમાં 17મી માર્ચે સુનાવણી થવાની છે.

READ ALSO

Related posts

રાજ્યભરમાં કોરોનાનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યુ છે, કુલ પોઝીટીવ કેસની સંખ્યા 150ને પાર

pratik shah

કોરોના : RBIના પૂર્વ ગવર્નર અને જાણીતા આંકડા શાસ્ત્રી રઘુરામ રાજને ભારતને આપી આ ચેતવણી

pratik shah

કોરોના: યુએસ પ્રમુખ ટ્રંપે ધમકી ભર્યા સૂરમાં જણાવ્યું, જો ભારત દવાનો સપ્લાય ના કરતું તો કરારો જવાબ મળ્યો હોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!