GSTV

દેશનો કાયદો સૌથી ઉપર છે, તમારી પોલિસી નહીં : આઈટીના નવા કાયદા મુદ્દે સંસદીય સમિતિએ ટ્વીટરની ઝાટકણી કાઢી

ટ્વીટર

Last Updated on June 19, 2021 by Bansari

દેશમાં નવા આઈટી કાયદા મુદ્દે કેન્દ્ર સરકાર અને માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સંસદીય સમિતિની પેનલે શુક્રવારે ટ્વીટરની સખત શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, દેશનો કાયદો સૌથી ઉપર છે, તમારી પોલિસી નહીં. સમિતિ સમક્ષ હાજર થતાં સંસદીય સમિતિએ સવાલ કર્યો હતો કે, દેશના કાયદાનો ભંગ કરવા બદલ તેમને શા માટે દંડ ફટકારવામાં ન આવે? જવાબમાં ટ્વીટરના અધિકારીઓએ સમિતિને જણાવ્યું હતું કે, તેઓ તેમની નીતિઓને અનુસરે છે.

ટ્વીટર

અગાઉ આયર્લેન્ડે પણ તમને દંડ ફટકાર્યો છે : સંસદીય સમિતિ

ટ્વીટરના અધિકારીઓનો જવાબ સાંભળીને સંસદીય સમિતિએ ટ્વીટરને કહ્યું કે દેશના નિયમ-કાયદા સૌથી ઉપર છે અને આ તમારી પોલિસી નથી. કોંગ્રેસી સાંસદ શશિ થરૂરના અધ્યક્ષપદે શુક્રવારે ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી પરની સંસદીય સમિતિની બેઠક મળી હતી, જેમાં નાગરિકોના અધિકારોના રક્ષણ અને પ્લેટફોર્મના દુરુપયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સમિતિએ ગયા સપ્તાહે તેના મંચના દુરુપયોગ અને નાગરિકોના અધિકારોના સંરંક્ષણ સંબંધિત વિષયો પર ટ્વીટરને સમન્સ પાઠવ્યા હતા. આ બેઠકમાં આઈટી મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આ મહિનાના પ્રારંભમાં કેન્દ્ર સરકારે ટ્વીટરને નવા આઈટી નિયમોનું તાત્કાલિક પાલન કરવા માટે અંતિમ તક આપતા નોટિસ પાઠવી હતી અને ચેતવણી આપી હતી કે, ટ્વીટર નવા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો આઈટી કાયદા હેઠળ તેને અપાયેલી મુક્તિ પાછી ખેંચી લેવાશે. સૂત્રોએ જણાવ્યું કે ટ્વીટર ઈન્ડિયાની પબ્લિક પોલિસી મેનેજર શગુફ્તા કામરાન અને કાયદાકીય સલાહકાર આયુષી કપૂર સમિતિ સમક્ષ હાજર થયાં હતાં.

ટ્વીટર ઈન્ડિયાના પ્રતિનિધિઓએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના દુરુપયોગ, નાગરિકોના અધિકારોના રક્ષણ મુદ્દે નિવેદન નોંધાવ્યું હતું. આ અંગે સૂત્રોએ કહ્યું કે સમિતિએ ટ્વીટર ઈન્ડિયાના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. ટ્વીટર તરફથી પ્રાઈવસી પોલિસીનો હવાલો આપવામાં આવતાં સમિતિએ કહ્યું કે દેશનો કાયદો મોટો છે. તમારી નીતિ નહીં.

ટ્વીટર

અમે અમારી નીતિને અનુસરીએ છીએ : ટ્વીટર ઈન્ડિયા

ટ્વીટર ઈન્ડિયાએ સમિતિને કહ્યું કે, અમે નિયમોનું પાલન કરીએ છીએ અને અમારા અધિકારીઓની નિયુક્તિ કરી દીધી છે. આ અંગે સમિતિએ ટ્વીટરને યાદ કરાવ્યું કે અગાઉ આયર્લેન્ડે પણ તેને દંડ ફટકાર્યો છે. સમિતિએ ટ્વીટર ઈન્ડિયાને દેશના નિયમો સંબંધિત જરૂરી નિર્ણયો લેવા માટે ટ્વીટર ઈન્ડિયાના કેટલા એક્ઝિક્યુટિવ પાસે સત્તા છે તે લેખિતમાં જણાવવા કહ્યું હતું.

ટ્વીટર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, સમિતિ સામે અમારી વાત રજૂ કરવાની અમને તક મળી તેની અમે પ્રશંસા કરીએ છીએ. અમે ભારત સરકાર સાથે કામ કરતા રહીશું. અમે અહીં નાગરિકોને સલામતી આપવા અને પારદર્શિતા જાળવી રાખવા તથા ઓનલાઈન પ્લેટફોર્મ આધારિત અભિવ્યક્તિની આઝાદી અંગે બનાવાયેલા જરૂરી નિયમોનું પાલન કરવા માટે કટિબદ્ધ છીએ.

દરમિયાન ગાઝિયાબાદમાં વૃદ્ધની મારપીટ અને દાઢી કાપવાની બાબતમાં ટ્વીટર પર કાર્યવાહીનો દાયરો વધી રહ્યો છે. ગાઝિયાબાદ પોલીસે ટ્વીટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ માહેશ્વરીને નોટિસ ફટકારી છે અને સાત દિવસમાં લોની બોર્ડર પોલીસ સ્ટેશન આવી નિવેદન નોંધાવવા કહ્યું છે. ટ્વીટર પર આરોપ છે કે વૃદ્ધની મારપીટનો વીડિયો વાયરલ થવાથી સમાજમાં ખોટો સંદેશ ગયો છે અને આ વીડિયોનો પ્રસાર અટકાવવા ટ્વીટરે કોઈ પગલાં લીધા નહીં તથા તેને વાઈરલ થવા દીધો. પોલીસે આ નોટિસ ટ્વિટરની મુંબઈ ઓફિસના સરનામા પર મોકલી છે. પોલીસે મનિષ માહેશ્વરીને સીઆરપીસીની કલમ ૧૬૦ હેઠળ આ નોટિસ પાઠવી છે.

Read Also

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!