પરપ્રાંતિયો પર હુમલાને વખોડતા હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર સામે મોરચો માંડ્યો છે. હાર્દિકે કહ્યું કે જો હુમલા પાછળ અલ્પેશનો હાથ હોય તો તે દુઃખની બાબત છે. હાર્દિકે હુમલાખોરોને ફાંસીની સજા આપવાની માંગ કરી છે. હાર્દિકે કહ્યું કે દોષિતોને કોઈ જાતિ કે ધર્મ સાથે જોડીને ન જોવા જોઈએ પણ હુમલાખોરોને કડક સજા થાય તે જોવું જોઈએ.
તો મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાને પહેલા અલ્પેશ ઠાકોરે હાઈલાઈટ કરી હતી. અને આ ઘટનાના મુદ્દે તે સરકારને ઘેરવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ હાલની સ્થિતિમાં ઉલટુ ચિત્ર જોવા મળી રહ્યું છે. હવે ખુદ અલ્પેશ ઠાકોરની છબી પર સવાલ ઉભા થવા લાગ્યા છે. કારણ કે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે બિહારમાં સહ પ્રભારી તરીકેની જવાબદારી આપી છે. જેને લઈને એવી વાતોની ચર્ચા છે કે જે વ્યક્તિ ખૂદ એક બીજા રાજ્યમાં કામગીરી કરે છે તે પોતાના વતન રાજ્યમાં કોઈ પરપ્રાંતિયને આવી રીતે કેમ ભગાડી શકે.
સૌથી મહત્વની વાત એ છે કે બાળકી સાથે સર્જાયેલી અમાનૂષી ઘટનાને સૌ કોઈ વખોળી રહ્યું છે. પણ અલ્પેશ ઠાકોરની મૂવમેન્ટ પછી કોઈપણ કારણથી ગુજરાતમાં કામ કરતા હજારોની સંખ્યામાં પરપ્રાંતિયોએ પલાયન કર્યું છે. ત્યારે રોજી રોટી અને જીવનનું જોખમ સર્જાયું છે. તેના માટે અલ્પેશ ઠાકોરને દોષ આપવામાં ન આવી શકે. પરંતુ એક સામૂહિક વિરોધ આ માટે કારણ બન્યું હોઈ તેવી ચર્ચા ચાલે છે અને ભાજપ દ્વારા કોંગ્રેસને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે.