GSTV
ટોપ સ્ટોરી

પોલીસ વિભાગમાં મનપસંદ પોસ્ટીંગ હોય કે પછી ખાતાકીય તપાસ, ગોવિન્દાને ભજો એટલે કામ થઇ ગયું સમજો!

અમદાવાદ પોલીસ વિભાગમાં હાલ એક પોલીસકર્મીનું નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. ક્યાય પણ બદલી કરાવી હોય કે પછી કોઈપણ ખાતાકીય તપાસમાં ફસાયેલા પોલીસ અધિકારીને બહાર લાવવા હોય આ પોલીસ કર્મીને યાદ કરવા જ પડે છે, આમ તો આ પોલીસકર્મી કોન્સ્ટેબલ રેન્કનો કર્મચારી છે. પરંતુ તેની ઓળખાણ છેક ગાંધીનગરમાં બેઠેલા બાબુઓ સુધીની છે, આ પોલીસકર્મી માટે એવું કહેવાય છે કે શહેરમાં કોઈપણ પી.આઈની બદલી કરાવવી હોય કે પછી કોઈપણ અધિકારી ઉપર ખાતાકીય તપાસ ચાલતી હોય માત્ર ગોવિંદાનું નામનું રટણ કરો એટલે તે મદદ માટે તાત્કાલિક પ્રગટ થઇ જાય છે અને આ ગોવિન્દા માટે એવી પણ વાતો અને અટકળો ચાલી રહી છે કે તે મદદ ત્યારે જ કરે છે જ્યારે પ્રસાદ રૂપી ભોગ ચઢાવવામાં આવે અને તેનો એક સીધો અને સાદો નિયમ પણ છે કે પ્રસાદ રૂપી ભોગ તેણે નક્કી કરેલો હોવો જોઈએ, તેની માત્રામાં સહેજ પણ વધઘટ ચાલતી નથી જો તેણે માંગેલો ભોગ ધરાવવામાં આવે તો તમારી મરજીનું પોસ્ટીંગ હોય કે પછી તમારી પર ચાલતી કોઈપણ પ્રકારની ખાતાકીય ઇન્ક્વાયરી હોય, તેનો નિવેડો થોડા જ દિવસોમાં આવી જાય છે અને અધિકારીને તેમનું મનગમતું પોસ્ટીંગ મળી ગયું સમજી લેજો.

શહેરના કેટલાક પી.આઈને થયો છે ગોવિન્દાનો કડવો અનુભવ પણ

શહેરના કેટલાક પી.આઈને આ કોન્સ્ટેબલ કમ જાદુગરનો કડવો અનુભવ પણ થઇ ચુક્યો છે. એવા ઘણાખરા પી.આઈ શહેરમાં છે પણ ખરા જેમને આ ગોવિન્દાએ તેમની પાસેથી લાખો રૂપિયા લીધા બાદ પણ પોસ્ટીંગ આપવ્યું નહોતું. તેવા પીડિત પી.આઈ પણ શહેરમાં હાલ ખાડાના પોસ્ટીંગમાં ફરજ નિભાવી રહ્યા છે જેવા કે સ્પેશિયલ બ્રાંચ અને હેડક્વોર્ટરમાં નોકરી કરી રહ્યા છે. એક પી.આઈની તો હાલત એટલી કફોડી બની ગઈ છે કે થોડા સમય પહેલા આ અધિકારીની પૂર્વના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમના પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે એક મહિલાએ આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું. બાદમાં પોલીસ સ્ટેશનમાં હાજર મહિલા પીએસઆઈ અને અન્ય પોલીસકર્મીઓ સાથે ફરિયાદી મહિલાએ માથાકૂટ કરતા ફરિયાદી મહિલા વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો હતો. તેના બીજા દિવસે જ પોલીસ સ્ટેશનના પી.આઈની બદલી સ્પેશિયલ બ્રાંચમાં કરી દેવાઈ હતી. આ પી.આઈ પથ્થર એટલા દેવ કર્યા હશે પોતાની બદલી સ્પેશિયલ બ્રાન્ચમાંથી બીજા કોઈ સારા પોલીસ સ્ટેશનમાં કરાવવા માટે અને તેવા સમયે આ ગોવિન્દા નામના કોન્સ્ટેબલ તેમના હાથ લાગ્યા હતા અને બદલી કરાવવા માટે લાખો રૂપિયા ગોવિન્દાને આપ્યા પણ હતા પણ છેલ્લે કશું જ થયું નહોતું અને પૈસા પણ ભૂલવાનો વારો આવ્યો હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે.

ગોવિન્દાની વહીવટ રૂપી જાળ પૂર્વથી લઈને પશ્ચિમના એક ડીસીપીની ઓફીસ સુધી

આમતો આ ગોવિન્દા નામનો પોલીસકર્મી એટલો શાતીર છે કે છેલ્લા કેટલાય વર્ષોથી પૂર્વના એક પોલીસ સ્ટેશનમાં અડીંગો જમાઈને નોકરી કરી રહ્યો છે. હસમુખો અને સ્વભાવે શાંત પ્રકૃતિનો આ કોન્સ્ટેબલ બધાની નજરથી દુર રહીને ઘણાખરા પોલીસકર્મીઓ માટે અભય વરદાનરૂપી છે. આ કોન્સ્ટેબલે પોતાની જાળ એવી પાથરેલી છે. અને એટલી ચતુરાઈ પૂર્વક પોતાની કળા કરે છે કે અનેક વખત એસીબીએ પણ તેને ઝડપવા માટેની ટ્રેપો ગોઠવી ચુકી છે.

પરંતુ આ ગોવિન્દા તેમાંથી પણ આબાદ બચી ગયો છે. શહેરના મોટા ભાગના પી.આઈને તેનું નામ અને કામ યાદ છે. ત્યારે પશ્ચિમના એક ડીસીપીની ઓફીસનું સરકારી કામ તો ઓફીસના પોલીસકર્મીઓ કરે જ છે. પરંતુ ડીસીપીના તમામ અંગત કામો આ ગોવિન્દા એટલી સિફત પૂર્વક પાર પાડે છે કે ડીસીપીની ઓફીસના સ્ટાફને પણ ગંધ સુદ્ધાય આવતી નથી. પણ કેહવાય છે ને દરેકનો એક જમાનો હોય છે સૂર્ય ઉગે છે તો આથમે પણ છે માટે જ આ ગોવિન્દાથી દાજેલા કેટલાક પોલીસકર્મીઓ ગોવિંદાના સુરજના આથમવાની રાહ આતુરતા પૂર્વક જોઈ રહ્યા છે અને કેટલાક લોકોએ તો માનતા પણ માની ચૂક્યા છે.

READ ALSO

Related posts

નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો

Nakulsinh Gohil

Biparjoy Cyclone / બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છના તમામ 7 બંદરો પર એલર્ટ, કંડલા અને મુન્દ્રામાં કામગીરી ઠપ્પ

Nakulsinh Gohil

કરોડોના વિકાસકાર્યો, દર વર્ષે આવે છે 50 લાખથી વધુ યાત્રિકો, આમ છતાં પાવાગઢમાં સરકારી દવાખાનાની કોઈ સુવિધા જ નથી!

Nakulsinh Gohil
GSTV