કૌશલ ટ્રેડલિંકના માલિકો હજું જાગ્યા નહીં હોઈ અને 140 અધિકારીઓ પહોંચી ગયા

અમદાવાદમાં કૌશલ ટ્રેડલિંકને ત્યાં વહેલી સવારથી આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. અને અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. 140થી વધુ અધિકારીઓ દરોડામાં જોડાયા છે. અને 60થી વધુ સ્થળો પર તપાસ ચલાવી છે. આ ઉપરાંત કુશલ ટ્રેડલિંકના શેર ધરાવતા ઘણા શેર ધારકોની પણ આવકવેરા વિભાગે પૂછપરછ હાથ ધરી છે. કંપનીના સીએ અને કર્મચારીઓને ત્યાં પણ આવકવેરા વિભાગની ટીમ પહોંચી હતી. અને તપાસનો દોર યથાવત્ રાખ્યો છે. આગામી બેથી ત્રણ દિવસ સુધી આવકવેરા વિભાગની કામગીરી ચાલે તેવી સંભાવના છે.

કૌશલ ટ્રેડલિંક કંપનીની 3 વર્ષમાં 6,445 કરોડ રૂપિયા માર્કેટકેપ વધી છે અને શેરોમાં કૃત્રિમ ભાવ ઉછાળો કરીને કેટલાય રોકાણકારોને રડાવ્યા હોવાનો તેના તરફ આરોપ છે. રિદ્ધિ સિધ્ધિમાં પડેલા ઇન્કમટેક્સના દરોડા દરમિયાન બેનામી વ્યવહારોની લિન્કનો છેડો કુશલ ટ્રેડ લિન્ક સુધી પહોંચ્યો હોવાની આશંકા છે. એકના ડબલ કરવાની પ્રયુક્તિ અને શેરભાવમાં જોવા મળેલ જોરદાર અફડાતફડીને કારણે ચર્ચામાં આવેલી અમદાવાદની કંપની કુશલ ટ્રેડલિંકમાં મંગળવારે સવારે ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કુશલ ટ્રેડલિંકના વિવિધ ઠેકાણાઓ પર મંગળવારે સવારના પહોરમાં જ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી. કંપનીની ઓફિસો અને માલિકોના ઘરે આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સૂત્રો જણાવ્યું કે કંપનીના એમડી અને સીઈઓ સંદિપ અગ્રવાલની તમામ ઓફિસો અને ઘરે પણ તપાસ હાથ ધરી છે.

કેલેન્ડર વર્ષ 2017ના મધ્યમાં સીજી રોડ પર સંદીપ અગ્રવાલની માલિકીની કુશલ ટ્રેડલિંક લિમિટેડ નામની શેરબજારમાં લિસ્ટેડ કંપની પોતાની કંપનીના શેરના ભાવમાં ખોટી રીતે ઉતાર-ચઢાવ કરી રોકાણકારોને ગેરમાર્ગે દોરે છે તેવી વ્યાપક ફરિયાદો મીડિયા હાઉસ, એક્સચેન્જ અને માર્કેટ રેગ્યુલેટર સેબીને મળી હતી. આ અંગે એક્સચેન્જ કે સેબી દ્વારા કોઈ તપાસ હાથ ન ધરવામાં આવી પરંતુ, ગ્રાઉન્ડ લેવલે કુશલ ટ્રેડલિંક લિમિટેડની વાસ્તવિકતા જાણવા માટે કરવામાં આવેલ તપાસને અંતે આ સમગ્ર કૌભાંડના પર્દાફાશ થયો હતો. કંપની દ્વારા શેરના ભાવમાં ખોટી રીતે ઉતાર-ચઢાવ કરી નિર્દોષ રોકાણકારોને ગેરમાર્ગે દોરતા હોવાની વાત સાચી પુરવાર થઈ હતી.

નાણાંકીય વર્ષ 2017-18માં કંપનીએ 1,006 કરોડની આવક કરી હતી અને સામે 27.72 કરોડનો નફો રજૂ કર્યો હતો. જોકે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં કંપનીને માત્ર 57 કરોડની આવક થઈ અને તેમાંથી 2.51 કરોડ રૂપિયાનો નફો થયો, જ્યારે સપ્ટેમ્બર, 2018ના કવાર્ટરમાં 48 કરોડની આવકની સામે 2.04 કરોડનો નફો થયો. રસપ્રદ વાત એ છે કે એક વર્ષમાં કારોબારમાં એવો તો શું ફેરફાર થયો અને ઈન્ડસ્ટ્રીની હાલત એવી તો કેવી કફોડી થઈ કે છ માસમાં માત્ર 105 કરોડની જ આવક અને માત્ર 4.50 કરોડનો જ નફો થયો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter