GSTV

ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન

ભૂતપૂર્વ નાણામંત્રી અને ભાજપના નેતા અરૂણ જેટલીનો દેહ રવિવારે પૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના પરિવારજનો, ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં નિગમબોધ ઘાટ ખાતે પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો હતો. તેમના પુત્ર રોહને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે તેમના દેહને મુખાગ્ની આપ્યો હતો.

યમુના નદીના કિનારે નિગમબોધ ઘાટ ખાતે ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીને અંતિમ વિદાય આપવા માટે હજારો કાર્યકરો ઉમટી પડયા હતા. અંતિમ ક્રિયા પૂર્વે રાજકીય સન્માન સાથે અરૂણ જેટલીને ગન સેલ્યુટ અપાઈ હતી.

66 વર્ષીય જેટલીનું એઈમ્સ ખાતે લાંબી બીમારી બાદ શનિવારે નિધન થયું હતું.  અરૂણ જેટલીનું સ્વાસ્થ્ય કથળતાં તેમને 9મી ઓગસ્ટે એઈમ્સ ખાતે દાખલ કરાયા હતા. જોકે, 24મીને શનિવારે બપોરે 12.07 ક્લાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાર બાદ તેમના મૃતદેહને કૈલાશ કોલોની ખાતેના તેમના નિવાસ સ્થાને લઈ જવાયો હતો.

દરમિયાન પક્ષીય રાજકારણથી ઊપર ઉઠી વિરોધ પક્ષના અનેક નેતાઓએ પણ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, આપ નેતા સંજય સિંહે જેટલીના કૈલાશ કોલોની ખાતેના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ રામાનથ કોવિંદ પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમના નિવાસે પહોંચ્યા હતા.  

હાલ વિદેશ મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અરૂણ જેટલીને ભાવુક શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું કે તેઓ કલ્પના નથી કરી શકતા કે તેઓ ભારતથી ઘણા દૂર બહેરીનમાં છે અને તેમના ગાઢ મિત્ર અને પક્ષના સાથી અરૂણ જેટલીનું નવી દિલ્હીમાં નિધન થઈ ગયું છે.

રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલા અરૂણ જેટલીના મૃતદેહને 11 વાગ્યે કૈલાશ કોલોની ખાતે તેમના નિવાસ સ્થાનેથી ભાજપ મુખ્યાલય પર લાવવામાં આવ્યો હતો, જ્યાં લગભગ અઢી ક્લાક સુધી લોકોના અંતિમ દર્શન માટે તેમના દેહને રખાયો હતો. ભાજપ મુખ્યાલય ખાતે પક્ષના કાર્યકરથી લઈને સામાન્ય માણસ સુધીના લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તેમની અંતિમયાત્રામાં હાજર રહેનાર વરિષ્ઠ નેતાઓમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, પક્ષપ્રમુખ અને ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, પક્ષના કાર્યકારી નેતા જે.પી. નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સિતારમણ, સ્મૃતિ ઈરાની અને અનુરાગ ઠાકુર, ભાજપના સાંસદો વિજય ગોયલ અને વિનય સહસ્ત્રબુદ્ધે, કોંગ્રેસના નેતાઓ ગુલામ નબિ આઝાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને કપિલ સિબલ, એનસીપી નેતા પ્રફુલ પટેલ વગેરે હાજર રહ્યા હતા.

 ભાજપમાં જેટલી સાથે લાંબો સમય કામ કરનાર વૈંકૈયા નાયડુ અંતિમ યાત્રામાં ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેઓ જેટલીના દેહ નજીક થોડીક મિનિટો સુધી અવાચક થઈને ઊભા રહ્યા હતા. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ અરવિંદ કેજરીવાલ, નીતિશ કુમાર પણ અંતિમયાત્રામાં હાજર રહ્યા હતા. પક્ષના કાર્યકરોએ તેમને જરૂરિયાતના સમયે હંમેશા હાજર હોય તેવા નેતા તરીકે જેટલીને યાદ કર્યા હતા.

વાજપેયીજીએ નહેરૂના અવસાન વખતે લખેલી કવિતાનું વાજપેયીના અવસાન બાદ જેટલીએ વાંચન કર્યું હતું

એક ગીત થા જો ગુંગા હો ગયા

એક લૌ થી જો અનંત મેં વિલીન હો ગઇ

લેકીન ક્યા યે જરૂરી થા 

કી મોત ઈતને ચોરી છીપે આતી ?

ભારત માતા આજ શોકમગ્ન હૈ

ઊસકા સબસે લાડલા રાજકુમાર હો ગયા

માનવતા આજ કીન વંદના હૈ

ઊસકા પૂજારી સો ગયા

જલ જલ કી આંખ કા તારા ટૂટ ગયા

યમલા કા પાત હો ગઇ

વિશ્વ કે રંગમંચ સે એક પ્રમુખ અભિનેતા

અપના અંતિમ અભિનય દિખાકર અંતરધ્યાન હો ગયા.

મારો મિત્ર અરૂણ મને છોડીને ચાલ્યો ગયો : મોદી ભાવુક બન્યા

ત્રણ દેશોના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહેરીનમાં દેશના ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીને યાદ કરતા કહ્યું કે ‘સાથે સપના જોયા અને પૂરા કર્યા એવો લાંબો પ્રવાસ જે મિત્ર સાથે પૂરો કર્યો, એ મિત્ર અરૂણ જેટલીએ આજે જ દેહ છોડી દીધો.’

જેટલીના નિધનના સમયે વડાપ્રધાન મોદી બહરીનમાં હતા. અહીં ભારતીય સમાજને સંબોધન કરતાં વડાપ્રધાને કહ્યું કે ‘બધા કૃષ્ણ જન્મોત્સવ ઊજવી રહ્યા છે તેવા સમયે હું ખૂબ જ શોકાતુર છું. હું ઘેરી પીડા દબાવીને બેઠો છું.

વિદ્યાર્થી જીવનથી જે મિત્ર સાથે જાહેર જીવનમાં ખભેખભો મિલાવીને ચાલ્યો. રાજકારણનો પ્રવાસ સાથે શરૂ કર્યો. એકબીજાની સાથે ઊભા રહ્યા અને સાથે મળીને ઝઝૂમ્યા. ભાજપ અને અરૂણ જેટલીનો અટૂટ સંબંધ રહ્યો. એક વિદ્યાર્થી નેતા તરીકે ઈમર્જન્સીના સમયમાં લોકતંત્રની રક્ષા કરવામાં તે સૌથી આગળ હતા.

અમે સાથે સપના જોયાં અને આ સપના પૂરા કર્યા એવો લાંબો પ્રવાસ જે મિત્ર સાથે પૂરો કર્યો, તે મિત્ર અરૂણ જેટલીએ આજે દેહ છોડી દીધો. હું કલ્પના નથી કરી શકતો કે હું આટલે દૂર અહીં છું અને મારો મિત્ર અરૂણ ચાલ્યો ગયો. મેં એક મૂલ્યવાન મિત્ર ગુમાવ્યો છે. મુદ્દાઓ પર સમજ અને મામલાઓની ઝીણવટપૂર્વક માહિતી રાખવામાં તે નિપુણ હતા.

 આ મહિનાના થોડાક દિવસ પહેલાં અમારી પૂર્વવિદેશમંત્રી બહેન સુષમા સ્વરાજ પણ જતાં રહ્યાં અને આજે મારો મિત્ર અરૂણ ગયો. મારા માટે મોટી દુવિધાની આ ક્ષણ છે. હું એક બાજુ કર્તવ્યભાવથી બંધાયેલો છું અને બીજીબાજુ મિત્રતાની ભાવનાઓ મનમાં ઊભરાઈ રહી છે.

તેઓ આપણને પોતાની સારી યાદો સાથે છોડીને જતા રહ્યા. હું બહેરીનની ધરતીથી ભાઈ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું અને તેમને નમન કરૂં છું. સાથે જ દુખના આ સમયમાં ઈશ્વર તેમના પરિવારને શક્તિ આપે એવી પ્રાર્થના કરૂં છું.’

જેટલીના નિધન સાથે દિલ્હી-4નો યુગ અસ્ત

ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીના નિધન સાથે ભાજપમાં ‘દિલ્હી-4’ના યુગનો અસ્ત થયો છે. ભાજપમાં ‘દિલ્હી-4’ની ઉપમા વેંકૈયા નાયડુ, અનંતકુમાર, સુષમા સ્વરાજ અને અરૂણ જેટલીને અપાઈ હતી.

વર્ષ 2004થી 2014 સુધી રાષ્ટ્રીય રાજકારણ અને પક્ષના સંચાલનમાં દરેક નિર્ણયોમાં દ્વિતીય હરોળના આ ચાર હાઈ-પ્રોફાઈલ નેતાઓની મુખ્ય ભૂમિકા રહી હતી. આ ચારેય નેતા લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વ નીચે આગળ વધી રહ્યા હતા. આ ચારેય નેતા વાજપેયી સરકારમાં કેબિનેટમાં હતા.

જેટલીનું શનિવારે અવસાન થયું હતું જ્યારે ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું આ મહિનાના પ્રારંભમાં નિધન થયું હતું. અનંત કુમારનું ગયા વર્ષે નવેમ્બરમાં અવસાન થયું હતું જ્યારે નાયડુ હવે ઉપરાષ્ટ્રપતિ હોવાથી સક્રિયા રાજકારણથી દૂર થઈ ગયા છે. આમ, જેટલીના નિધન સાથે ભાજપમાં ભાજપમાં ‘દિલ્હી-4’ના યુગનો અસ્ત થઈ ગયો છે.

READ ALSO

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana

કૃષિમંત્રીનું આશ્વાસન/ MSPમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, ખેડૂતોને સરકારની વાત પર નથી ભરોસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!